નવી દિલ્હીઃ દિલ્હીની બોર્ડર પર ૩૭૮ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સુખદ અંત આવ્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની તમામ માગણી સ્વીકારી લેતાં સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.દેશની રાજધાની દિલ્હી અને હરિયાણાની સરહદ પર કૃષિના ત્રણ કાયદા રદ કરવા સહિતની અનેક માગણીના ટેકામાં એક વર્ષથી વધુ સમયથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પોતાના ટેન્ટ અને અન્ય સામાન સમેટીને ટ્રેકક્ટર ટ્રોલી તથા અન્ય વાહનોમાં બેસીને નાચતા-ગાતા પોતાના ઘર તરફ રવાના થયા છે. ખેડૂતોના આંદોલનનો આરંભ આક્રમક હતો પરંતુ તેનું સમાપન શાંતિપૂર્ણ રીતે થયું છે. ખેડૂતોનું તેમના ઘરે પહોંચતાની સાથે જ માળા પહેરાવી તથા મીઠાઈ ખવડાવીને ભવ્ય સ્વાગત કરાયું છે. ખેડૂતો ફૂલોથી શણગારેલી ટ્રેક્ટર ટ્રોલીઓના કાફલા સાથે વિજયગીતની ધૂન સાથે સિંધુ બોર્ડર ધરણાં સ્થળથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન ખેડૂતોના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. સિંધુ બોર્ડર છોડતાં પહેલાં કેટલાક ખેડૂતોએ હવન કર્યો હતો તો કેટલાકે ઈશ્વરનો આભાર માન્યો હતો.
સંયુક્ત કિસાન મોર્ચાએ સ્પષ્ટતા કરી છે કે આંદોલન ફક્ત સસ્પેન્ડ થયું છે. દર મહિને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
આ મુદ્દા પર બની સહમતી
• એમએસપીઃ કેન્દ્ર સરકાર કમિટી બનાવશે જેમાં સંયુક્ત કિસાન મોરચા પ્રતિનિધિ લેવામાં આવશે. હાલમાં જે પાક પર એમએસપી મળે છે તે ચાલુ રહેશે. એમએસપી પર જેટલી ખરીદી થાય છે તેને ઘટાડાશે નહીં.
• કેસ પાછા ખેંચાશેઃ હરિયાણા અને યુપી સરકાર ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા તૈયાર છે. અન્ય કેસીસ પણ ઝડપથી પાછા ખેંચાશે
• વળતરઃ વળતરના મુદ્દે પણ યુપી અને હરિયાણા સરકાર સહમત છે. પંજાબની જેમ અહીં પણ પાંચ લાખનું વળતર અપાશે. આંદોલનમાં ૭૦૦થી વધારે ખેડૂતોના મોત થયાં છે.
• વીજળી બિલઃ વીજળી સુધારણા બિલને સરકાર સીધી સંસદમાં નહીં લઈ જાય. પહેલાં ખેડૂતો ઉપરાંત તમામ સંબંધિત પક્ષકારો સાથે ચર્ચા કરશે.
• પ્રદૂષણ કાયદોઃ પ્રદૂષણ કાયદાને લઈને ખેડૂતોને કલમ ૧૫ સામે વિરોધ હતો. જેમાં ખેડૂતોને કેદ નહીં પણ દંડની જોગવાઈ છે. કેન્દ્ર તેને હટાવશે.
• પરાળી સળગાવવી અપરાધ નહીંઃ સરકારે પરાળી સળગાવવાના બનાવને અપરાધની બહાર મૂક્યો છે.
• લખીમપુર કેસમાં ન્યાય મળશેઃ કેન્દ્રિયમંત્રીના મોરચે હજુ નિર્ણય બાકી છે, તપાસ ચાલુ રહેશે.

