સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Wednesday 14th July 2021 07:45 EDT
 

• વિશ્વમાં ૩.૭૪ લાખ કોરોના સંક્રમણના નવા કેસઃ હાલમાં સમગ્રવિશ્વ કોરોની લપેટમાં છે. ડેલ્ટા વેરિઅન્ટના પ્રસાર વચ્ચે ઓસ્ટ્રેલિયાએ કડક લોકડાઉન લાદ્યું હોવા છતાં કોરોનાના નવા કેસ ઓછા થઈ રહ્યા નથી. ઉલટું એકલા સીડનીમાં જ ૧૩ જુલાઈની સ્થિતિએ પાછલા ૨૪ કલાક દરમિયાન ૨૪ ટકાના ઉછાળા સાથે ૧૧૨ નવા કેસ નોંધાયા હતા. ઓસ્ટ્રેલિાય ઉપરાંત યુરોપ, ઇન્ડોનેશિયા, ક્યૂબા, બ્રિટન અને સાઉથ કોરિયામાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. ૧૩ જુલાઈના વિશ્વમાં ૩.૭૪ લાખ નવા સંક્રમણના કેસ નોંધાયા હતા. આ સમય દરમિયાન ૩.૫૫ લાખ લોકો કોરોનામાંથી સાજા થયા હતા જ્યારે ૬,૫૦૮ દર્દીના મોત થયા હતાં.
• ચીનના કાયદાથી પરેશાન હજારો લોકો હોંગકોંગ છોડી બ્રિટનમાં વસવાની તૈયારીમાંઃ હોંગકોગમાં ચીનનો નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે હજારો લોકો હોંગકોંગ છોડવા માગે છે. તેમણે બીજા દેશમાં વસી જવાની યોજના બનાવી છે. તેમાંથી મોટા ભાગના લોકો બ્રિટન જવા માંગે છે. તેમનું કહેવું છે કે તે બ્રિટનમાં શરણાર્થી જ રહેશે પણ કદાચ ત્યાં રહીને શરણાર્થીની જેમ અનુભવશે નહીં.
• બાંગ્લાદેશની ફૂડ ફેક્ટરીમાં ભીષણ આગ, ૫૨ લોકોના મોતઃ બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ૫૨થી વધુ લોકોના મોત થયા છે. કેટલાંક લોકોએ આગથી બચવા માટે ઉપરના માળેથી નીચે કૂદી પડતા ઓછામાં ઓછાં ૩૦ માણસો ઘવાયા હતા. ડઝન બંધ ગુમ છે.
• વિશ્વનો સૌથી શક્તિશાળી છે જાપાનનો પાસપોર્ટઃ વિશ્વના પાસપોર્ટ વચ્ચે ઓલિમ્પિક રમાડવામાં આવે તો જાપાનનો પાસપોર્ટ બાકીના તમામ પાસપોર્ટને પાછળ રાખી દે તેવી સ્થિતિ છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ જાપાની પાસપોર્ટ વર્ષ ૨૦૨૧નો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ વર્ષે ભારત યાદીમાં ૬ સ્થાન પાછળ સરકીને ૮૪મા સ્થાનેથી ૯૦મા સ્થાને પહોંચી ગયું છે. ભારતીય પાસપોર્ટ વિશ્વના કુલ ૫૮ દેશોમાં ફ્રી વિઝા સુવિધા ધરાવે છે. જાપાની પાસપોર્ટ ૧૯૩ દેશોમાં વિઝા ફ્રી કે વિઝા ઓન એરાઇવલની સુવિધા ધરાવે છે. ૧૯૩ના શાનદાર સ્કોર સાથે જાપાને યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. યાદીમા સિંગાપુર બીજા સ્થાને છે. તે દેશ ૧૯૨ દ્દેશોમાં વિઝા ઓન એરાઇવલ કે ફ્રી વિઝા એક્સેસ ધરાવે છે. તે પછીના ક્રમે ૧૯૧ ફ્રી વિઝા સ્કોર સાથે દક્ષિણ કોરિયા અને જર્મની છે. ફિનલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ અને સ્પેન યાદીમાં ચોથા ક્રમે છે. તે તમામ દેશો ૧૯૦નો વિઝા ફ્રી સ્કોર ધરાવે છે. બ્રિટન અને અમેરિકા યાદીમાં સાતમા સ્થાને છે.


comments powered by Disqus