ન્હાનાલાલ કવિનાં દોહિત્રી-લેખિકા કાન્તાબહેન પ્રભાકાન્ત પટેલનો દેહ પંચભૂતમાં વિલીન થયો

- કોકિલા પટેલ Wednesday 17th March 2021 09:43 EDT
 
 

‘સ્મૃિતના સરોવર’ અને ‘વીણેલા ફૂલ’નાં સર્જક કાન્તાબહેન પટેલનો તા. ૫ માર્ચ, શુક્રવારે સવારે ૯૬ વર્ષની વયે દેહાંત થયો છે. આદરણીય કાન્તાબહેનને ન્યૂમોનિયાની અસર થતાં ત્રણેક સપ્તાહ પહેલાં બાર્નેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયાં હતાં. તબીબોએ નિદાન કરતાં કાન્તાબહેનને થોડાક અંશે કોરોનાની અસર થઇ હોવાનું જણાવ્યું. ડોકટરોની બનતી સારવાર છતાંય કાન્તાબેન સ્વસ્થ થઇ શક્યાં નહિ. એક આદર્શ દંપતિ તરીકે જેમની ગણના થતી એવા કાન્તાબહેન અને પ્રભાકાન્તભાઇની જૂગલજોડી ખંડિત થતાં “દો હંસો કા જોડા બીછડ ગયો રે, ગજબ હો ગયા રામ”ની પંક્તિઓ યાદ આવતાં આંખોમાં અશ્રુ ઉભરાયાં. પ્રભાકાન્તભાઇએ અંતિમ ઘડી સુધી પોતાની જીવનસંગિની કાન્તાબહેનની દેખભાળ ખૂબ જતનપૂર્વક પ્રેમથી કરી. હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઇ રહેલાં પ્રેમાળ જીવનસંગિનીને માથે હાથ મૂકીને પ્રભાકાન્તભાઇએ ભવોભવ મળવાના, ફરી એક થઇને રહેવાના કોલ આપ્યાની સાથે જ કાન્તાબહેનનો જીવ અનંતમાં ભળી જવા ગતિ કરી ગયો.
માર્ચની ૧૪મીએ યુ.કે.ભરમાં મધર્સ ડે'ના દિવસે સૌ સંતાનો માતાઓના પ્રેમ-વાત્સલ્યનો ઋણ સ્વીકાર કરી માતૃવંદના કરતા હતા ત્યારે ગોલ્ડર્સગ્રીનના ક્રિમેટોરીયમમાં "કાન્તા મેડમ"ને એમના વિદ્યાર્થી ડો. મિલીન્દભાઇ જાની ભારે હૈયે ભાવાંજલિ આપી "ગુરૂ-શિષ્ય"નું ઋણ અદા કરી રહ્યા હતા. “ગુજરાત સમાચાર"ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલે પણ અંત્યેષ્ઠી વિધિમાં ઉપસ્થિત રહી કાન્તાબહેનને ભાવવાહી શબ્દોમાં અંજલિ આપી હતી. જાણીતા ફ્યુનરલ ડાયરેકટર ચંદુભાઇ ટેલરે પણ લાંબા અંતર સુધી ચાલીને કાન્તાબહેનની શબવાહિનીને સાદરપૂર્વક નમન કર્યા હતા. લોકપ્રિય કર્મકાંડી વિદ્વાન નિતેશભાઇ મહેતાએ સંસ્કૃત અને અંગ્રેજીમાં અંતિમ સંસ્કારવિધિના શ્લોકો સાથે શ્રીમદ ભગવદગીતા પાઠનું ગાન કર્યા બાદ દાદાજી મહાકવિ ન્હાનાલાલની કવિતા "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇજા" સાથે કાન્તાબહેનનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો.
