નવરાત્રિ અને ત્યાર બાદ દિવાળી શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમારી ઇચ્છા આ સમયનો સદુપયોગ કરી થોડું ધ્યાન પોતાની સુંદરતા તરફ આપી લેવાનું હોય તો તમારા માટે કઈ બ્યુટી-ટ્રીટમેન્ટ લાભદાયક રહેશે એ જાણી લેવું આવશ્યક છે
ગણપતિબાપ્પા આ વર્ષ પૂરતું વિદાય લઈ ચૂક્યા છે. શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં જ નવરાત્રિની ધમાલ શરૂ થઈ જશે અને ત્યાર બાદ જોતજોતામાં તો દિવાળી આવી જશે. એથી આ દિવસોમાં પોતાના પૂર્વજોને યાદ કરવાની સાથે તમારી ઇચ્છા થોડું ધ્યાન પોતાની સુંદરતા પર પણ આપી દેવાનું હોય તો કેટલીક એવી બ્યુટી-ટ્રીટમેન્ટ્સ વિશે જાણી લેવું હિતાવહ બની રહેશે, જે તમારા ચહેરાને સુંદર બનાવવાનો દાવો કરે જ છે, સાથે સાથે જ નવરાત્રિમાં બેકલેસ ચોલી પહેરવા તમારી પીઠથી માંડી હાથ-પગની સુંદરતા વધારવાની ખાતરી પણ આપે છે.
• ચહેરાની કરચલીઓ દૂર કરવા: હવેના સમયમાં કોઈ પાસે ચહેરાની સુંદરતા વધારવા લાંબીલચક બ્યુટી-ટ્રીટમેન્ટ્સ કરાવવાનો સમય નથી. એથી સ્ત્રી હોય કે પુરુષ, સૌ કોઈને ઝટપટ રિઝલ્ટ જોઈએ છે. અહીં કોસ્મેટિક સર્જરીના નિષ્ણાતો કહે છે કે ટેક્નોલોજીના વિકાસને પગલે આજે આપણી પાસે ઘણીબધી એવી બ્યુટી-પ્રોસિજર્સ ઉપલબ્ધ છે જે ટૂંક સમયમાં લાંબા ગાળાનું પરિણામ આપે છે અને વ્યક્તિની ઉંમરને તેની સુંદરતા પર હાવી થવા દેતી નથી. જ્યાં સુધી વધતી ઉંમર તથા સ્ટ્રેસને પગલે ચહેરા પર પડી જતી કરચલીઓ અને ફાઇન લાઇન્સનો સવાલ છે ત્યાં સુધી આજની તારીખમાં પણ બોટોક્સની લોકપ્રિયતા એવી ને એટલી જ અકબંધ છે. બોટલિનિયમ ટોક્સિન ધરાવતાં આ ઇન્જેક્શન્સ યોગ્ય સ્થાનોએ લેવાથી ચહેરાની ત્વચા પહેલાંની જેમ ટાઇટ બની જતાં વ્યક્તિ નિશ્વિતપણે વધુ યુવાન, રિલેક્સ્ડ અને સુંદર દેખાઈ શકે છે. લગભગ પાંચથી પંદર મિનિટમાં પૂરી થઈ જતી આ પ્રોસીજરની અસર આસાનીથી ૩-૫ મહિના સુધી જોઈ શકાય છે.
