૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ લંડનમાં વસતા તમામ સાવલીવાસીઓ સાવલીના જ એક વતનીને ત્યાં હાઉસ વોર્મિંગ પાર્ટીમાં ભેગાં થયા. વાતોવાતોમાં સૌ સાવલીના ગ્રૂપ કે સમાજની રચના કરવા અને સાવલી ગામના હિત માટે કશુંક કરવા સંમત થયા. સૌએ એક તારીખ નક્કી કરી અને તે દિવસે કાર્યક્રમનું આયોજન કરવા સંમત થયા. આ કાર્યક્રમને સફળ બનાવવાની તમામ જવાબદારી રશ્મિબેન અમીનને સોંપવામાં આવી.
તે મુજબ ૧૩ નવેમ્બર ૨૦૨૧ને શનિવારે યુકેમાં રહેતા સાવલીવાસીઓએ માદરેવતનથી દૂર યુકેમાં સંગઠિત રહેવા માટે પ્રથમ એવા સાવલી સમાજ યુકેની સ્થાપના કરી. આપણે યુકેમાં ઘણી કોમ્યુનિટીઓ માટે તાળીઓનો ગડગડાટ વરસાવીને તેમની પ્રશંસા કરી હવે આપણા માટે અને આપણા ગામ માટે આપણે પ્રશંસા કરવાનો સમય છે, તે સાવલી સમાજ યુકેનો સમાજનો ઉદ્દેશ છે. સમાજને આશા છે કે તેઓ ભવિષ્યમાં તેમના ગામના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રવૃત્તિ કરશે.
હાલ સાવલી સમાજ યુકેમાં લંડનમાં રહેતા ૪૫ પરિવારો સામેલ છે. સમાજના ૬૫ ભાઈ - બહેનો અને ૧૨ બાળકોએ આ વર્ષે પ્રથમ દિવાળી મેળાવડાની ઉજવણી કરી હતી.
રશ્મિબેન અમીન દ્વારા આયોજીત આ સમારોહનો પ્રારંભ ભગવાન ગણેશજીના આશીર્વાદ તેમજ માનવંતા વક્તા અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. સૌએ પ્રસંગી કેટરિંગના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોએ ટ્રેડીશનલ ગરબાનો પણ મનભરીને આનંદ લીધો હતો. સમાજ દ્વારા આગામી સમયમાં અન્ય કાર્યક્રમનું આયોજન કરાશે.
સાવલી ગામ વડોદરા જિલ્લામાં આવેલું છે. તે માત્ર પટેલોની વસતિ ધરાવતું ગામ નથી. સાવલીમાં પટેલ, વણિક, બારોટ, મુસ્લિમ અને અન્ય તમામ કોમના લોકો વસે છે. સાવલી તાલુકો પણ છે અને તેમાં ૧૩૬ ગામો આવેલા છે. ત્યાંની કુલ વસતિ ૨૯૩,૩૧૨ લોકોની છે. મહી નદીના કિનારે આવેલા સાવલી ગામની આસપાસ ગુજરાત ઈન્ડ્સ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સેન્ટરો છે જેમાં નીરમા કેમીકલ, બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ અને થર્મેક્સ વગેરે જેવી કંપનીઓ આવેલી છે.

