ચીનના પ્રમુખ શી જિનપિંગ તેમના સર્વોચ્ચ પુરોગામીઓ માઓ ઝેડોંગ અને ડેંગ જિયાઓપિંગના માર્ગે આગળ વધી રહ્યા છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ૪૦ વર્ષમાં પ્રથમ ઐતિહાસિક ઠરાવ પસાર કરીને તેઓ ઓછામાં ઓછાં ૨૦૨૮ સુધી પ્રમુખપદ જાળવી રાખે તેને અનુમોદન આપ્યું છે. આનાથી વધુ મહત્ત્વની બાબત એ છે કે જિનપિંગને આધુનિક સામ્યવાદી પક્ષના સ્થાપક માઓ ઝ ડેંગની સમકક્ષ જાહેર કરવામાં આવ્યા છે.
ચીનમાં પાપા શી તરીકે મશહુર જિનપિંગે પોતાને ચીનની આધુનિક વિચારધારાના નિર્માતા તરીકેની બ્રાન્ડ સ્વરૂપે પ્રસ્થાપિત કર્યા છે. જે કમ્યુનિસ્ટ પાર્ટીએ રાજકીય પ્લેટફોર્મ આપ્યું એ જ પાર્ટી કરતા તેમનું કદ વધી ગયું છે. જિનપિંગે સામ્યવાદી પક્ષના મોંઢે એમ જ કહેવડાવ્યું છે કે ચીનની અવિરત પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો જાળવી રાખવા તેમજ આધુનિકીકરણ અને સશક્તિકરણ માટે તેમનો ૨૦૨૩ સુધીનો કાર્યકાળ ઓછો પડે તેમ છે અને તેમને દીર્ઘકાળ માટે અથવા એમ કહીએ કે આજીવન પ્રમુખપદની સત્તા સોંપવી આવશ્યક છે. ચીનમાં નવી નેતાગીરી ટીમને ૨૦૨૭ સુધીના કાર્યકાળ માટે નિયુક્ત કરવા પાર્ટી કોંગ્રેસ યોજાય તેના એક જ વર્ષ પહેલા પાર્ટીની વાર્ષિક બેઠકમાં જિનપિંગે ઐતિહાસિક ઠરાવની સોગઠી ચલાવી છે. ચીનના બે સર્વોચ્ચ નેતાઓ માઓ ઝેડોંગ અને ડેંગ જિયાઓપિંગે અનુક્રમે ૧૯૪૫ અને ૧૯૮૧માં આવા જ ઠરાવો થકી સત્તા પર મજબૂત હાથ જમાવ્યો હતો.
ચીનમાં છેક ૧૯૪૯થી કમ્યુનિસ્ટ પાર્ટીનું એકહથ્થુ શાસન ચાલતું આવ્યું છે. દિગ્ગજ નેતા જિયાઓપિંગે અરાજકતાનું પુનરાવર્તન થતું અટકાવવા મહત્તમ બે કાર્યકાળ એટલે કે ૧૦ વર્ષ સુધી પ્રમુખપદે રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરી હતી. જેનો ઉદ્દેશ દેશમાં એક પાર્ટીના વર્ચસ્વ સાથે સામુહિક નેતૃત્ત્વને પ્રોત્સાહન આપવાનો હતો. ૨૦૧૨થી સત્તાનશીન જિનપિંગની મહેચ્છા ચીનનું બંધારણ નવેસરથી લખવાની છે. આ મહત્ત્વાકાંક્ષાના ભાગરુપે જ તેમની ‘આધુનિક યુગમાં ચીની વિશેષતાઓ સાથેનો સમાજવાદ’ વિચારધારા પણ ચીનના બંધારણમાં સમાવાઈ છે. કોમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસના મહાસચિવ, પીપલ્સ આર્મીના વડા અને દેશના પ્રમુખ, એમ ત્રણ મહત્ત્વના સત્તાકેન્દ્ર જિનપિંગના હાથમાં છે. હવે તેઓ માઓ ઝેડોંગની સમકક્ષ સર્વોચ્ચ નેતા બની ગયા છે.
એ હકીકતમાં કોઈ બેમત નથી કે વિશ્વમાં મહાસત્તા ચીનના વડા તરીકે શી જિનપિંગે પ્રચારથી દૂર રહીને સામ્યવાદી પક્ષ અને દેશમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કઠોર કાર્યવાહીમાં નિકટના સાથીઓને પણ છોડ્યા નથી. આમ છતાં, તેમને ઉથલાવવાના પ્રયાસો નિષ્ફળ જ રહ્યા છે. તેમની નેતાગીરી હેઠળ આર્થિક ક્ષેત્રે જબ્બર પ્રગતિ સાથે વિશ્વના બીજા ક્રમની અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જળવાયું છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોને વેપારક્ષેત્રે ભારે ટક્કર આપવામાં ચીને પાછીપાની કરી નથી તે પણ નોંધવું રહ્યું.
ચીનમાં જિનપિંગ ભલે સર્વોચ્ચ નેતા બની રહે પરંતુ, સર્વસત્તા તેમને આધીન રહેવાથી સરમુખત્યારશાહીનું જોખમ વધી જશે. આમ પણ, વિસ્તારવાદી ચીન ભારત જેવા લોકશાહી પડોશી દેશો માટે ખતરો બની રહ્યું છે. વિશ્વમાં ગરીબ દેશોને નાણાસહાયના નામે આશ્રિત બનાવી તેમની કુદરતી સંપત્તિ આંચકી લેવામાં ચીનનો જોટો જડે તેમ નથી. ચીન દરેક ક્ષેત્રમાં સર્વોપરી બનવા ઇચ્છે છે અને પોતાના હિતોને સાધવા કોઈ પણ હદ સુધી જઇ શકે છે. જિનપિંગનું વધારે શક્તિશાળી બનવું ભારતની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
