લંડન, નવી દિલ્હીઃ ભાગેડુ લિકર બિઝનેસમેન વિજય માલ્યાના અભિનેતા પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ પોતાના માનસિક આરોગ્યના સંઘર્ષનું વર્ણન કરતી સ્મરણકથા ‘If I Am Being Honest’ લખી છે. ભારતના સૌથી પ્રખ્યાત બિઝનેસ પરિવારોમાં એકમાં જન્મ લેનારા સિદ્ધાર્થનું બાહ્ય જીવન લોકોને ઈર્ષા ઉપજાવે તેવું હોઈ શકે છે. ઘણી વખત બાહ્ય દેખાવ છેતરનારો હોઈ શકે છે પરંતુ, વાસ્તવિકતા અલગ પણ હોઈ શકે.
વેસ્ટલેન્ડ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત અને ૨૧ ઓક્ટોબરે ભારતમાં રીલિઝ થનારી સ્મરણકથા ‘If I Am Being Honest’માં સિદ્ધાર્થ માલ્યાએ ડિપ્રેશન સામેનો સંઘર્ષ, ઓબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઓર્ડર (OCD)નું જીવન, પેરન્ટ્સના ડાઈવોર્સની અસર, શરાબપાન છોડવા તેમજ પડકારોનો સામનો કરવો અને તેમાંથી બહાર આવવા સહિતની બાબતો ખુલ્લા દિલે વર્ણન
કર્યું છે.
સિદ્ધાર્થ માલ્યા યુવાન હતો, પ્રતિષ્ઠિત ડ્રામા સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હતો અને તેની પાસે ફિલ્મ પ્રોજેક્ટ્સ પણ હતા અને જાણે વિશ્વ તેના હાથમાં હોય તેવી સ્થિતિ હતી ત્યારે ૨૦૧૬માં તે આશ્ચર્યજનક રીતે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. જિંદગીમાં અઢળક તક રાહ જોતી હતી છતાં, સિદ્ધાર્થને કોઈ ખુશી જણાતી ન હતી તે સતત હતાશા અનુભવતો હતો. તેને સમજાઈ ગયું કે કશું બરાબર નથી અને તેણે પ્રોફેશનલ મદદ લેવાનો નિર્ણય કર્યો હતો.
આ રીતે તેની વર્તમાન માનસિક હાલતને સમજવાની તેમજ સમગ્ર જીવન દરમિયાન જે અન્ય માનસિક સમસ્યાઓ સહન કરી હતી તેને જાણવાની યાત્રા શરૂ થઈ હતી.
આ સ્મરણકથા લખવા પાછળના અનુભવો અને વિચારો બાબતે વાત કરતા સિદ્ધાર્થ કહે છે કે,‘ મારી ‘conSIDer This’ વીડિયો સીરિઝની સફળતા નિહાળ્યા પછી મને લાગ્યું કે માનસિક આરોગ્ય પર પ્રકાશ પાડવા જે થઈ શકે તે મારે કરવું જોઈએ અને તે શ્રેષ્ઠ રીતે કરવાનું હોય તો મારે પ્રામાણિકપણે અને ખુલ્લા દિલે મારા જ અનુભવો જણાવીને સ્પષ્ટ કરવું જોઈએ કે આપણી સમસ્યાઓ વિશે વાત કરવાનું યોગ્ય જ છે. મારું આ પુસ્તક વાસ્તવમાં લોકોને સમજાવવાનું છે કે આપણા મુદ્દાઓ વિશે ખુલ્લા દિલે વાત કરવી અને સત્યને ગળે લગાવવું યોગ્ય બાબત છે.’
બિઝનેસ વિશ્વમાં ટુંકી કારકીર્દિ પછી સિદ્ધાર્થે અભિનયક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેણે યુનિવર્સિટી ઓફ લંડનની રોયલ સેન્ટ્રલ સ્કૂલ ઓફ સ્પીચ એન્ડ ડ્રામા ખાતે તાલીમ મેળવી એક્ટિંગમાં માસ્ટર ઓફ આર્ટ્સની ડીગ્રી હાંસલ કરી હતી.
તેણે નેટફ્લિક્સ ઓરિજિનલ ‘eBrahman Naman’ સાથે ફિચર ફિલ્મ ક્ષેત્રમાં પગરણ માંડ્યા હતા. આ ફિલ્મનું પ્રીમિયર ૨૦૧૬ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરાયું હતું.