પહેલાથી કહેવાતું આવે છે કે બ્રિટન વેપારીઓનો દેશ છે અને આજે પણ આ વાત ખોટી નથી. યુકેમાં ટેસ્લાના એલોન મસ્ક અથવા એમેઝોનના જેફ બેઝોસ જેવા યુએસના મહારથી એન્ટ્રેપ્રીન્યોર્સની સ્પર્ધામાં ઉતરી શકે તેવા માંધાતા ઉદ્યોગપતિઓ નથી પરંતુ, દેશના ઉભરતા ટાયકૂન્સના હાથોએ વિશાળ અને સફળ કંપનીઓ વિકસાવી છે. આ ઉપરાંત, ઘણા નાના સાહસિકોએ ભાવિ સફળતાની ખાતરી આપે તેવા સાહસો ઉભા કર્યા છે તેની નોંધ અવશ્ય લેવી રહી. યુકેમાં ઓદ્યોગિક વાતાવરણ બદલાઈ રહ્યું છે. યુકેના ઉદ્યોગસાહસિકોએ અતિ વિશાળ કે જાયન્ટ નહિ પરંતુ, પ્રમાણમાં વિશાળ કહી શકાય તેવા બિઝનેસીસ જમાવ્યા છે. એકલપંડે નહિ તો, અન્ય એન્ટ્રેપ્રીન્યોર્સની સાથે રહી આ લોકોએ સોનેરી ભવિષ્યના સ્વપ્ના સાકાર કરવા તરફ આગેકદમ માંડ્યા છે. બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા પછી વેપારક્ષેત્રે ભારત, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશો સાથે આર્થિક અને વેપારી હિતો ધરાવતા કરારો કર્યા છે. ઈયુમાં બ્રિટિશ એન્ટ્રેપ્રીન્યોર્સના હાથ બંધાઈ ગયા હતા કારણકે ઈયુના નિયમોનું ફરજિયાન પાલન કરવું પડતું હતું. રેવોલ્ટ અને હોપિન જેવી ખાનગી બ્રિટિશ કંપનીઓની કામગીરી દર્શાવે છે કે વૈશ્વિક સ્તરના મૂલ્યવાન બિઝનેસીસનું યુકેમાં અગાઉ કરતા વધુ ઝડપે નિર્માણ થઈ રહ્યું છે. માત્ર છ વર્ષ જૂની ડિજિટલ બેન્ક રિવોલ્ટનું મૂલ્ય જુલાઈ મહિનામાં ૩૩ બિલિયન ડોલર અને બે વર્ષ જૂના વર્ચ્યુઅલ ઈવેન્ટ્સ સ્ટાર્ટ અપ હોપિનનું મૂલ્ય ઓગસ્ટમાં ૭.૮ બિલિયન ડોલર આંકવામાં આવ્યું છે. ટેકનોલોજી બિઝનેસના ટાયકૂન જેમ્સ ડાયસનના મતે તો યુકેની સંસ્કૃતિમાં એન્ટ્રેપ્રીન્યોરને સન્માન આપવાનું છે જ નહિ. આમ છતાં, યુકેના ૧ બિલિયન ડોલરથી વધુ મૂલ્યના ‘યુનિકોર્ન’ સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે. બીજી તરફ, બ્રિટિશ ટેક કંપનીઓમાં મૂડીરોકાણ એક દાયકામાં ૧ બિલિયન યુરોથી વધીને ૧૩ બિલિયન યુરોના આંકડે પહોંચી ગયું છે તે નાનીસૂની વાત નથી. યુકેમાં સંપત્તિ એકલદોકલ નહિ પરંતુ, અનેક બિઝનેસમેન્સના હાથોમાં વહેંચાયેલી છે. આ મોટા ધોધની નહિ પરંતુ, ટીપે ટીપે ભરાતા વિશાળ સરોવરોની વાત છે. યુકેના ટોપ ૧૦૦ એન્ટ્રેપ્રીન્યોર્સની યાદી હાલ જાહેર કરવામાં આવી છે. આ સાહસિકોએ કેમિકલ્સ, ઉડ્ડયન, રીટેઈલ, ગ્રીન એનર્જી, એરોસ્પેસ અને ઓટોમેટિવ, ટ્કનોલોજી, ડેટા અને ઈન્ફર્મેશન સર્વિસીસ, બેન્કિંગ, ગેમ્બલિંગ, ટેલિકોમ, રેસ્ટોરાં અને બાર, ટ્રાન્સપોર્ટ, સોફ્ટવેર, ફિનટેક, ઈન્સ્યુરન્સ તેમજ ફાર્માસ્યુટિકલ્સ સહિતના ક્ષેત્રોમાં નામના હાંસલ કરી છે. સર જેમ્સ રેટક્લીફ, સર રિચાર્ડ બ્રાન્સન, જેમ્સ ડાયસન તેમજ મોહસીન અને ઝૂબેર ઈસા, સિમોન અરોરા અને રણજિતસિંહ બોપારાન જ્વા ભારતવંશી સાહસિકો સહિતના અનેક એન્ટ્રેપ્રીન્યોર્સે દેશવિદેશના હજારો નિષ્ણાતો અને કામદારોને નોકરી-રોજગારી આપવા સાથે બ્રિટિશ અર્થતંત્રને નક્કર દિશા પૂરી પાડી છે.