• ત્વચાને ગોરી બનાવવા: ત્વચાનો રંગ નિખારવા ખૂબ લોકપ્રિય છે ક્યુ સ્વિચ લેઝર ફેશ્યલ. આ ફેશ્યલમાં ચહેરા પર અમુક વેવલેન્ગ્થમાં લેસરનાં કિરણો પસાર કરવામાં આવે છે, જે ત્વચાની બે લેયર પર કામ કરે છે. સુપરફિશ્યલ એપિડર્મલ લેયર તરીકે ઓળખાતા ત્વચાના સૌથી પહેલા સ્તર પર એ ઝીણામાં ઝીણા વાળને બ્લીચ કરવાનું કામ કરે છે, જ્યારે ડર્મલ લેયર તરીકે ઓળખાતા ત્વચાના બીજા સ્તર પર એ પિગ્મેન્ટ્સને તોડી કોલાજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. અલબત્ત, આ ટ્રીટમેન્ટ બાદ કેટલોક સમય ત્વચા પર સનસ્ક્રીન લગાડવું ફરજિયાત છે. અન્યથા સૂરજના આકરા તાપથી સ્કિન બળી જવાનો ભય રહે છે. એ સિવાય આ ટ્રીટમેન્ટની બીજી કોઈ આડઅસર નથી. લગભગ અડધો કલાકમાં પૂરા થઈ જતાં આ ફેશ્યલથી આવેલું પરિવર્તન એક મહિના સુધી ઊડીને આંખે વળગે છે. આ સિવાય માત્ર ચહેરા પરની ત્વચાને સાફ કરી હાઇડ્રેટ કરવાની ઇચ્છા હોય તો તમે હાઇડ્રોફેશ્યલ કે પછી ઓક્સિજન ફેશ્યલ પણ અજમાવી શકો છો.
• ત્વચાને તરોતાજા કરવા: ત્વચાને રીફ્રેશ કરવા તથા ખીલ અને પિગ્મેન્ટેશનના નિશાનથી છુટકારો મેળવવા ઇચ્છતી મહિલાઓ કેમિકલ પીલ્સ, નોન-સર્જિકલ થ્રેડ લિફ્ટ તથા ડર્મલ ફિલર્સ કરાવી શકે છે. વ્યસ્ત શેડ્યુલને પગલે જેઓ પોતાની સુંદરતા પર બહુ ધ્યાન આપી શકે એમ નથી કે એના માટે વધુ સમય પણ ફાળવી શકે એમ નથી એવી મહિલાઓ માટે આ ટ્રીટમેન્ટ્સ બેસ્ટ છે. મોટા ભાગની આ પ્રોસીજર્સ કલાક-દોઢ કલાકના ગાળામાં તો પૂરી થઈ જાય છે, પરંતુ એની અસર ૩ મહિનાથી માંડીને એક વર્ષ સુધી જોઈ શકાય છે. નોન-સર્જિકલ થ્રેડ લિફ્ટ જેવી ટ્રીટમેન્ટ્સ તમને ફાઇન લાઇન્સથી છુટકારો અપાવી શકે છે તો કેમિકલ પીલ્સ ત્વચાનું ઉપલું સ્તર દૂર કરી નીચેના સ્તરને બહાર આવવામાં સહાયક બને છે, જેને પગલે ખીલ કે ઘાનાં નિશાન વગેરે આપોઆપ આછાં થઈ જાય છે.
• ભરાવદાર હોઠ માટે: ખૂબ પાતળા હોઠ ધરાવતી મહિલાઓ આવાં લિપ-ફિલર ઇન્જેક્શન્સનો વિકલ્પ અજમાવી પોતાના હોઠને પણ વધુ ભરાવદાર બનાવવાનો પ્રયોગ કરી શકો છે. આ ઇન્જેક્શનમાં હાઇએલ્યુરોનિક એસિડમાંથી બનેલી જેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણ આપણા શરીરમાં જ બનતું હોવાથી એનાં ઇન્જેક્શન્સની કોઈ આડઅસર થતી નથી.
• ટેનિંગ દૂર કરવા: જેમણે લાંબો સમય ઘરની બહાર તડકામાં ફરવું પડતું હોય તેમની ત્વચા પર સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણોની અસર સાફ દેખાઈ આવે છે. આવી ટેન થઈ ગયેલી ત્વચાને ફરી પાછી ઊજળી કરવા રેટિનોલ પીલ્સ તથા ઈનો વાઇટનિંગ પીલ્સનો ઉપયોગ છેલ્લા કેટલાક સમયમાં ખૂબ લોકપ્રિય બન્યો છે. બલકે ડર્મેટોલૉજિસ્ટ પોતે પણ આ પીલ્સની અસરકારકતાની ખાતરી આપતાં અચકાતા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે રેટિનોલ પીલમાં મૂળે વિટામિન Aનું કોમ્પોનન્ટ રહેલું હોય છે, જે ત્વચાને રીફ્રેશ કરવાનું કામ કરે છે. આ પીલ લગાડવાથી ત્વચાનું સુપરફિશ્યલ લેયર તરીકે ઓળખાતું સૌથી ઉપરનું સ્તર સાપની કાંચળીની જેમ ઊતરી જાય છે. એથી ગોરી ત્વચા માટે એનું એક જ સેશન પૂરતું થઈ રહે છે, જ્યારે શ્યામવર્ણી ત્વચાને ૪-૫ સિટિંગની જરૂર પડી શકે છે. બીજી બાજુ રેટિનોલ પીલ્સની સરખામણીમાં ઈનો વાઇટનિંગ પીલ વધુ આક્રમક હોય છે, જે ગજબનાક હોય છે કે કોઈ પણ વ્યક્તિને વર્ષમાં એનાં ત્રણથી વધુ સેશનની જરૂર પડતી નથી.
