ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણીના અચાનક રાજીનામા અને તેમના સ્થાને તદ્દન નવા નિશાળિયા કહી શકાય તેવા ભૂપેન્દ્ર પટેલને ગાદીપતિ બનાવાયાથી ભારે આશ્ચર્ય સર્જાયું છે. આગામી વર્ષે ગોવા, ઉત્તર પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીઓ પણ થવાની છે. આ સંજોગોમાં પાંચ વર્ષથી સત્તા પર રહેલા મુખ્ય પ્રધાનને બદલી નાખવાનું મહત્ત્વ વધી જાય છે. મહત્ત્વની બાબત એ રહી છે કે ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોમાં જરા પણ વાદવિવાદ વિના સત્તા પરિવર્તન થયું છે. હકીકત એવી છે કે કોરોના મહામારીમાં ગુજરાતનું વ્યવસ્થાતંત્ર બરાબર કામગીરી બજાવી શક્યું ન હોવાથી સત્તાવિરોધી જુવાળ પેદા થવા લાગ્યો છે. જો આ જુવાળ આગ પકડે તો ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ૧૦૦ લાવવી પડે તે મુશ્કેલ જણાતું હતું. આ ઉપરાંત, પાટીદાર ફેક્ટર પણ મહત્ત્વનું છે કારણકે ઘણા સમયથી આગામી મુખ્ય પ્રધાન પાટીદાર હોવો જોઈએની માગણી જોર પકડી રહી હતી. ગુજરાતની કુલ વસતીમાં ૧૪ ટકા હિસ્સો ધરાવતી પટેલ જ્ઞાતિનાં ૧૮ ટકા મતદારો ચૂંટણીઓમાં નિર્ણાયક પરિબળ બની રહે છે. ભાજપ માટે જ્ઞાતિ આધારિત સમીકરણોમાં પટેલ સમાજનું વિશેષ મહત્ત્વ છે. બીજી તરફ, ગુજરાતમાં નવી પ્રવેશેલી આમ આદમી પાર્ટી પણ પાટીદારોમાં લોકપ્રિયતા અંકે કરી રહી છે. હવે નવું પાટીદાર નેતૃત્વ ૧૫૦+ના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.છ મહિનામાં જ ભાજપએ પાંચ મુખ્ય પ્રધાનોને બદલી નાખી આશ્ચર્ય સર્જ્યું છે તે હકીકત છે. જુલાઈ મહિનામાં જ ઉત્તરાખંડના તીરથ સિંહ રાવત અને કર્ણાટકના જૂના જોગી યેદિયુરપ્પાને દૂર કરી નવા મુખ્યપ્રધાનોને બેસાડ્યા હતા. હજુ ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનો બદલવાની કવાયત હાથ ધરાશે તેવી વાયકા ચાલી છે. આમાં મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના મનોહર લાલ ખટ્ટર અને ત્રિપુરાના બિપ્લવ દેવનો પણ સમાવેશ થાય છે. જોકે, ભાજપને નજીકથી નિહાળનારાઓ તેને પાર્ટીની નવી લીડરશિપ તૈયાર કરવાની સ્ટ્રેટેજી જણાવી રહ્યા છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્રીય કેબિનેટમાં બદલાવ કરીને નવી પેઢીને આગળ લાવવાનો સૂચક સંદેશ આપ્યો છે. હાથ પરના રાજ્યોમાં ભાવિ ચૂંટણીઓને નજરમાં રાખી સતત સમીક્ષા સાથે બદલાવ કરાઈ રહ્યા છે. ભાજપને મમતા બેનરજીએ બંગાળમાં મોટો ઝટકો આપ્યો છે. ભાજપના રણનીતિકારો હવે માને છે કે રાજ્યોનો મતદારવર્ગ લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીના નામે મતના ઢગલા કરી દે છે પરંતુ, વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક નેતૃત્વને મહત્ત્વ આપે છે. આ સંજોગોમાં રાજ્યોમાં વહીવટીક્ષમતા, જનાધાર અને જ્ઞાતિ-જાતિના સમીકરણોને બંધબેસતા કરી શકે તેવા યુવાનેતાઓ તરફ નજર દોડાવાઈ રહી છે.
