વોટ્સએપઃ વરદાન કે અભિશાપ

Wednesday 15th December 2021 04:54 EST
 

વર્તમાન ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાએ પોતાનું મહત્ત્વ સ્થાપિત કરી દીધું છે. સોશિયલ મીડિયામાં ફેસબૂક હોય કે ટ્વીટર અથવા વોટ્સએપ જેવાં પ્લેટફોર્મ હોય, તેનો ઉપયોગ એટલો વધી ગયો છે કે માનવી સામાજિક પ્રાણી હોવાનું તથ્ય ભુલાઈ ગયું છે. કોઈ પણ ટેકનોલોજી કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વરદાનરૂપે મળતી હોય છે પરંતુ, તેના દુરુપયોગે તેને અભિશાપમાં ફેરવી નાખી છે. માનવીએ તેના ઉપયોગમાં જરા પણ સંતુલન જાળવ્યું ન હોવાના પરિણામે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે સર્જક ગુલામ બનીને રહી ગયો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના વિકાસની સાથોસાથ વિનાશના દરવાજા પણ ખુલતા ગયા છે તેના પર જરા પણ ધ્યાન અપાતું નથી તે મોટી કમનસીબી છે.
યુવાધન પર સોશિયલ મીડિયાની અને ખાસ કરીને વોટ્સએપ જેવી એપ્સની ખરાબ અસર થઈ રહી છે. કોઈ મૌલિક વિચાર કરવાના બદલે આખો દિવસ મોબાઈલમાં ડૂબેલા રહેતા યુવાનો ચોતરફ જોવાં મળે છે. આ યુવાનો આવેલા સંદેશાઓ આગળ ધકેલી પોતે મોટી ક્રાંતિના સંવાહક બન્યાનો ભ્રમ અનુભવે છે. ફોરવર્ડ મેસેજીસનું તૂત એટલું જબ્બર ચાલે છે કે વ્યક્તિએ ફોરવર્ડ કરેલો મેસેજ ગણતરીના કલાકોમાં તેના જ એકાઉન્ટમાં આવીને પડે છે. ધર્મના નામે જ્ઞાતિ-જાતિવાદ તેમજ ગેરમાહિતીના પ્રસારમાં વોટ્સએપ અવ્વલ રહે છે.
વોટ્સએપ ભસ્માસુર રાક્ષસનું બીજું સ્વરુપ છે જેના પર નિયંત્રણો મૂકવાની માગ બળવત્તર બની રહી છે. હિંસાચાર ભડકાવવા માટે વોટ્સએપનો ઉપયોગ થતો રહ્યો છે. ગમે ત્યારે આપણા એકાઉન્ટમાં એવી ગેરમાહિતીનો ધોધ વહેવા લાગે છે કે સત્ય તેની પાછળ ઢંકાઈ જાય છે. વોટ્સએપના સહારે ફેલાતી અફવાઓ આખરે હિંસામાં પણ પરિણમે છે. વોટ્સએપ ઉપરથી ખોટા-જુઠ્ઠા સમાચાર – ફેક ન્યુઝ પ્રસારિત કરવાનો ધંધો ભારે સ્પર્ધાત્મક અને ધીકતો બની ગયો છે. ફેક ન્યુઝના કારણે પ્રામાણિક મીડિયાની વિશ્વસનીયતા પર કુઠારાઘાત થયો છે કારણકે સત્યતાને પારખી શકાતી નથી અને સાચા મીડિયાની જગ્યાએ સોશિયલ પ્લેટફોર્મ્સ પર ગોબેલ્સનું પ્રચારયુદ્ધ મેદાન મારી જાય છે. સાટા-ખોટાની પરખ કરી શકીશું તો વોટ્સએપ ખરે જ વરદાન બની રહેશે.


comments powered by Disqus