લંડનઃ ઈંગ્લેન્ડમાં ફ્રૂટ અને વેજિટેબલ્સ પીકર્સ જેવા સીઝનલ વર્કર્સની ભારે અછત વર્તાઈ રહી છે ત્યારે શાકભાજીની જથ્થાબંધ કંપની ટી. એચ. ક્લેમેન્ટ્સ એન્ડ સન લિમિટેડ કંપનીએ અનોખી ઓફર જાહેર કરી છે. લંડનના લિંકનશાયરસ્થિત કંપનીએ વર્કર્સ માટે જાહેરાત આપી છે તેમાં શાકભાજીની લણણી કરવાના કામ માટે વાર્ષિક ૬૨,૪૦૦ પાઉન્ડ (આશરે ૬૩ લાખ રૂપિયા) ના વેતનની ઓફર કરાઈ છે. વધારે મહત્ત્વની બાબત એ પણ છે કે કામદાર જેટલાં વધુ પ્રમાણમાં શાકભાજી લણવામાં આવશે તે પ્રમાણે વધુ વેતન અપાશે.
કોરોના વાઈરસ મહામારી પછી કંપનીમાં કર્મચારીની અછત વર્તાવાને કારણે કંપનીએ આ નવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી છે. બ્રેક્ઝિટ પછી માઈગ્રન્ટ વર્કર્સના નિયમો બદલાઈ જવાથી કંપનીને આ કામ માટે કર્મચારી ન મળવાથી કંપનીએ સોશિયલ મીડિયા અને નવી સ્ટ્રેટેજીનો સહારો લીધો છે. આ ફિલ્ડ ઓપરેટિવની જોબ સિઝનલ નથી પરંતુ, આખું વર્ષ કામ કરવા માટે છે. દેશમાં મોટા ભાગના બ્રિટિશરોએ ઓછાં વેતનના કારણે આ કામ કરવા ઈનકાર કર્યો હોવાથી કંપનીએ વેતનમાં ભારે વધારો જાહેર કર્યો છે.
કોબીજ વીણવા માટે અને બ્રોકોલીની લણણી માટે લાખોનો પગાર ઓફર કરાઈ રહ્યો છે. કંપની કલાકો અને અને દિવસ પ્રમાણે કામ કરવા માગતા લોકોને પણ નોકરી આપી રહી છે. કંપનીની એડવર્ટાઈઝમેન્ટ પ્રમાણે દર કલાકના ૩૦ પાઉન્ડ (આશરે ૩૦૦૦ રૂપિયા) અને દર સપ્તાહના ૧૨૦૦ પાઉન્ડ (આશરે ૧.૨૧ લાખ રૂપિયા) અને માસિક લગભગ ૪૮૦૦ પાઉન્ડનો પગાર આપી રહી છે.