આખરે તાલિબાન કટ્ટરવાદીઓએ વીજળીવેગે કાબુલની સાથે અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો છે. આની સાથે જ વિશ્વમાં નવા ધ્રુવીકરણોની પણ શરૂઆત થઈ છે જેની દૂરોગામી અસરો જોવા મળશે. છેલ્લાં ૨૦ વર્ષથી અફઘાનિસ્તાનમાં લોકતંત્રની સ્થાપનાની કોશિશને ભારે ધક્કો પહોંચ્યો છે. તાલિબાનના શાસન સાથે જ અફઘાનિસ્તાન આતંકવાદનું હોટ બેડ બની જવાની દહેશત સર્જાઈ છે તેમાં જરા પણ શંકા નથી. કોરોના મહામારી વખતે કહેવાયું હતું કે હવે કોરોના સાથે જ જીવન જીવવું પડશે. આ જ રીતે ભારત સહિતના પડોશીઓ અને વિશ્વના દેશોએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે જ મન મનાવી લેવું પડશે. વિશ્વને હવે અફઘાન શરણાર્થીઓના પુનઃવસનની કામગીરી પણ કરવી પડશે.
નવી પરિસ્થિતિમાં પાકિસ્તાન સૌથી વધુ લાભ ખાટી ગયાનું કહેવાય છે. અફઘાનિસ્તાન સાથે સૌથી લાંબી સરહદ ધરાવતું પાકિસ્તાન તાલિબાન સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. જાહેરમાં ‘ત્રાસવાદ સામે યુદ્ધ’ના ઓઠા હેઠળ પાકિસ્તાને અમેરિકા પાસેથી સહાયના બિલિયન્સ ડોલર પડાવ્યા છતાં, તેની જાસૂસી સંસ્થા ISIએ બેવડી રમત રમી તાલિબાન સાથે છાનગપતિયા ચાલુ જ રાખ્યા હતા. જાહેરમાં ઈસ્લામિસ્ટ તાલિબાન પર કોઈ પ્રભાવનો ઈનકાર કરી રહેલું પાકિસ્તાન ગુપ્તપણે તાલિબાનના શાસનને ઈસ્લામ માટે વિજય, અમેરિકા માટે પરાજય તેમજ ભારત માટે આંખ ગુમાવવા સમાન ગણાવી રહ્યું છે. ભારત અને ખાસ કરીને કાશ્મીરમાં આતંક ફેલાવવા હવે તાલિબાનનો ઉપયોગ કરવાની પાકિસ્તાનની ચાલ કદાચ તેને જ નડી જાય તેવી શંકા જરા પણ અસ્થાને નથી. આગ સાથે ખેલવા જતા આંગળીઓ તો દાઝી જ જાય છે. પાકિસ્તાનના પગલે ચીન પણ તાલિબાનની નિકટ જઈ શકે છે પરંતુ, તેના વંશીય ઉઈઘૂર વિભાજનવાદીઓ અફઘાનિસ્તાનમાં થાણા બનાવી ન લે તેનો ભય સતાવે છે કારણકે તાલિબાનની તરફે લડનારા હજારો વિદેશી જેહાદીઓમાં ઉઈઘૂર લડવૈયાઓનો પણ સમાવેશ થયો છે.
તાલિબાનના કાબુલમાં પ્રવેશવાની ખબર ફેલાતા જ ચોતરફ ભાગદોડ મચી છે. હજારો લોકો દેશ છોડી જવા કાબુલ એરપોર્ટ પર પહોંચી ગયા છે. અમેરિકા, યુકે અને બીજા પશ્ચિમી દેશોએ પોતાના કર્મચારીઓ અને નાગરિકોને દેશની બહાર લઈ આવવા પ્રયાસો આરંભી દીધા છે. યુકેએ ૩૦૦ નાગરિકોને એરલિફ્ટ કર્યા પરંતુ, હજુ ૩,૦૦૦થી વધુ બ્રિટિશરો ત્યાં છે તેમને સલામત રીતે પાછા લાવવાનું મુશ્કેલ કાર્ય પાર પાડવાનું છે. નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી શકાય તે માટે અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર પોતાના સૈનિકો ગોઠવી દીધા છે.
