નાઈરોબીઃ કોરોના વાઈરસના ડેલ્ટા વેરિઅન્ટને લીધે કોવિડ -૧૯ના ગંભીર દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને લીધે કેન્યામાં મેડિકલ ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરતું નાઈરોબી સ્થિત સોશિયલ એન્ટરપ્રાઈઝ હેવાટેલનું આયોજન માગને પહોંચી વળવાના પ્રયાસમાં ઉત્પાદન બમણું કરવાનું છે. તે હવામાંથી ઓક્સિજન અને નાઈટ્રોજનને છૂટા પાડવા માટે કુદરતી મીઠાનો ઉપયોગ કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જોકે, આ પદ્ધતિથી ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
તેનું આયોજન લીક્વીડ ઓક્સિજનનું ઉત્પાદન કરે તેવા ૧.૫ મિલિયન ડોલરના મૂડીરોકાણ સાથેનું એર સેપરેશન યુનિટ ઉભું કરવાનું છે. તે દરરોજ ૨૦ ટન ઓક્સિજન ઉત્પાદનનો પ્રયાસ કરશે. નવા ઓક્સિજનના જથ્થા માટેના ખર્ચને આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સરો મારફતે ફંડ મેળવીને પહોમચી વળાશે.
કેન્યાની ૨૦૦ હોસ્પિટલને ઓક્સિજન પૂરો પાડતી હેવાટેલના સ્થાપક અને ફિઝિશિયન બર્નાર્ડ ઓલાયોએ જણાવ્યું કે મહામારીને લીધે ઓકિસજન અને તેના ઉત્પાદનમાં જરૂરી સાધનોની માગમાં ભારે વધારો થયો હોવાથી તે સરળ રહેશે નહીં. તેમણે ઉમેર્યું કે ઓક્સિજનની બોટલની દૈનિક માગ ૪૦થી વધીને ૨૦૦ થઈ છે. કેન્યાની હોસ્પિટલોમાં ઓક્સિજનની માગ સમગ્ર દેશના કુલ ઉત્પાદન કરતાં વધી ગઈ છે. નાઈરોબીની કેર હોસ્પિટલમાં દરરોજ ત્રણને બદલે હવે ઓક્સિજનના આઠ સિલિન્ડરની માગ છે.

