યુકેમાં કોરોના વાઈરસના નવા ઓમિક્રોન વેરિએન્ટે એક નાગરિકનો ભોગ લીધો છે ત્યારે ભવિષ્યમાં મોતનો કરાળ પંજો પ્રસરી શકે તેવી દહેશત અસ્થાને નથી. સમગ્ર વિશ્વના ૬૩થી વધુ દેશમાં ઓમિક્રોનના કેસીસ વાયુવેગે વધી રહ્યા છે. નવેસરથી લોકડાઉન્સ, વર્ક ફ્રોમ હોમ અને સામાજિક મેલજોલ પર પ્રતિબંધો જેવાં પગલાંની વિચારણા શરૂ થઈ ગઈ છે. ઓમિક્રોનના ઉદ્ભવ સમાન આફ્રિકન દેશો માટે હવાઈ ઉડ્ડયનો બંધ કરી દેવાયા છે.
ઓમિક્રોને બ્રિટનમાં દેખા દીધાં પછીના બે સપ્તાહમાં જ લંડનમાં તેનું પ્રભુત્વ વધી ગયાનું અને હોસ્પિટલોમાં દાખલ થવાનું પ્રમાણ ૫૦ ટકા વધી ગયાનું મનાય છે. લંડન ટ્રાન્સપોર્ટ હબ હોવાથી સાઉથ આફ્રિકાથી યુકે આવેલા પ્રવાસીઓ મોટા ભાગે લંડન જ આવેલા છે અને તેઓ ઓમિક્રોનના સંવાહક બન્યા છે. ડેલ્ટા વેરિએન્ટને આલ્ફાને પાછળ પાડવામાં લગભગ બે મહિના લાગ્યા હતા પરંતુ, ઓમિક્રોન માત્ર બે સપ્તાહમાં ડેલ્ટાને પણ પાછળ પાડી રહ્યો છે. એક અભ્યાસ મુજબ તો ઓમિક્રોનથી યુકેમાં ૨૫૦૦૦થી ૭૫,૦૦૦ સુધીના મોત થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. કોવિડ-૧૯ના વિકરાળ સ્વરુપને નિહાળી લીધા પછી ઓમિક્રોન વેરિએન્ટ સંદર્ભે ગાફેલ રહેવાનું પોસાય તેમ નથી. વડા પ્રધાન જ્હોન્સને સાચું જ કહ્યું છે ઓમિક્રોનને હળવાશથી લેવા જેવો નથી.
એક વર્ગ વેક્સિન નહિ લેવાના અધિકારની હિમાયત કરી રહ્યો છે. આવા અધિકારને આગળ ધરી તેઓ અન્યોના જીવવાના અધિકારો પર તરાપ મારી રહ્યા છે તે તેમને સમજાતું નથી. વેક્સિન નહિ લઈને તેઓ સંક્રમણને ફેલાવી રહ્યા છે. જોકે, જ્હોન્સને બૂસ્ટર ડોઝ આપવાની સમયમર્યાદાને આગળ લાવી દેશના તમામ વયસ્કોને વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપી ઓમિક્રોન વેરિએન્ટ સામે રક્ષણ આપવાની મહત્ત્વાકાંક્ષી યોજના મૂકી છે. જોકે, તેના માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવાઈ શક્યું નથી તે પણ હકીકત છે. ઓમિક્રોન સામે વર્તમાન વેક્સિનના ડોઝ ભલે કમજોર પડી રહ્યા હોય પરંતુ, તેનાથી ગંભીર બીમારી, હોસ્પિટલાઈઝેશન અને મોતનું પ્રમાણ હળવું રહેશે તેમાં શંકાને સ્થાન નથી. જો તમામ લોકો બૂસ્ટર ડોઝ લેવાની સાથે ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાને મહત્ત્વ આપશે તો ઓમિક્રોનથી મોતના જોખમને મહાત કરી શકીશું.
