‘વ્હિસ્કી બ્રધર્સ’નો શોખ રંગ લાવ્યોઃ બિઝનેસ લાખો પાઉન્ડમાં વેચાયો

Wednesday 29th September 2021 06:32 EDT
 
 

લંડનઃ પોતાના પેરન્ટ્સના લાયસન્સમાં મદદ કરવા સાથે ઉછરેલા ‘વ્હિસ્કી બ્રધર્સ’ સુખિન્દરસિંહ અને રાજબીરસિંહે તેમના ઓનલાઈન વ્હિસ્કી બિઝનેસને ફ્રેન્ચ ડ્રિન્ક્સ ગ્રૂપ પેરનોડ રિકાર્ડને વેચવા સાથે લાખો પાઉન્ડની કમાણી કરી છે. પેરનોર્ડ રિકાર્ડ ૧૯૭૫માં બે કંપનીઓ રિકાર્ડ અને પેરનોર્ડના મર્જરથી રચાઈ હતી જેનું વાર્ષિક વેચાણ ૮.૮ બુલિયન યુરો છે. કંપની વિશ્વના ૧૦૦ શ્રેષ્ઠ સ્પિરિટ્સમાંથી ૧૬ની માલિકી ધરાવે છે.
સુખિન્દર અને રાજબીરના પેરન્ટ્સ ભારતથી બ્રિટનમાં સ્થળાંતર કરીને આવ્યા હતા અને ૧૯૯૯માં ‘ધ વ્હિસ્કી એક્સચેન્જ’ની સ્થાપના કરી હતી. સૌપ્રથમ ઓનલાઈન વ્હિસ્કી સ્પેશિયાલિસ્ટ રીટેઈલર્સમાં તેઓ એક હતા અને ગયા વર્ષે તેમનું ટર્નઓવર ૭૨ મિલિયન પાઉન્ડનું હતું. તેમના પેરન્ટ્સ લિકરનું લાયસન્સ અપાયેલા પ્રથમ એશિયન્સ બન્યા હતા અને તેમણે નોર્થવેસ્ટ લંડનમાં વાઈન અને સ્પિરિટ સ્ટોર ખોલ્યો હતો. તેઓ ૧૯૯૨માં ઓફ-લાઈસન્સ ઓફ ધ યર જાહેર કરાયા હતા.
સુખિન્દરે ૧૯૮૦ની મધ્યમાં જ મિનિએચર્સનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું અને થોડાં વર્ષો પછી ફૂલ-સાઈઝ બોટલ્સમાં આગળ વધ્યા હતા. ૧૯૯૦ના દાયકાની મધ્યમાં બંને ભાઈઓ પાસે ૫,૫૦૦ મિનિએચર્સ સાથે વિશ્વમાં વ્હિસ્કીનું સૌથી મોટું કલેક્શન હતું. તેમણે આ સંગ્રહ ઓસ્લોના બારને વેચી પોતાના જ ડ્રિન્ક બિઝનેસ શરુ કરવાની યોજના ઘડી હતી. તેમના બિઝનેસ પાસે ૩૦૦૦ સ્કોટ સિંગલ માલ્ટ્સ સહિત ૪,૦૦૦ વ્હિસ્કી, ૪૦૦ શેમ્પેઈન્સ, ૮૦૦ કોનેક્સ અને આર્માનેક્સ, ૭૦૦ રમ્સ, ૪૦૦ ટેક્વિલાઝ અને ૩૦૦ એપરિટિફ્સ સહિત માથુ ચકરાવી નાખે તેવી ૧૦,૦૦૦ પ્રોડક્ટ્સની રેન્જ છે.
આ સોદામાં તેમના ઓનલાઈન બિઝનેસ, લંડનમાં ત્રણ વ્હિસ્કી એક્સચેન્જ શોપ્સ, વ્હિસ્કી ઓક્શનીઅર અને પ્રાઈવેટ સેલ્સ બિઝનેસનો સમાવેશ થાય છે. બંને ભાઈઓ ત્રણ વર્ષ સુધી જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર્સ તરીકે વ્હિસ્કી એક્સચેન્જના સંચાલન સાથે સંકળાયેલા રહેશે. સોદાની કિંમત જાહેર કરાઈ નથી પરંતુ, બેન્ક Jef­feries ખાતે ડ્રિન્ક્સ સેક્ટર એનાલિસ્ટ એડવર્ડ મુન્ડીએ જણાવ્યા મુજબ ૫૦૦ મિલિયન યુરો (૪૨૯ મિલિયન પાઉન્ડ)ની કિંમત હોઈ શકે છે.


comments powered by Disqus