નવીદિલ્હી: ઇસરોનું GSLV રોકેટ ફરી નિષ્ફળ ગયું હતું. લોન્ચ થયાની ૫ મી મિનિટમાં જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. લોન્ચિંગ નિષ્ફળ રહ્યું છે. આ ઉપગ્રહએ ૧૨ ઓગસ્ટના સવારે ૫.૪૩ વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, પરંતુ નિર્ધારિત સમયની થોડીક સેકંડ પહેલાં ત્રીજા તબક્કામાં (ક્રાયોજેનિક એન્જિન) ખામીને કારણે એ ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો. ટેક્નિકલ મુશ્કેલીઓને કારણે મિશન કંટ્રોલ સેન્ટરે સંકેતો અને ડેટા પ્રાપ્ત કરવાનું બંધ કરી દીધું. આ પછી ઇસરોના ચેરમેન કે. સિવને કહ્યું હતું કે મિશન પૂર્ણ થઈ શક્યું નથી.
આ ઉપગ્રહને ‘આઈ ઇન ધ સ્કાય’ એટલે કે આકાશની આંખ કહેવામાં આવતું હતું. આ પ્રક્ષેપણથી ઇસરોની પ્રવૃત્તિઓને પણ વેગ મળશે એવી અપેક્ષા હતી, જે કોરોના મહામારીને કારણે અટકી ગઈ હતી. EOD-૦૩નું લોન્ચિંગ પણ અગાઉ ૩ વખત ટેક્નિકલ કારણો અને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે એની નિષ્ફળતા પછી ઇસરો ટૂંક સમયમાં નવી લોન્ચ તારીખ જાહેર કરશે.