જે જમાનામાં કન્યા કેળવણી અને સ્ત્રીને કામ અર્થે વિદેશ જવું દુષ્કર હતું એવા સમયમાં કાન્તાબહેન પટેલે અમદાવાદમાં એમ.એ. બીએડ ગ્રેજ્યુએટ થઇ શિક્ષિકા તરીકે ૧૯૫૯માં આફ્રિકા-યુગાન્ડા જઇ વસવાટ કર્યો હતો. કાન્તાબહેન પટેલને નાનપણથી જ સાહિત્ય અને કલા પ્રત્યે વિશેષ રૂચિ રહી હતી. કર્મભૂમિ કંપાલામાં તેમણે ગુજરાતી પરિવારોના સંતાનોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શરૂ કરાવી બાળકોને વિવિધ હરિફાઇમાં ભાગ લેતા કર્યા. કંપાલામાં સાંસ્કૃતિક કાર્યક્રમો ગરબા-રાસ હરિફાઇ, નૃત્યનાટિકા અને સ્ટેજ નાટકોમાં પણ કાન્તાબહેનનું અનુદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે ત્રણેક એકાંકી નાટક "છોરૂ કછોરૂ", "ભવોભવ", “પલ્લવી પરણી ગઇ"માં ભાગ લીધો હતો. “ભવોભવ" નાટકમાં તેમના ઉત્તમ અભિનય બદલ બોલીવુડનાં ચરિત્ર અભિનેત્રી દીના પાઠકના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો. કંપાલા ગુજરાતી સમાજની ગરબા-રાસ હરિફાઇમાં પણ તેમનું ગૃપ એવોર્ડ વિજેતા બનતું.
કાન્તાબહેન આયુષ્યના છેલ્લા સમય સુધી કાર્યરત રહ્યાં હતાં એટલું જ નહિ પણ એમની લેખન પ્રવૃત્તિ સતત ચાલુ જ હતી. ૧૪ ફેબ્રુઆરી, રવિવારે 'ગુજરાત સમાચાર' ‘એશિયન વોઇસ' તથા બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે 'પિતૃવંદના' કરતા ઝૂમ કાર્યક્રમમાં પણ કાન્તાબહેને સુંદર શબ્દોમાં પિતૃવંદના કરતી રચનાઓ રજૂ કરી હતી. હજુ છ મહિના પહેલાં જ પોતાના દાદાજી મહાકવિ ન્હાનાલાલ દલપતરામ કવિ સાથે વિતાવેલી અવિસ્મરણીય યાદોને, ઘડીઓને તાજી કરતું સુંદર પુસ્તક 'સ્મૃતિના સરોવર' લખીને આપણને ભેટ કર્યું જેની વિશેષ સમાલોચના અમે 'ગુજરાત સમાચાર'ના દિપોત્સવી અંકમાં કરી છે. દિપોત્સવી અંકના ઉઘડતા પાને મહાકવિશ્રી ન્હાનાલાલને પુષ્પાંજલિ-સ્મરણાંજલિ અર્પતા આદર્શ દંપતિ કાન્તાબહેન પ્રભાકાન્તનો ફોટો પ્રસિધ્ધ કર્યો હતો સાથે સાથે એમની સવિશેષ ઉદાર સખાવતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આદરણીય કાન્તાબહેન ભલે સદેહે આપણી વચ્ચે નથી રહ્યાં પણ તેઓ અક્ષરદેહે અમર રહેશે, દાતાર કદી મરતો નથી એ તો અમરત્વ પામે છે "નામ રહંતા ઠકરાં, નાણાં નવ રહંત, કિર્તી કેરાં કોટડા પાડ્યા નવ પડંત.”
એક આદર્શ શિક્ષિકા, સંસ્કાર-સંકૃતિ પ્રેમી, લેખિકા અને પ્રેમાળ જીવનસંગિની તરીકે જીવનપથ પર અનેકાનેક સંસ્મરણોની છાપ છોડી જનાર કાન્તાબહેન પ્રભાકાન્તભાઇ પટેલની પ્રેરણાદાયક જીવનયાત્રાનું આલેખન અમે આગામી માતૃવંદના વિશેષાંકમાં કરીશું.


comments powered by Disqus