• ભારત પછી હવે ભૂતાન સરહદે ચીને નવા ગામ બનાવતા વિવાદઃ અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં ચીને નવા ગામ બનાવ્યા હોવાના ઘટસ્ફોટ પછી સેટેલાઈટ તસવીરોએ હવે ભૂતાનની સરહદે ચીને નવા ગામો બનાવ્યા હોવાનો પર્દાફાશ કર્યો છે. સ્પેસ ફર્મ કેપેલા સ્પેસની સિન્થેટિક એપર્ચર રડાર (એસએઆર) પર આધારિત સેટેલાઈટ તસવીરોએ ચીનનું વિસ્તારવાદી કાવતરું ખૂલ્લુ પાડયું છે. આ તસવીરોમાં ચીન-ભૂતાન સરહદ નજીક ચીને બનાવેલા નવા ગામોની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે. આ વર્ષના પ્રારંભમાં લેવાયેલી તસવીરોમાં ચીનના નવા ગામોની માહિતી મળી આવી છે.
• ભારતે અફઘાનિસ્તાનને તબીબી સહાયનો જથ્થો મોકલ્યો: ભારતે માનવતા દાખવીને અફઘાનિસ્તાને તબીબી સહાયનો જથ્થો મોકલ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સહાય કાબૂલ ખાતેના WHOના પ્રતિનિધિને આપવામાં આવી હતી. ૧.૬ મેટ્રિક ટન જીવનરક્ષક દવા ભારતે ભેટ તરીકે અફઘાનિસ્તાનને મોકલી હોવાનું ભારત ખાતેના અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંડેજીએ કહ્યું હતું. ભારતે ૫૦ હજાર ટન ઘઉં પણ મોકલવાની જાહેરાત કરી છે. આ જથ્થો સડક માર્ગે પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન પહોંચાડવામાં આવશે.
• યુએઈમાં કામકાજના કલાકોમાં ધરખમ ફેરફારઃ ૪.૫ દિવસનું વર્કવીક: સંયુક્ત આરબ અમીરાતે એક ઐતિહાસિક નિર્ણયમાં વર્કિંગ વીક ૫ દિવસથી ઘટાડીને ૪.૫ દિવસ કરી દીધું છે. સરકારી અધિકારીઓએ માહિતી આપી છે કે શુક્રવારની બપોરથી વિકેન્ડ શરૂ થશે જે શનિવાર અને રવિવાર સુધી ચાલુ રહેશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે સંયુક્ત આરબ અમીરાત વિશ્વનો પહેલો દેશ છે જેણે વૈશ્વિક પાંચ-દિવસીય સપ્તાહ કરતાં ટૂંકું નેશનલ વર્કિંગ વીક શરૂ કર્યું છે.
• ન્યુઝીલેન્ડ સ્મોકિંગ ઉપર પ્રતિબંધ મુકશેઃ ન્યુઝીલેન્ડ એક ઐતિહાસિક પહેલ કરવા જઇ રહ્યું છે. સરકારના હેલ્થ વિભાગે જાહેરાત કરી હતી કે ૨૦૨૨થી ન્યુઝીલેન્ડમાં સ્મોકિંગ ઉપર પ્રતિબંધ મુકાશે. યુવાપેઢી તમાકુના વ્યસનની દૂર તે માટે આજીનવ પ્રતિબંધની જોગવાઇ લેશે. તે ઉપરાંત તમાકુમાંથી નિકોટીનનું પ્રમાણ ઘટાડી દેવાશે. ન્યુઝીલેન્ડની સરકારે યુવા પેઢીને તમાકુના દૂર રાખવા માટે પ્રયાસો શરૂ કર્યો છે. ન્યુઝીલેન્ડ આજીવન સ્મોકિંગ પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. આવતાં વર્ષે ૨૦૨૨માં ખાસ બિલ પસાર કરીને કાયદો બનાવવામાં આવશે.
• શસ્ત્રોના મામલે રશિયા નંબર-૧-પુટિનઃ યુક્રેનના મામલે અમેરિકા સાથે જારી તનાવ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિને મોટો દાવો કરતા જણાવ્યું હતું કે શસ્ત્રોના મામલે રશિયા સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર પર છે. તેની સાથે તેમણે જણાવ્યું કે અમે પરમાણુ ક્ષમતા, મિસાઇલો અને વોરહેડને લઈને અમેરિકા સાથેની સંધિ પર કાયમ રહીશું. પુટિને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રપતિ બાઇડેન સાથે વાત કરી હતી.
• રશિયાના એક કોન્વેન્ટમાં આત્મઘાતી વિસ્ફોટમાં હુમલાખોરનું મોતઃ રશિયાની રાજધાની મોસ્કોની પાસે આવેલા એક કોન્વેટમાં થયેલા આત્મઘાતી હુમલામાં સાત યુવક ઘાયલ થઇ ગયા છે જ્યારે હુમલાખોરનું મોત થયું છે. આ હુમલો તે સમયે થયો જ્યારે સવારે આઠ વાગ્યાની આસપાસ આ કોન્વેટમાં એક એક્સપ્લોસિવ ડિવાઇસમાં અચાનક વિસ્ફોટ થયો. ઘાયલમાં એક ૧૫ વર્ષનો યુવક પણ સામેલ છે. જ્યારે હુમલાખોર એક કોન્વેટ સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે.
