ભારત અને યુનિફોર્મ સિવિલ કોડ

Wednesday 14th July 2021 06:11 EDT
 

ભારતમાં સમાન નાગરિક સંહિતા અથવા યુનિફોર્મ સિવિલ કોડ બાબતે નવેસરથી ચર્ચા આરંભાઈ છે. તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી સાથે તેની તરફેણ કર્યા પછી આ મુદ્દો ગરમાયો છે. એક છૂટા છેડાના કેસમાં હાઈ કોર્ટે અવલોકન કર્યું છે કે ભારતીય સમાજમાં જાતિ, ધર્મ અને સમુદાય સાથે સંકળાયેલી અવરોધરુપ સમસ્યાઓ દૂર થઈ રહી છે અને સમાજ હવે એકરૂપ બની રહ્યો છે. આમ છતાં, આંતરધર્મી લગ્ન અને આંતરજાતીય લગ્ન કે છૂટાછેડા સંબંધિત વર્તમાન જોગવાઈઓ નડતર બની રહી છે. આ સંદર્ભે બંધારણના અનુચ્છેદ ૪૪ અન્વયે સરકારે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાનો સમય પાકી ગયો હોવાનું પણ હાઈ કોર્ટે જણાવ્યું છે. તમામ ધર્મો માટે અલગ અલગ કાયદાની જગ્યાએ એક દેશ એક કાયદાની માગ વર્ષોથી સતત થતી આવી છે. સાચી વાત તો એ છે કે બંધારણના ઘડવૈયાઓ દ્વારા બધા ધર્મો અને સંપ્રદાયોના લોકો માટે સમાન નાગરિક સંહિતાની કલ્પના કરવામાં આવી હતી. બંધારણસભામાં ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકરએ સ્પષ્ટ કહ્યું હતું કે એક સમાન નાગરિક સંહિતા જરૂરી છે પરંતુ, હાલના સમયમાં તેને વિવિધ ધર્મ પાળતા લોકોની ઇચ્છા પર છોડી દેવી જોઈએ. આર્ટિકલ ૪૪ દેશની સરકારને યોગ્ય સમયે બધા ધર્મો માટે 'સમાન નાગરિક સંહિતા' બનાવવાની સૂચના આપે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ૧૯૮૫માં આવો દિશાનિર્દેશ અપાયો હતો પરંતુ, સરકારોએ તે પ્રત્યે ભારે ઉદાસીનતા દાખવી છે. અત્યારે તો સંબંધિત ધર્મના અંગત કાયદા અનુસાર તેના અનુયાયીઓમાં લગ્ન, છૂટાછેડા, જાળવણી, દત્તક, વારસો, વગેરે સંબંધિત અધિકારો નક્કી કરવામાં આવે છે. આ અધિકારોમાં વિષમતા રહેલી છે. હિન્દુ ધર્મની સરખામણીએ ઈસ્લામ અને ક્રિશ્ચિયન ધર્મીઓને લઘુમતી હોવાના આધારે વિશેષ અધિકારો અપાયેલા છે. ભાજપ દાયકાઓથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અને દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના એજન્ડા સાથે ચૂંટણી લડતો આવ્યો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની રચના થયા પછી રામમંદિર અને કલમ ૩૭૦ની નાબૂદીનો એજન્ડા પરિપૂર્ણ થયો છે. હવે યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચાએ જોર પકડ્યું છે.


comments powered by Disqus