સરમુખત્યાર ચીન સામે લોકશાહી રણશિંગુ

Wednesday 16th June 2021 09:28 EDT
 

આખરે વિશ્વના લોકશાહીવાદી રાષ્ટ્રોએ વિસ્તારવાદી ચીન સામે રણશિંગુ ફૂંકી જ દીધુ છે. વિશ્વના આર્થિક રીતે સૌથી સમૃદ્ધ દેશોના સમૂહ જી-૭ની શિખર પરિષદમાં ચીનના વધતા પ્રભુત્વ સામે એક થવાની સહમતિ દર્શાવી છે.
અત્યાર સુધી પશ્ચિમના દેશોએ ચીનના માનવ અધિકાર ઉલ્લંઘનો તેમજ હોંગ કોંગ અને પોતાના જ દેશના ઉઈઘૂર મુસ્લિમો પર અમાનુષી અત્યાચારો સહિત તેનું ખરાબ વર્તન સહન કર્યા છે. બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ અને આક્રમક વેક્સિન ડિપ્લોમસીના સહારે આગળ વધતી ચીનની સામ્રાજ્યવાદી મહેચ્છાઓનો કેવી રીતે ઉત્તર વાળવો તે અત્યાર સુધી પશ્ચિમી દેશોને બરાબર સમજાતું ન હતું. જોકે, જી-૭ શિખર પરિષદથી તેમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે.
ચીનની વિશ્વને આવરી લેતી ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ- BRI’ યોજના વિરુદ્ધ જી-૭ દ્વારા ‘બિલ્ડ બેક બેટર વર્લ્ડ (B3W)’ યોજના જાહેર કરાઈ છે જેના, અંતર્ગત ૨૦૩૫ સુધીમાં ૪૦ ટ્રિલિયનની ડોલરના માતબર ભંડોળ સાથે ગરીબ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરાશે. ચીન BRI યોજના મારફત ગરીબ અને નાના દેશોને વિકાસનું સપનું બતાવી વાસ્તવમાં લોનજાળમાં ફસાવી રહ્યું છે ત્યારે વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત જી-૭ દેશો શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટને પણ ફટકો પહોંચાડવા માગે છે.
નિશ્ચિતપણે આગેવાની અમેરિકાએ સંભાળી છે. પ્રમુખ બાઈડેને વિકાસશીલ અને ગરીબ દેશોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિનના જથ્થા સાથે ચીનનો લોકશાહીવાદી અને મૂડીવાદી વિકલ્પ પૂરો પાડવા કમર કસી છે અને જી-૭ દેશોએ તેમને સમર્થન આપ્યું છે. ચીન સાથે આર્થિક કે કોલ્ડ વોર કોઈને પોસાય તેમ નથી પરંતુ, ગરીબ દેશોને ચીનની ચુંગાલમાંથી છોડાવી શકાય તો લોકશાહી પરંપરાનો વિજય થયો લેખાશે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે શિંગડા ભેરવવાની શરુઆત કરી હતી પરંતુ, આર્થિક અને વેપારયુદ્ધમાં અન્ય પાશ્ચાત્ય સત્તાઓ તેમના પડખે ઉભી રહી ન હતી અને બાઈડેન તેને અલગ તરાહથી માનવતાના રંગ સાથે આગળ વધારી રહ્યા છે.
બોરિસ જ્હોન્સને દુનિયાના ગરીબ દેશોની ૪૦ મિલિયન યુવતીઓને સ્કૂલ પહોંચાડવા અને તેમને શિક્ષિત કરવાનું લક્ષ્ય મૂક્યું છે અને બ્રિટન તેમાં ૪૩૦ મિલિયન પાઉન્ડનો ફાળો આપશે. લોકો અને ખાસ કરીને સ્ત્રીઓને શિક્ષણ મળશે તો સજાગતામાં વધારા થશે અને સંબંધિત દેશોની સિકલ બદલાઈ જશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન ઉત્પાદન પર ચોક્કસ કંપનીઓનો જ ઈજારો છે તે દૂર કરી વેક્સિનને પેટન્ટ ફ્રી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો પેટન્ટ નહિ રહે તો ઉત્પાદન અનેકગણું વધારી શકાશે અને ગરીબ દેસોને એક બિલિયન વેક્સિન ડોઝ પૂરા પાડવાનું લક્ષ્ય ઝડપથી પૂર્ણ કરી શકાશે તેમાં કોઈ શંકા નથી. ચીનની હરણફાળ સામે કોઈ વિરોધ નથી પરંતુ, પોતાના અને વિશ્વના નાગરિકોના સન્માન અને ગૌરવનું પ્રતિપાદન સરમુખત્યારવાદી દેશ કરી શકતો નથી જ્યારે લોકશાહી પરંપરા પાયાના સિદ્ધાંતો અનુસાર જ ચાલે છે.


comments powered by Disqus