વર્ષો પહેલા ભારતના પૂર્વ વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ગરીબીને આંતરરાષ્ટ્રીય ઘટના તરીકે વર્ણવી હતી. આ જ રીતે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘બ્રિટન કોઈ પણ રીતે ભ્રષ્ટ દેશ નથી અને આપણી સંસ્થાઓ ભ્રષ્ટ હોય તેમ હું માનતો નથી.’ની ભારપૂર્વકની સ્પષ્ટતા સાથે દેશમાં વ્યાપ્ત અનૈતિકતાને લગભગ માન્યતા આપી દીધી છે. સાંસદોની બીજી નોકરીઓ, લોબિઈંગ તેમજ કેટલાક સાંસદોના વર્તન સહિતની બાબતો પરની ચકાસણી મુદ્દે રાજકારણમાં અનૈતિકતાએ ચિંતાનું મોજું સર્જ્યું છે. વાસ્તવિકતા તો એ છે કે રાજકારણમાં વિશ્વાસ જગાવવાની ભૂમિકામાં જ્હોન્સન ઉણા ઉતર્યા છે. કન્ઝર્વેટિવ સાંસદોમાં ભય વ્યાપ્યો છે કે નકારાત્મક પબ્લિસિટીનું મોજું પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને આગામી ચૂંટણીમાં તેની અસર પડી શકે છે. આ વાત એટલી સાચી છે કે તાજેતરના એક સર્વેમાં લેબર પાર્ટીએ બે વર્ષમાં પહેલી વખત ટોરી પાર્ટી વિરુદ્ધ છ પોઈન્ટની જંગી સરસાઈ હાંસલ કરી છે.
કરદાતા પ્રજાને દોહવાની રાજકારણીઓની માનસિકતા એકસરખી જ હોય છે. બ્રિટિશ સાંસદો પોતાના લંડનસ્થિત નિવાસોને ભાડે આપી લાખો પાઉન્ડની કમાણી કરે છે અને સરકારી ફ્લેટ્સમાં રહી કરદાતાઓના નાણા ખંખેરવાના ક્લેઈમ્સ કરે છે. બંધારણ અને કાયદાના નિષ્ણાત પૂર્વ એટર્ની જનરલ સર જ્યોફ્રી કોક્સ જેવા પણ અનૈતિકતાના મુદ્દામાંથી બાકાત નથી. સર કોક્સને સપ્ટેમ્બરમાં પોતાની કોમન્સની ઓફિસમાં બેસી બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીની સરકારને ભષ્ટાચારના કેસમાં સલાહ આપવાનું જરા પણ અનુચિત જણાતું નથી. કેટલાક અખબારી અહેવાલોને માનીએ તો સર જ્યોફ્રીએ સાંસદ તરીકેની કામગીરી સાથે સલાહકાર તરીકે બીજી નોકરીમાંથી ઓછામાં ઓછાં ૫.૫ મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી. એક એનાલિસીસ મુજબ બોરિસ જ્હોન્સને ગત ૧૪ વર્ષમાં રાજકારણની બહારની કામગીરીમાંથી ૪ મિલિયન પાઉન્ડથી વધુ કમાણી કરી છે. ટોરી સાંસદ ઓવેન પેટરસન લોબિઈંગ નિયમોનો ભંગ કરે ત્યારે તેમની વિરુદ્ધ કાર્યવાહીને અનુમોદન આપવાના બદલે ખુદ વડા પ્રધાન જ્હોન્સન તેમના સસ્પેન્શનને અટકાવવા પોતાના પક્ષના સાંસદોને વિરુદ્ધ મતદાન કરવાનો આદેશ આપે તે કેટલા અંશે વાજબી કે નૈતિક ગણાય તેવો પ્રશ્ન અસ્થાને નથી. સાંસદ પેટરસનને બચાવવા સંસદીય ધોરણોના નિયમો રદ કરવાનું પગલું ભરવામાં લોકરોષના કારણે પીછેહઠ કરવી ન પડી હોત તો બ્રિટન સૌથી ભ્રષ્ટ દેશ હોવાનું પુરવાર થઈ જ ગયું હોત. ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઓપિનિયન પોલ્સમાં કન્ઝર્વેટિવ્ઝની પીછેહઠ છતાં, જ્હોન્સને ભૂમિકા બદલ માફી માગવાનો ધરાર ઈનકાર કરવા સાથે ધારાધોરણોના નિયમોનો ભંગ કરનારા સાંસદોને શિક્ષા કરાવી જોઈએ તેનો સ્વીકાર કરવાની ફરજ પડી છે.
રાજકીય સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા જ્હોન્સને જાહેર જીવનના ધારાધોરણો અંગેની લોર્ડ ઈવાન્સ ઓફ વીઅરડેલની કમિટીની ભલામણોને અપનાવવી જોઈશે. આ માટે શબ્દોના તીર નહિ પણ એક્શનની જરૂર પડશે. મિનિસ્ટર્સ માટે આચારસંહિતા, વરિષ્ઠ રાજકારણીઓ અને અધિકારીઓ જે જવાબદારીઓ સંભાળતા હોય તેવા સેક્ટર્સમાં લોભામણી નોકરીઓ ન મેળવે, જાહેર સંસ્થાઓમાં ગુણવત્તાના આધારે નિયુક્તિઓ તેમજ પારદર્શી લોબિઈંગ નિયમોનું ચૂસ્ત પાલન થવું આવશ્યક છે જેથી પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન વિશે જે સવાલ ઉપસ્થિત થયો તે થાય નહિ.
