યુકેની એનર્જી સિસ્ટમ ખોરવાઈ

Wednesday 29th September 2021 06:16 EDT
 

યુકેની એનર્જી સિસ્ટમ સંપૂર્ણ અરાજકતામાં ફેરવાઈ ગઈ છે. ગેસ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ સ્ટેશનોમાં ફ્યૂલ મળી રહ્યું નથી તેમજ સુપરમાર્કેટ્સની અભરાઈઓ ખાલી છે. આ સંજોગોમાં યુકેની જનતા માટે ક્રિસમસના તહેવારો રેશનિંગ સાથે મનાવવા પડે તેવી હાલત છે કારણકે અત્યારે જ લોકો પેટ્રોલ કે ફ્યૂલનું રેશનિંગ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની તંગી અનુભવી જ રહ્યા છે. ડ્રાઇવર્સની અછતના પગલે આખી સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે. લોકોએ ફ્યૂલની ગભરાટપૂર્ણ ખરીદી શરૂ કરી દેવાથી તેના ભાવ આઠ વર્ષમાં સૌથી ઊંચે પહોંચી ગયા છે. દેશમાં ફ્યૂલની કોઈ અછત નથી પરંતુ, તેના ટ્રાન્સપોર્ટેશનનો સવાલ છે. બ્રેક્ઝિટના કારણે અંદાજે ૧૦૦,૦૦૦ હેવી ગુડ્ઝ વ્હીકલ (HGV) ડ્રાઈવર્સની કારમી અછતના કારણે આવી અરાજકતા સર્જાઈ હોવાનું કહેવાય છે અને મનાય છે.
આખરે ડહાપણ આવ્યું હોય તેમ સરકારે HGV ડ્રાઈવર્સ અને વિદેશી સીઝનલ વર્કર્સની અછતને પહોંચી વળવા ૧૦,૫૦૦ કામચલાઉ વિઝાની જાહેરાત કરવી પડી છે. લોકડાઉન્સ ઉઠાવી લેવાયા પછી તરત જ ઈન્ડસ્ટ્રીઝના વડેરાઓ દ્વારા સરકારને વિદેશી કામદારો નહિ મળે તો મુશ્કેલી પડશે તેવી જોરદાર રજૂઆતો કરી હતી પરંતુ, તેને કાને ધરવામાં આવી નહિ. હકીકત એ પણ છે કે બ્રેક્ઝિટના કારણે યુકેમાં કામનો અધિકાર લગભગ છીનવાઈ જવાથી વિદેશી ડ્રાઈવર્સ અને વર્કર્સે ઉચાળા જ ભર્યા છે. આ પછી કોવિડ મહામારી આવી તેનાથી પણ વર્કર્સની અવરજવરને ગંભીર અસર પહોંચી હતી. આનાથી ઉલટું, બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝ દેશના વર્કર્સને વધુ નાણા આપશે તો કોઈ કટોકટી નહિ સર્જાય તેવી સૂફિયાણી સલાહો આપીને મિનિસ્ટર્સ નિદ્રાધીન થઈ ગયા હતા. સરકારે કામચલાઉ વિઝા તો જાહેર કર્યા પરંતુ, ડિસેમ્બર મહિના સુધીના જ હોવાથી કેટલા વિદેશી ડ્રાઈવર્સ યુકેમાં કામ કરવા આકર્ષાશે તે યક્ષપ્રશ્ન છે.
કોરોના મહામારી પછી બ્રિટિશ અર્થતંત્રની ગાડી માંડ પાટા પર ચડી રહી છે ત્યારે હોમ એનર્જી સપ્લાયર્સથી હેવી ઈન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીઓથી ફાર્મર્સ સુધીના અર્થતંત્રને બજાર પરિબળોની વિપરીત અસર થઈ રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે ચીનના બજારે ગેસના અર્થતંત્રમાં ઉથલપાથલ મચાવી છે. ચીનની આયાત એટલી વધી છે કે કતાર જેવા દેશોથી યુરોપ જતા શિપમેન્ટ્સ હવે ચીન તરફ જઈ રહ્યા છે. બીજી તરફ, રશિયા તરફથી પણ યુકે અને યુરોપને ગેસનો પુરવઠો ઘટી ગયો છે. આગામી મહિનાઓમાં યુકેને ગેસ રેશનિંગનો સામનો કરવો પડે તેવી ચેતવણી પણ નિષ્ણાતોએ આપી છે તેને ધ્યાને લેવી આવશ્યક છે.


comments powered by Disqus