અમેરિકાને તો હાથના કર્યા હૈયે વાગ્યા છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ અફઘાન યુદ્ધ અને જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પાછળ ૨૨૬૦ બિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો છે તે માથે પડ્યો છે. સોવિયેત સંઘને ખાળવા અમેરિકાએ તાલિબાન સહિત આતંકી સંગઠનો ઊભા કરવામાં મદદ કરી હતી. સોવિયેત સંઘ નાલેશી સાથે બહાર નીકળ્યા પછી અમેરિકાને પણ આ જ નાલેશી સહન કરવાની થઈ છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તાલિબાને જાણે અફઘાનિસ્તાન અમેરિકાને ૨૦ વર્ષ માટે લીઝ પર આપ્યું હતું અને લીઝ પૂર્ણ થતાં જ અમેરિકા પાસેથી તેને આંચકી લેવાયું છે.
તાલિબાને અફઘાન ભૂમિનો ઉપયોગ ભારત સહિત કોઈ પણ દેશ વિરુદ્ધ નહિ કરાય તેની ખાતરી ઉચ્ચારી છે પરંતુ, આપણે જોયું છે તેમ પાકિસ્તાન આવી ખાતરી વારંવાર ઉચ્ચારવાની સાથે ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાન આપતું જ રહ્યું છે. તાલિબાને ભારત સાથે સારા સંબંધો રાખવાની ધરપત આપી છે પરંતુ ભૂતકાળને જોતાં તાલિબાન ઉપર વિશ્વાસ કરવો શક્ય નથી. ૧૯૯૯માં ભારતીય વિમાનને હાઈજેક કરનારા આતંકવાદીઓને તાલિબાન દ્વારા મદદને કેવી રીતે ભૂલી શકાય? છેલ્લા બે દાયકામાં દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાં શાળાઓ, હોસ્પિટલો, સ્વાસ્થ્ય કેન્દ્રો, હોસ્ટેલ્સ અને પુલ સહિત આશરે ૫૦૦ નાનીમોટી પરિયોજનાઓમાં રોકાણ કર્યું છે. આ ઉપરાંત, સંસદભવન, સલમા બંધ અને ઝરાંજ-દેલારામ હાઇવેમાં પણ મોટું રોકાણ કર્યું છે. તાલિબાનરાજ આવતાની સાથે ભારતનો પ્રભાવ ખતમ થઇ શકે છે કારણકે પાકિસ્તાન અને ચીન તાલિબાનના પડખામાં ભરાયેલા છે.
આમ તો તાલિબાને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સારા સંબંધો રાખવાની હૈયાધારણ આપી લોકોને ભૂતકાળ ભૂલવાની અપીલ કરી છે પરંતુ, તાલિબાનનું ક્રૂર અને કટ્ટર ઈસ્લામિક શાસન ભૂલી શકાય તેમ નથી. અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલાઓના અધિકારોના ક્ષેત્રમાં જે થોડીઘણી પ્રગતિ થઇ છે એ પણ તાલિબાનના સત્તાનશીન થવાથી રોળાઈ જશે. હાલ પુરતું તાલિબાન થોડી છૂટછાટ આપી શકે જેથી વિશ્વ પાસેથી નાણાકીય સહાય મેળવી શકાય કારણકે યુકે અને અમેરિકાએ તો આવા સંજોગોમાં સહાયકાપ અને પ્રતિબંધો લાદવાની ચીમકી પણ આપી દીધી છે. ભવિષ્યમાં લોખંડી ઈસ્લામિક બેડીઓ લગાવી દેતા તાલિબાનને વાર લાગવાની નથી.