અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણધારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમે ૯ કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી, જેનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. ૩૩૫ જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.
ઊર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી. ઝડપથી લોકો આ મહામારીથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. ઉપરાંત ૨૦ જેટલા નિષ્ણાત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ સેવા આપશે. ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે, જે પૈકી સૌપ્રથમ ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ અમદાવાદ આવ્યાં છે.
જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે, જેમાં રોજની ૩૦૦થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિઃશુલ્ક અપાઈ રહ્યાં છે. મોરબીમાં ૩૦૦થી વધુ બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છે.
એશિયન મિલ્સના માલિકે એક કરોડનું દાન કર્યું
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આવી ઉમદા પ્રવૃત્તિથી પ્રેરાઈને એશિયન મિલ્સ પ્રા.લિ.ના માલિક ઓમ પ્રકાશ અગ્રવાલજી કે જેમણે અગાઉ પણ રૂપિયા અઢી કરોડનું દાન સંસ્થાને આપ્યું હતું, તેમણે કોરોનાના દર્દીઓની સારવાર અર્થે રૂપિયા એક કરોડનું દાન સંસ્થામાં જમા કરાવી દીધું છે.

