આખી દુનિયામાં કોરોના મહામારીની ત્રીજી લહેર ટકોરા મારી રહી છે ત્યારે પણ કોરોના વાઇરસના ઉદ્ભવનો પતો લગાવવાના પ્રયાસો સફળ થયા નથી. કોરોના સામે રક્ષણ આપવા ઘણી વેક્સિન બજારમાં આવી છે પરંતુ, વાઇરસના નીતનવા વેરિએન્ટ સામે આવતા જ રહે છે જે વેક્સિનની અસરકારકતા સામે પ્રશ્નો ઉભાં કરે છે.
દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાને પંગુ બનાવી દેનારો કોરોના વાઇરસ હજુ પણ સ્વરૂપો બદલીને કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે તેના મૂળ તપાસવાનું દબાણ નવેસરથી કરાયું છે જેનો વિરોધ ચીને કર્યો છે. એક હકીકત છે કે કોરોના વાઈરસ અથવા તો સાર્સ કોવિડ-૧૯ વાઇરસ હુબેઇ પ્રાંતના વુહાનમાંથી ફેલાયો હોવાનો ઈનકાર તો ચીન પણ કરી રહ્યું નથી. જોકે, વાઈરસ વુહાનની લેબોરેટરીમાંથી આવ્યો હોવાનું તે નકારે છે. જો નવેસરથી તપાસ થાય તો વાઇરસ વુહાનના વૅટ માર્કેટમાંથી ફેલાયો હોવાનો ચીનનો ખુલાસો ખોટો સાબિત થાય અને વુહાન ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજીના ઇન્ટર્ન દ્વારા ભૂલથી વાઇરસ લીક થઇ ગયાની થીઅરી સાચી પડે તેમાં શંકા નથી. કોરોના વાઇરસનું સંક્રમણ ડિસેમ્બર નહિ પરંતુ, નવેમ્બર ૨૦૧૯માં શરૂ થઇ ગયાના અહેવાલો પણ છે. ચીને પોતાના અર્થતંત્રના રક્ષણ માટે થઈને આંતરરાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરવામાં વિલંબ કર્યો હતો જેના પરિણામે, જ વિશ્વના દેશોએ તાત્કાલિક પ્રવાસ નિયંત્રણો દાખલ કર્યા નહિ અને લાખો લોકોને મોતને ઉતારનારો વાઈરસ અને તેની સાથે રોગ ભારે ઝડપથી ફેલાઈ ગયો હતો.
ચીને વિશ્વ આરોગ્ય સંસ્થાની નિર્ણયપ્રક્રિયાને પ્રભાવિત કરવાની રીતસરની ઝૂંબેશ જ ચલાવી હતી અને આ રોગ માનવો વચ્ચે સંપર્કથી ફેલાતો નથી તેવા દાવાઓ સાથે વિશ્વને ગેરમાર્ગે દોરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો. કોરોના વાઇરસના પ્રસારમાં ચીનનો જ હાથ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એને છાવરી રહી છે તેવો આક્ષેપ તો અમેરિકા મહામારીની શરૂઆતથી જ કરતું આવ્યું છે.
એમ કહેવાય છે કે WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રીસસ ચીનના દીર્ઘકાલીન મિત્ર છે. બીજિંગે તેમની ઉમેદવારીને સમર્થનઆપ્યા પછી જ તેમને આ હોદ્દો મળ્યો હતો. ટેડરોસે વિશ્વમાં ચીનના આર્થિક પ્રભુત્વને વેગ આપવા હેલ્થ એજન્સીનો ઉપયોગ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. લેબોરેટરી થિયરી ખોટી હોવાનો રિપોર્ટ આપવા ચીને દબાણ કર્યું હોવાની ચોંકાવનારી વાત પણ સામે આવી છે ત્યારે ચીનની મેલી મથરાવટીને જોતાં આ દિશામાં વ્યવસ્થિત તપાસ થવાની જરૂર છે.