ન્યૂયોર્કઃ કોરોના વાઇરસ લોકડાઉનને કારણે વિશ્વના ૧૬.૮ કરોડ એક વર્ષ સુધી બાળકો શાળાના સંપર્કમાં રહ્યાં નથી તેમ યુનિસેફના એક અહેવાલમાં જણાવવામા આવ્યું છે. હાંસિયામાં ધકેલાયેલા લોકોના બાળકોના શિક્ષણ પર કોરોના લોકડાઉનની સૌથી વિપરિત અસર જોવા મળી છે.
યુનેસ્કોના અહેવાલ મુજબ કોરોના મહામારી અગાઉ વિશ્વના ૪૬ કરોડ બાળકોને વાંચવામાં મુશ્કેલી પડતી હતી. કોરોના મહામારીમાં આવા બાળકોની સંખ્યા વધીને ૫૮.૪ કરોડ થઇ ગઇ છે. એટલે કે કોરોના મહામારીને કારણે વાંચી નહીં શકતા બાળકોની સંખ્યામાં ૧૨ કરોડ બાળકોનો વધારો થયો છે.
એક જ વર્ષમાં આવા બાળકોની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. જેના કારણે છેલ્લા બે દાયકાથી શિક્ષણનું પ્રમાણ વધારવા માટે ચાલી રહેલા પ્રયત્નો પણ પાણી ફરી વળ્યું છે.
યુનિસેફ અને યુનસ્કોના જણાવ્યા અનુસાર લેટિન અમેરિકા, કેરેબિયન, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના દેશોના બાળકોના શિક્ષણ પર સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી છે. યુનેસ્કો જણાવ્યા અનુસાર કોરોનાને કારણે બંધ રાખવામાં આવેલ ઓફલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવામાં આવશે તો ૨૦૨૪માં આ સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળશે.
વિશ્વમાં ૫૦ કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા
કોરોનાને કારણે આખા વિશ્વની પ્રગતિ ૨૦ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેમજ વર્લ્ડ બેન્કે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં ૫૦ કરોડ લોકો દારૂણ ગરીબીમાં ધકેલાઈ ગયા છે. કારણ કે કોરોનાગ્રસ્ત કરોડો લોકોએ આરોગ્યલક્ષી સેવાઓ મેળવવા તેમની બચતમાંથી પૈસા ચૂકવવા પડયા છે. યુએનના સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસે કહ્યું હતું કે, આખું વિશ્વ કોરોનાની મહામારીનાં ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યું છે આવા સમયે આપણે આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. જેથી લોકોને સમાન ધોરણે પૂરતી સારવાર મળી શકે. લોકોની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી જાળવવાનું મહત્ત્વનું છે.
