એશિયાનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ હોંગકોંગમાં ૮.૨૨ કરોડ ડોલરમાં સોદો થયો

Sunday 21st November 2021 06:04 EST
 
 

હોંગ કોંગના હાઉસિંગ બજારમાં તેજી જોવા મળી રહી છે. શહેરના સમૃદ્ધ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ૬૪ કરોડ હોંગકોંગ ડોલર (૮.૨૨ કરોડ અમેરિકી ડોલર)માં એટલે કે લગભગ ૬૦૦ કરોડ રૂપિયાની કિંમતે એક એપાર્ટમેન્ટ વેચાયો છે. એશિયાના સૌથી ઊંચા પ્રતિ ચોરસ ફૂટ ભાવે એપાર્ટમેન્ટ વેચાતા કહેવાઇ રહ્યું છે કે શહેરના હાઉસિંગ બજારમાં તેજી આવી છે.
હોંગકોંગના વાર્ફ હોલ્ડિંગ લિમિટેડ તેમજ નાન ફંગ ડેવલપમેન્ટ લિમિટેડે ‘માઉન્ટ નિકોલસ’ એપાર્ટમેન્ટને પ્રતિ ચોરસ ફૂટ ૧,૪૦,૮૦૦ હોંગકોંગ ડોલરના ભાવે વેચ્યો છે. હોંગકોંગના લક્ઝરી વિસ્તારમાં આવેલો આ એપાર્ટમેન્ટ ત્રણ પાર્કિંગ સ્પેસ ધરાવે છે. તેનું કુલ ક્ષેત્રફળ ૪૪૨ ચોરસ મીટર (૪,૫૪૪ ચોરસ ફૂટ) છે.
આ સોદાએ સીકે એસેટ હોલ્ડિંગ લિમિટેડે ૨૧ બોરેટ્ટ પ્રોજેક્ટ માટે નવ મહિના પહેલાં કરેલા સોદાનો વિક્રમ તોડી નાખ્યો છે. ફેબ્રુઆરીમાં આ સોદો પ્રતિ ચોરસ ફૂટ ૧,૩૬,૦૦૦ હોંગકોંગ ડોલરના ભાવે થયો હતો. તાજેતરમાં થઇ રહેલા ખરીદ વેચાણ સૂચવે છે કે હોંગકોંગના લક્ઝરી હાઉસિંગ બજારમાં કિંમતો આસમાનને સ્પર્શી રહી છે.
કોલિયર્સ ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ જૂન ૨૦૨૧માં પૂરા થયેલા ૧૨ મહિના દરમિયાન ૧૨.૮ બિલિયન હોંગકોંગ ડોલરના સોદા થઇ ચૂક્યા છે. એક અજાણ્યા ખરીદદારે માઉન્ટ નિકોલસ નજીકનો એપાર્ટમેન્ટ વળી ૫૬.૧ કરોડ હોંગકોંગ ડોલરમાં ખરીદ્યો છે.
હજી ભાવવધારાનો સંકેત
કોલિયર્સ ઇન્ટરનેશનલના અંદાજો મુજબ ચીન અને હોંગકોંગના સમૃદ્ધ રહેણાંક વિસ્તારોમાં આવાસોની માગ વધતાં આ વર્ષના બાકીના છ મહિના દરમિયાન હાઉસિંગના ભાવમાં હજી ૩ ટકાનો વધારો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હોંગકોંગના ધનવાન લોકોમાં માઉન્ટ નિકોલસ એપાર્ટમેન્ટનું મોટું આકર્ષણ છે. ટેકરીની ટોચ પર આવેલા આ એપાર્ટમેન્ટનું જમીનની અછત વચ્ચે નિર્માણ થયેલું છે.
દિવંગત બિઝનેસ ટાઇકુન સ્ટેન્લી હોની પુત્રીઓએ લિસ હો અને સેબ્રિના હો તેમજ સ્થાનિક ડેવલપર તાઇ હુંગ ફાઇ એન્ટરપ્રાઇઝના સ્થાપક એડવિન લિઓંગ પણ અહીં એપાર્ટમેન્ટ ખરીદી ચૂક્યા છે.


    comments powered by Disqus