અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સ્થપાયું એટલે પાકિસ્તાન માટે ગોળધાણા વહેંચવાનો સમય લાગ્યો હતો. તાલિબાન સરકારની રચના સમયે પણ પાકિસ્તાની જાસૂસી સંસ્થાના વડાએ હાજરી આપી નિકટતા દર્શાવી હતી. એવું લાગતું હતું કે તાલિબાનના નામે પાકિસ્તાન જ અફઘાનિસ્તાન પર શાસન ચલાવશે. પાકિસ્તાન સરકાર દરેક મુદ્દે તેમનું માર્ગદર્શન કરવાનો પ્રયત્ન કરી રહી છે. જોકે, તાલિબાને દ્વિપક્ષીય વ્યાપાર માટે પાકિસ્તાની રૂપિયા કરન્સીનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દેતા પાકિસ્તાની મનસુબાઓને ભારે ઝાટકો વાગ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન શરણાર્થીઓના નવેસરથી આગમનની સંભાવનાથી ગભરાઈ રહ્યું છે. તાલિબાને પાકિસ્તાની તાલિબાન તરીકે ળખાતા ત્રાસવાદી જૂથ તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનને વખોડવાનો તેમજ અફઘાનિસ્તાન સાથે ૨૬૦૦ કિલોમીટર લાંબી સરહદ પર પાકિસ્તાને લગાવેલી ફેન્સિંગને માન્ય રાખવાનો પણ પણ ઈનકાર કર્યો છે. પાકિસ્તાનના નાણા પ્રધાન શૌકત તરીને અફઘાનિસ્તાનની નવી સરકાર સાથે મજબૂતી વેપારી સંબંધ અને પાકિસ્તાની ચલણનો ઉપયોગની ઈચ્છા જાહેર કરી હતી. હકીકતમાં પાકિસ્તાનનો દાવ અફઘાનિસ્તાનની મજબૂરીનો લાભ લેવાનો હતો. અમેરિકાએ અફઘાનિસ્તાનના ૯ બિલિયન ડોલરના ફંડને બ્લોક કર્યું હોવાથી ડોલરની અછત છે. આ સંજોગોમાં બંને દેશ પાકિસ્તાની રૂપિયામાં કારોબાર કરે તે હિતાવહ ગણાશે તેમ પાકિસ્તાન સરકારનું કહેવું હતું. ખરેખર તો અફઘાન ઘટનાક્રમ પછી ડોલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે. તાલિબાન નેતાઓએ તો પોતાની ઓળખ યથાવત રાખવા દ્વિપક્ષી વેપાર સંદર્ભે અફઘાન ચલણમાં કોઈ જ ફેરફારની શક્યતાને ફગાવી દીધી છે. પાકિસ્તાને કાબુલ એરપોર્ટને ફરીથી તૈયાર કરવા અને તેની કામગીરી શરૂ કરવામાં મદદની ઓફર કરી હતી. તાલિબાને પાકિસ્તાનને અવગણી આ કામગીરી તુર્કી અને કતારને સુપરત કરી હતી. આ પછી, વહીવટમાં પણ મદદનો હાથ લંબાવ્યો હતો જેને તાલિબાને ફગાવી દઈ પોતાની ગણતરી મુજબ વહીવટી કાર્ય કરાશે તેવી સ્પષ્ટતા કરી હતી. મૂળ વાત એ છે કે પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ રાખવાથી પશ્ચિમી દેશો પાસેથી આર્થિક સહાય મેળવવામાં મુશ્કેલી સર્જાશે તેવી માન્યતા હોઈ શકે છે. આમ, બૈગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.
