દૈનિક ૨૦૦૦ બાળકો માનસિક આરોગ્ય સેવાને રીફર કરાય છેle

Wednesday 29th September 2021 06:27 EDT
 
 

લંડનઃ વિક્રમી સંખ્યામાં દૈનિક ૨૦૦૦થી વધુ બાળકો NHSની માનસિક આરોગ્ય સેવાને રીફર કરવામાં આવે છે. એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં ૧૮ વર્ષથી ઓછી વયના ૧૯૦,૦૦૦ બાળકોને સારવાર અને સપોર્ટ માટે મેન્ટલ હેલ્થ ટીમ્સને રીફર કરાયા હતા. આ આંકડો મહામારી અગાઉના વર્ષોની સરખામણીએ બમણાથી પણ વધુ છે.
રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સ (RCP) દ્વારા ચેતવણી અપાઈ હતી કે લોકડાઉન્સના ગાળામાં બાળકોએ ઘણું સહન કરવું પડ્યું હતું. RCPએ આ સમસ્યાઓને વધતી અટકાવવા શાળાઓ વધુ સપોર્ટ ઓફર કરે તેની ચોકસાઈ માટે નવા એજ્યુકેશન સેક્રેટરી નાધિમ ઝાહાવીને હાકલ કરી છે. આ ઉપરાંત, યુવાવર્ગને સપોર્ટ કરવા માટે ડ્રોપ-ઈન ક્લિનિક્સના નેશનલ નેટવકની પણ માગણી કરાઈ છે. RCPએ જણાવ્યું હતું કે મહામારીના ટોચના ગાળામાં ૨૦૧૯માં માનસિક આરોગ્ય સેવાને રીફર કરાયેલા ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોની સંખ્યા ૯૭,૩૪૨ હતી જે ૨૦૨૦માં ઘટીને ૮૧,૧૭૦ થઈ હતી. જોકે, ૨૦૨૧ના એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા વિક્રમી૧૯૦,૦૦૦ની હતી. આ ડેટાથી સ્પષ્ટ થાય છે કે લાકડાઉન્સ અને શાળાઓ બંધ રહેવાના કારણે બાળકો અને યુવા વર્ગને કેટલું સહન કરવું પડ્યું હતું.
RCPને જણાયું હતું કે ઈંગ્લેન્ડમાં હાલ આશરે ૩૪૦,૬૯૪ બાળકો માનસિક આરોગ્ય સેવાઓના સંપર્કમાં છે જે સંખ્યા જૂન ૨૦૧૯માં ૨૨૫,૪૮૦ બાળકોની હતી.
આ ઉપરાંત, ઓવરડોઝ, જાતને ઈજા અથવા અન્ય ઈમર્જન્સીના કારણે તાકીદની સારવારની જરૂર પડી હોય તેવા બાળકોની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો હતો. એપ્રિલથી જૂન મહિનાના ગાળામાં ૮,૫૫૨ બાળકોને ઈમર્જન્સી સંભાળની જરૂર પડી હતી જે ૨૦૧૯માં ૫,૨૧૯ બાળકોની સરખામણીએ ઘણી વધુ હતી.


comments powered by Disqus