વિશ્વભરમાં સ્ત્રીઓ માટે સલામતી ક્યાં?

Wednesday 29th September 2021 06:17 EDT
 

બ્રિટનની શેરીઓ સ્ત્રીઓ માટે સલામત રહી નથી. લંડનમાં પ્રાઈમરી સ્કૂલની શિક્ષિકા સબીના નેસ્સાની કરપીણ હત્યાએ સ્ત્રીઓ વિરુદ્ધ હિંસાના મુદ્દાને ફરી જગાવ્યો છે. યુકે પોલીસના એક રિપોર્ટમાં જણાવાયું છે કે સ્ત્રીઓ સામે હિંસાને ત્રાસવાદવિરોધની સમકક્ષ ગણાવી જોઈએ. ૧૯૯૦ના દાયકા સુધી તો ઘણાં ઓછા દેશોમાં ડોમેસ્ટિક વાયોલન્સ કે ઘરેલુ હિંસા ગુનાની ગણતરીમાં આવતી હતી. નારી સાથે આ પ્રકારની હિંસા-મારપીટ મર્દાનગી ગણાતી આવી છે.
યુકેના ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના નવેમ્બર ૨૦૧૯ના રિપોર્ટ મુજબ ૧૬-૫૯ વયજૂથની ત્રણમાંથી એક સ્ત્રી ઘરેલું હિંસાનો શિકાર બને છે. ક્રાઈમ સર્વે ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ જણાવે છે કે દર વર્ષે આશરે ૭૦૦,૦૦૦ સ્ત્રીઓને બૂરી નજરથી ચોરી-છૂપીથી નિહાળવામાં આવે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બળાત્કારના અપરાધોમાં ૨૦૧૨/૧૩ (૧૬,૩૦૦ ઘટના) પછી સતત વધારો થતો રહ્યો છે.
ભારતીય શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ’ આનો સીધો સાદો અર્થ છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમે છે. જોકે, વર્તમાનમાં ભારત, યુકે સહિતના દેશોમાં નારીની પૂજા કરાતી નથી. આટલું પૂરતું નથી, નારી સાથે અસમાન વ્યવહાર કરાય છે, તેમને કદી પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. ગલ્ફ, આફ્રિકન તેમજ ઈસ્લામિક સહિતના દેશોમાં સ્ત્રીઓને પગની જૂતી ગણવામાં આવે છે. છેલ્લે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યું ત્યારે તેમણે સ્ત્રીઓનું કામ બાળકો પેદા કરવાનું છે કહી સ્ત્રીઓ પ્રત્યે તેમનો વ્યવહાર કેવો રહેશે તે સ્પષ્ટ કરી જ દીધું છે.
વિશ્વભરમાં ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ ધામધૂમથી ઉજવાય છે પરંતુ, ઠાલી વાતો સિવાય કશું નક્કર થતું નથી. વિશ્વની અડધોઅડધ જનસંખ્યા સ્ત્રીઓની છે પરંતુ, રાજકીય, સામાજિક, આર્થિક સહિત વિશ્વનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેમને અડધોઅડધ ભૂમિકા ભજવવા મળી હોય તેવું દેખાતું નથી. તેમનો વિકાસ પુરુષોની સમકક્ષ થયો નથી. ગત થોડાં વર્ષોમાં સ્ત્રીશિક્ષણ અને સ્ત્રી સશક્તિકરણના પગલે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઈ શકી છે પરંતુ, આ ટકાવારી જૂજ છે.
ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ ન્યાયતંત્રનો ઉલ્લેખ કરતા સાચી લાગણી વ્યક્ત કરી છે કે ન્યાયતંત્રમાં મહિલાઓને ૫૦ ટકા અનામત મળવી જોઈએ, આ કોઈ ઉપકાર નથી, તેમનો અધિકાર છે. હજારો વર્ષોના દમન પછી મહિલાઓને તેમનો અધિકાર આપવાનો સમય આવી ગયો છે. જોકે, આ લાગણી અને માગણી માત્ર ન્યાયતંત્ર પૂરતી મર્યાદિત રહેવી ન જોઈએ.


comments powered by Disqus