નરેન્દ્ર મોદીની સફળ યુએસ મુલાકાત

Wednesday 29th September 2021 06:15 EDT
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઈડેનની પ્રથમ દ્વિપક્ષી મુલાકાત ભારે સફળ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અધૂરા રહેલા સંબંધોને આગળ વધારવાની તેમની જહેમત દેખાઈ આવી હતી. વડા પ્રધાન મોદીએ યુએનની જનરલ એસેમ્બલીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવી અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ ભારતવિરોધી કાર્યવાહી માટે કરવામાં ન આવે તેવી સ્પષ્ટ માગણી રાખી છે. ઉલ્લેખનીય છે કે ભારતને યુએન સુરક્ષા પરિષદ અને ન્યુક્લિયર સપ્લાય ગ્રૂપમાં કાયમી સ્થાન અપાવવા માટે બાઈડેન કામ કરશે તેવી હૈયાધારણ પણ ભારતને અપાઈ છે કારણકે ભારત સતત યુએનમાં સુધારાઓની તરફેણ કરતું આવ્યું છે.
એક બાબત નિશ્ચિત છે કે ભારત અને અમેરિકા વચ્ચે હાલ કોઈ વેપારી સોદો નહિ કરાય. બાઈડને યુકે સાથે પણ આવો જ વ્યવહાર કર્યો છે કારણકે હાલ તેમની પ્રાથમિકતા અલગ છે. બીજી તરફ, યુકે અને ઓસ્ટ્રેલિયા સાથે ડિફેન્સ કરારમાં ભારત અને જાપાનને સામેલ કરવાનો સ્પષ્ટ ઈનકાર બાઈડને કરી દેતા ઈન્ડો-પાસિફિક ઓશનમાં ભારતના સ્થાન અને મહત્ત્વને થોડી મુશ્કેલી પડી હોવાનું કહી શકાય તેમ છે. પ્રમુખ બાઈડેને પીએમ મોદી સાથેની બેઠકમાં ઓગસ્ટ ૨૦૨૧માં સુરક્ષા પરિષદના ભારતના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, મોદીએ ભારતીય વ્યાવસાયિકોમાં સૌથી લોકપ્રિય એવાં એચ-૧બી વિઝાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રને સંબોધન કરતા પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદના મુદ્દે તેની ભારે ઝાટકણી કાઢવા સાથે કોથળામાં પાંચ શેરી સાથે ચીનની વિસ્તારવાદી નીતિની પણ ટીકા કરી હતી. તેમણે વિશ્વના સમુદ્રોને આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી ગણાવી સમુદ્રી સરહદોનો દુરુપયોગ ન થવા દેવાની અપીલ કરી હતી. તેમણે ચીનની સરમુખત્યારશાહી વ્યવસ્થાને દર્પણ બતાવતાં વડાપ્રધાને ભારતના લોકતંત્રના ભરપૂર વખાણ કર્યા હતા. વડા પ્રધાન મોદીએ વિશ્વમાં ભારતના સ્થાન અને તેનુ મહત્ત્વ દર્શાવતા સ્પષ્ટ કહ્યું હતું કે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે, ભારતમાં સુધારા થાય છે ત્યારે વિશ્વમાં પણ પરિવર્તનો આવે છે. કોવિડ વેક્સિન્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ગ્રીન ટેકનોલોજીસમાં ભારતની આંખે ઉડીને વળગતી સિદ્ધિઓ પણ મોદીએ દર્શાવી હતી.
વડા પ્રધાન મોદીએ ભારતની લોકશાહી સામે કરાતી ટીકાઓનો જોરદાર પ્રત્યુત્તર વાળતા ભારતને તમામ લોકશાહીઓની માતા ગણાવી હતી. બાઈડન અને ઉપપ્રમુખ કમલા હેરિસે ભારતમાં આંતરિક લોકશાહી પ્રક્રિયાઓ મજબૂત બનાવવા સૂચન કર્યું ત્યારે મોદીએ લોકશાહી મૂલ્યોના જતનની વાત કરીને તમામ શંકાકુશંકાનો છેદ ઉડાવી દીધો છે.


comments powered by Disqus