• ખૂબસૂરત પીઠ માટે: નવરાત્રિમાં ગરબા રમવા જતી વખતે જેમની ઇચ્છા બેકલેસ કે લો-બેક ચોલી પહેરવાની હોય તેમણે પહેલાં પોતાની પીઠ પર બેક-પોલિશિંગ અવશ્ય કરાવી લેવું જોઈએ. આ પ્રોસીજર વાસ્તવમાં પીઠ માટેનું એક પ્રકારનું ફેશ્યલ જ છે, જેમાં માઇક્રોડર્માબ્રેશન નામના મશીનની ટિપ પર એલ્યુમિનિયમ ઓક્સાઇડના ક્રિસ્ટલ્સ અથવા ડાયમન્ડ લગાડી પીઠને સ્ક્રબ કરી એના મૃતકોષોને દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ એના પર ગ્લાઇકોલિક એસિડનું પીલ લગાડી એને એક્સફોલિએટ કરવામાં આવે છે.
• સુંદર હાથ - પગ માટે: સરસ રીતે સાફ કરેલા અને નખને સુંદર આકાર આપીને નેઇલ-પોલિશ લગાડેલા હાથ-પગ માટે અત્યાર સુધી મહિલાઓ માત્ર મેનિક્યોર અને પેડિક્યોરનો આશરો જ લેતી હતી, પરંતુ હવે શરીરના આ ભાગોના મૃતકોષોને પણ દૂર કરવા માઇક્રોડર્માબ્રેશનની મદદ લેવામાં આવે છે. ત્યાર બાદ ટેનિંગથી છુટકારો મેળવવા એના પર આલ્ફા હાઇડ્રોક્સી પીલ્સ અથવા વાઇટનિંગ એજન્ટ લગાડવાની પદ્ધતિ પણ હવે લોકપ્રિય બની રહી છે.
• રેશમી મુલાયમ વાળ માટે: ચોખ્ખા, સરસ રીતે ઓળેલા કે પછી હવામાં લહેરાતા વાળ જેવી ખૂબસૂરતી ચહેરાને બીજી કોઈ બ્યુટી-ટ્રીટમેન્ટ આપી શકે નહીં. આવા ખૂબસૂરત વાળ મેળવવા તમે કેરાટિન ટ્રીટમેન્ટ, હેર-સ્મૂધનિંગ, હેર-રિજુવિનેશન અથવા હેર-બોટોક્સ જેવા અનેક વિકલ્પોમાંથી પોતાની આવશ્યકતા અનુસારની પ્રોસીજર પસંદ કરી શકો છો, પરંતુ જેમની ઇચ્છા આમાંનું કશું જ કરાવ્યા વિના હટકે દેખાવાની હોય તેઓ ગ્લોબલ હેરકલર અથવા હાઇલાઇટ્સ જેવા હેરકલરિંગ ઓપ્શન્સ અપનાવી પોતાનો આખો લુક મિનિટોમાં બદલી શકે છે.
જોકે આ બધા તો સુચનમાત્ર છે, દરેક વ્યક્તિએ આવા કોઇ પણ સુચનને અમલમાં મૂકતાં પહેલાં પોતાની ત્વચા કે વાળના પ્રકારને અવશ્ય ધ્યાનમાં લેવા જોઇએ. અને જો જાતે ત્વચા કે વાળનો પ્રકાર ખ્યાલ ન આવી શકે તો આ ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લેવી જોઇએ.