વર્ષ ૨૦૦૨માં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા ગત એક હજાર વર્ષમાં સૌથી પ્રભાવશાળી ૨૦ વ્યક્તિની યાદી જાહેર કરાઈ હતી જેમાં માત્ર બે ભારતીય- મહાત્મા ગાંધી અને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો સમાવેશ થયો હતો. ગુજરાતના નાનકડા ગામ ચાણસદમાં ૧૧ ડિસેમ્બરે જન્મ, છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ ધરાવનારા પ્રમુખ સ્વામી મહારાજની આ અપ્રતિમ સફળતા તેમના વિશે ઘણું કહી જાય છે. સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક પથદર્શક સ્વામીજીએ સદૈવ દેશવિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ભાવનાની વિજયપતાકા લહેરાવી છે.
માત્ર ૨૮ વર્ષની વયે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)નું વડપણ સંભાળવું નાનીસુની વાત નથી. પ્રમુખસ્વામી મહારાજ એવા સંત હતા કે જેમની કથની અને કરણીમાં જરા પણ અંતર ન હતું. કુરિવાજોને તિલાંજલિ અપાવી સમાજના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન, દહેજ, અસ્પૃશ્યતા અને ભ્રૂણહત્યા જેવી બદીઓને દૂર કરવા આપેલી સમજ,સાક્ષરતાથી લઈ જળસંચય અભિયાન તેમજ વ્યસન મુક્તિ આંદોલનો જેવા સેવાયજ્ઞોની સુવાસ આજે પણ પ્રસરી રહી છે.
પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે આધ્યાત્મિક સેવાને સમાજ સેવાથી અલગ કરી શકો નહિ. તેમના વડપણ હેઠળ BAPS સંસ્થાએ અનેક રાહતકાર્યોની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપ્યું હતું. ગુજરાતમાં દુકરાળગ્રસ્ત પશુઓ અને માનવીઓની સેવા, લાતુર-મહારાષ્ટ્ર અને ગુજરાતના ધરતીકંપો દરમિયાન રાહત અને બચાવકાર્યો, ગામોનાં પુનર્નિર્માણ ઉપરાંત, શાળાઓ અએને હોસ્પિટલોના નિર્માણ થકી સમાજસેવાને ઉત્તેજન અપાયું હતું.
પરદેશમાં સનાતન ધર્મના પ્રતીક સમાન આઠ ગગનચુંબી ભવ્ય શિખરબદ્ધ મંદિરોના નિર્માણમાં પ્રમુખસ્વામી મહારાજની સાહસિકતા ઝળકી ઉઠી છે. મંદિરોનું નિર્માણ કોઈ નાની સિદ્ધિ નથી. મંદિરોની કળા અને સ્થાપત્યોમાં ભક્તિમય સંદેશા અને સનાતન ધર્મની પરંપરાઓનો પ્રતિધ્વનિ સંભળાય છે. પ્રત્યેક મંદિર પ્રમુખસ્વામીની અંગત દેખરેખ અને ધ્યાન સાથે બંધાયુ છે અને તેથી જ આ માત્ર મંદિરો જ નહિ, વિશાળ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેમ્પસ બની રહ્યાં છે.
સનાતન ધર્મમાં સંતો અને આચાર્યોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ સંતો જ્ઞાનના મશાલચી બની રહ્યા છે. નિરાભિમાની પ્રમુખ સ્વામી મહારાજે પણ આ માર્ગ પ્રશસ્ત કર્યો હતો જેનાથી તેમનું જીવન સમર્પણ અને શ્રદ્ધાનું અમૂલ્ય પ્રતીક બની રહ્યું હતું. સંતોમાં શિરમોર પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીએ શત શત વંદન.

