રાષ્ટ્રીય ફ્યૂલ કટોકટીઃ HGV ડ્રાઈવર્સ -વર્કર્સને ૧૦,૫૦૦ હંગામી વિઝા

Monday 27th September 2021 10:31 EDT
 
 

લંડનઃ હેવી ગુડ્ઝ વ્હીકલ્સ (HGV)ના ડ્રાઇવર્સ અને સીઝનલ વર્કર્સની કારમી અછતના પગલે હાલ બ્રિટનમાં ફ્યૂલ-પેટ્રોલ, ફૂડ સહિત આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો લગભગ ખોરવાઇ ગયો છે અને લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. ઘણા સ્થળોએ પેટ્રોલ સ્ટેશનો બંધ કરી દેવાંની ફરજ પડી છે અને રેશનિંગની હાલત સર્જાઈ છે. જ્હોન્સન સરકારે સીઝનલ વર્કર્સની માગને પૂર્ણ કરવા તેમજ યુરોપિયન યુનિયનના દેશોનાં કુશળ ડ્રાઇવરોને આકર્ષવા ૧૦,૫૦૦ કામચલાઉ વિઝાની ઓફર જાહેર કરી છે જેમાં ૫,૦૦૦ ડ્રાઈવર્સ અને ૫,૫૦૦ વિઝા પોલ્ટ્રી ફાર્મ વર્કર્સ માટે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રીફાઈનરીઝમાં ફ્યૂલની કોઈ જ અછત નથી અને લોકોએ ગભરાટપૂર્ણ ખરીદી કરવી ન જોઈએ.
ટુંક સમયમાં આવી રહેલા નાતાલ-ક્રિસમસના તહેવારની સાથે જ સમગ્ર યુરોપ અને અમેરિકામાં ક્રિસ્મસ સીઝનની શરૂઆત થઇ જશે.
આના પગલે પગલે તમામ પ્રકારની ચીજવસ્તુઓની માગમાં વધારો થશે. ડ્રાઇવરોની અછતના પગલે આખી સપ્લાય ચેઇન ખોરવાઇ જતા વિરોધપક્ષોએ બ્રેક્ઝિટના કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનો આક્ષેપ સરકાર ઉપર લગાવ્યો હતો જ્યારે, સરકારની એવી દલીલ છે કે કોવિડની મહામારીના કારણે કામચલાઉ રીતે સપ્લાય ચેઇનને અસર પહોંચી છે અને લાંબાગાળાના રોકાણો આવતાની સાથે જ આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે ઉદ્યોગોએ પણ વર્કિંગ કંડીશન્સ, યોગ્ય વેતન સહિતની બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડશે જેથી નવા કામદારો અને ડ્રાઇવરોને યુકે આવવા આકર્ષણ જાગે.
હંગામી વિઝા પૂરતાં નથી
સરકારે શનિવારે રાત્રે સ્પષ્ટ કર્યું હતું કે ફ્યૂલની હેરાફેરી કરતી ટ્રકો અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરતી ટ્રકોના ૫,૫૦૦ ડ્રાઇવરને આગામી ત્રણ મહિના એટલે કે ૨૪ ડિસેમ્બર સુધી બ્રિટનમાં કામ કરવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા જણાવાયું છે કે આ પગલું અપૂરતું છે અને ઘણાં ટુંકા ગાળા માટેનું છે.
બીજી તરફ, બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમે જણાવ્યું છે કે માત્ર સુપરમાર્કેટ્સને જ ક્રિસમસ સીઝન માટે વધારાના ૧૫,૦૦૦ ડ્રાઈવરની આવશ્યકતા રહેશે અને માત્ર ૫,૦૦૦ વિઝાથી વર્તમાન અછતને હળવી કરી નહિ શકાય. કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીએ સરકારના પગલાંથી રાહત દર્શાવી છે પરંતુ, આટલો વિલંબ કરવા બદલ સરકારની આકરી ટીકા પણ કરી હતી.
યુરોપિયન રોડ હોલર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે ટેમ્પરરી વિઝા સારો વિચાર છે પરંતુ, તે તે સંપૂર્ણ ઉપાય નથી. ડ્રાઈવર્સને ઈયુમાં રહેવું વધારે આકર્ષક લાગશે.
ફ્યૂલ કટોકટીમાં આર્મીની મદદ લેવાશે
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ફયૂલ કટોકટીમાં ટેન્કર્સને પેટ્રોલ સ્ટેશન્સ સુધી પહોંચાડવા આર્મીને સ્ટેન્ડ-બાય રહેવા જણાવી દીધું છે. આ ઉપરાંત, સરકારે સપ્લાયર્સને મદદરૂપ બનવા કોમ્પિટિશન લોઝને સસ્પેન્ડ કરી દીધા છે. આગામી દિવસોમાં તાકીદના પગલાં તરીકે સૈનિકો ઓપરેશન એસ્કેલિન પર કામ શરૂ કરી દે તેવા અણસાર છે. તેમને વર્તમાન ફરજોમાંથી ફારેગ કરવા ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગી જશે. જોકે, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે આર્મી ડ્રાઈવર્સની સેવા લેવાની શક્યતા નકારી કાઢવા ઈનકાર કરવા સાથે કહ્યું હતું કે જે આવશ્યક જણાશે તે તમામ કરવામાં આવશે.


comments powered by Disqus