કોચીઃ કોચીના ૭૪ વર્ષના રોકાણકારે ચાર દાયકા પહેલા અનલિસ્ટેડ કંપનીમાં રોકાણ કર્યું હતું. હવે આ કંપની શેરબજારમાં લિસ્ટેડ છે અને તેના શેરનું મૂલ્ય ૧૪૪૮ કરોડ રૂપિયા થઈ ગયું છે. જોકે કરમની કઠણાઇ એ છે કે આ રોકાણકારે હવે આ શેર પોતાના હોવાનું સાબિત કરવા ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બાબુ જ્યોર્જ વલાવી અને બીજા ચાર સંબંધીઓ પાસે કમસેકમ રૂ. ૧૪૪૮ કરોડના શેર છે, પરંતુ કંપની સાથેની લડતમાં અટવાઈ ગયા છે, કારણ કે કંપની શેર વેચાઈ ગયાનું કહે છે.
૧૯૭૮માં બાબુ અને તેમના કુટુંબના ચાર સભ્યોએ ઉદયપુર સ્થિત મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સમાં ૨.૮ ટકા શેરહિસ્સો ખરીદ્યો હતો. તે સમયે કંપની અનલિસ્ટેડ હતી. વર્ષો વીતવાની સાથે કંપનીના પ્રમોટરો બદલાયા અને તેનું નામ પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ થયું.
આ કંપની હવે શેરબજારમાં લિસ્ટેડ છે એટલું જ નહીં, ઘણી સારી કામગીરી પણ કરી રહી છે અને તેનું બજારમૂલ્ય ૫૦,૦૦૦ કરોડ થઈ ગયું છે. કંપનીની વૃદ્ધિની સાથે બાબુના રોકાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. આજે આ કંપનીના શેરનો ભાવ રૂ. ૩૦૦૦થી પણ વધુ છે અને બાબુ પાસે કંપનીનો ૨.૮ ટકા હિસ્સો છે તે મુજબ તેની પાસે કંપનીના ૪૨ લાખ શેરો છે.
બાબુ જ્યોર્જ વલાવી મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ (હવે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ) સાથે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે સંકળાયેલા હતા. તેઓ દસ વર્ષ સુધી કેરળમાં તેના એકમાત્ર વિતરક રહ્યા હતા. બાબુના ભાઈ જ્યોર્જ જી. વલાવી શિપિંગ બિઝનેસમાં મોટી નામના ધરાવતા હતા. તે અને પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક એકબીજાને જાણતા હતા અને મિત્રો બની ગયા હતા. આ જોડાણના લીધે બાબુ જ્યોર્જ વલાવી દક્ષિણ ભારતમાં કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બની ગયા હતા.
બાબુએ આ સમયગાળા દરમિયાન કંપનીના શેર ખરીદ્યા હતા અને તેને સલામતીપૂર્વક સાચવી રાખ્યા હતા. તેનું કારણ એ હતું કે તે સમયે કંપની લિસ્ટેડ ન હતી. આથી તેના શેરમાં ટ્રેડિંગ પણ થતું ન હતું. આ પછી બાબુ મૂડીરોકાણ અંગે ભૂલી પણ ગયા હતા.
૨૦૧૫માં તેમના પુત્રે ખાંખાખોળા કરીને શોધી કાઢ્યું કે પરિવાર પાસે જે કંપનીના શેર છે તે આજે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના નામે લિસ્ટેડ કંપની છે. આથી તેણે ડિમેટ એકાઉન્ટમાં ફિઝિકલ શેરો ટ્રાન્સફર કરાવવા કંપની રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો. કંપનીની રજિસ્ટ્રાર કાર્વી કન્સલ્ટન્ટ્સે બાબુના પુત્રને કંપનીનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.
કંપનીનો સંપર્ક કર્યો તો જણાવ્યું કે આ સિરિયલ નંબરના શેર તો ૧૯૮૯માં બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દેવાયા છે. તેમણે રજૂઆત કરી કે ઓરિજિનલ શેર સર્ટિફિકેટ તો તેમની કસ્ટડીમાં હતા તો પછી શેર ટ્રાન્સફર કઈ રીતે થયા? કંપની સેક્રેટરીએ જણાવ્યું હતું કે ૧૯૮૯માં ડુપ્લિકેટ શેર જારી કર્યા હતા અને સપ્ટેમ્બર ૧૯૮૯માં બીજી વ્યક્તિને ટ્રાન્સફર કર્યા હતા. બાબુનું કહેવું છે કે કંપની શેર ટ્રાન્સફર કરતી વેળા કંપનીઝ એક્ટ મુજબના પ્રોટોકોલને અનુસરી નથી.
અમે કંપનીને કોઈ દસ્તાવેજો આપ્યા નથી અને ડુપ્લિકેટ શેર જારી કરવા જણાવ્યું નથી તો પછી આ શેર ટ્રાન્સફર થયા કઈ રીતે?
૨૦૧૫માં દાવો કરવાની સાથે જ પીઆઇના મેનેજિંગ ડિરેક્ટર રજનીશ શર્મા અને ભૂતપૂર્વ જનરલ મેનેજર બાબુને કોચીમાં મળ્યા હતા. બાબુએ જણાવ્યું હતું કે ટોચના અધિકારીઓએ ખાતરી કરી હતી કે શેર સર્ટિફિકેટ સાચા છે. તેઓ આ વાતની ચર્ચા ચેરમેન સાથે કરશે. જોકે આ પછી કંપનીએ કોઈ પગલાં લીધા નથી. સંપર્ક કરવામાં આવ્યો તો પણ ચેરમેન આ અંગેનો જવાબ ટાળતા જોવા મળ્યા. બાબુનું કહેવું છે કે કંપની તરફથી કોઇ પણ જાતનો પ્રતિસાદ ન મળતા અમે સેબીનો સંપર્ક સાધ્યો. સેબીએ નોટિસ મોકલતા પીઆઇ ઇન્ડસ્ટ્રીઝે એમ જ કહ્યું કે અમે તો સપ્ટેમ્બર ૧૯૮૯માં શેર ટ્રાન્સફર કરી દીધા છે. બાબુને શંકા છે કે કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ ટોપ મેનેજમેન્ટની જાણ બહાર ગેરકાયદે શેરો ટ્રાન્સફર કરી નાંખ્યા છે. આ કેસમાં સેબીએ હજી સુધી તપાસ બંધ કરી ન હોવાથી બાબુને ભરોસો છે કે સચ્ચાઇની જ જીત થશે.