આ તે ૭૦ વર્ષના વડીલ કે સાહસિક જુવાન! રોવિંગ બોટમાં એકલપંડે ૩૦૦૦ માઇલનો પ્રવાસ

Thursday 18th February 2021 01:53 EST
 
 

માન્ચેસ્ટર: બ્રિટનના ફ્રેન્ક રોથવેલે એટલાન્ટિક મહાસાગરમાં એકલપંડે રોવિંગ બોટ (હલેસાં વડે ચાલતી બોટ)માં પ્રવાસ કરીને વિશ્વવિક્રમ નોંધાવવાની સાથોસાથ સાબિત પણ કર્યું છે કે વ્યક્તિની વધતી વય એ તો માત્ર આંકડો છે. જો હૈયે હામ હોય તો જીવનના સાત દસકાનું આયુષ્ય પૂરું કર્યા પછી સાહસિક અભિયાનમાં ઝૂકાવી શકાય છે, અને તેમાં સફળતા પણ હાંસલ કરી શકાય છે.
૭૦ વર્ષના રોથવેલે ડિમેન્શિયા પીડીતોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે આ સાહસિક અભિયાન અભિયાન હાથ ધર્યું, અને તેના માટે બે મહિના સુધી સમુદ્રમાં એકલા હાથે પ્રવાસ કર્યો. એકલા જ લગભગ ૩ હજાર માઇલ (લગભગ ૪૮૨૮ કિમી) પ્રવાસ કરીને તેમણે રેકોર્ડ બનાવ્યો. તેઓ એટલાન્ટિક મહાસાગરમાં આટલું લાંબુ રોવિંગ કરનાર સૌથી વયોવૃદ્વ રોવર બન્યા છે. તેમણે ૭ લાખ પાઉન્ડ (લગભગ રૂ. ૭.૦૨ કરોડ)ની રકમ ચેરિટી માટે એકઠી કરી છે. આ રકમ તેમણે ડિમેન્શિયાના રિસર્ચ ક્ષેત્રે કાર્યરત અલ્ઝાઇમર રિસર્ચ યુકેને આપશે.
રોથવેલે ૧૨ ડિસેમ્બરના રોજ સ્પેનના લા ગોમેરા આઇલેન્ડથી રોવિંગની શરૂઆત કરી હતી અને એન્ટીગુઆમાં સાહસનું સમાપન કર્યું હતું. રોથવેલના આ ઉમદા અભિયાનમાં આઇસલેન્ડના ફૂડ્સ ચેરિટેબલ ફાઉન્ડેશને ૫ પાખ પાઉન્ડનું ડોનેશન આપ્યું છે.
રોથવેલે કહ્યું, ‘ફિનિશ કરતી વેળા હું ઘણો ભાવુક થઇ ગયો હતો. લગભગ ૬ સપ્તાહ સુધી એટલાન્ટિકમાં રોવિંગ કર્યું. ૧૮ મહિનાની તૈયારી અને ટ્રેનિંગની મદદથી આ ચેલેન્જ પૂર કરી શક્યો છું. આથી મેં જે કંઇ પ્રાપ્ત કર્યું તેના પર મને ગર્વ છે’.


comments powered by Disqus