ઇંગ્લેન્ડમાં મહામારી પહેલાથી જ સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાયો

Wednesday 20th October 2021 06:56 EDT
 

લંડનઃ ઇમ્પિરિયલ કોલેજ લંડનના એક અભ્યાસ પ્રમાણે ઇંગ્લેન્ડના ઉત્તરના વિસ્તારોમાં ગત દાયકામાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. સંશોધકોનું કહેવું છે કે બ્લેકપૂલની સરખામણીએ કેન્સિંગ્ટન અને ચેલ્સીમાં રહેતા વ્યક્તિઓના સરેરાશ આયુષ્યમાં ૨૭ વર્ષનો તફાવત જોવા મળ્યો છે.

ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધક પ્રોફેસર માજીદ ઇઝઝતીએ જણાવ્યું હતું કે,‘યુકેમાં હંમેશાં એવી ધારણા રહી છે કે દરેક વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે પણ તેની ગતિ એકસરખી નથી.’ આ ડેટા સૂચવે છે કે ઇંગ્લેન્ડના મોટા ભાગોમાં વર્ષોથી અપેક્ષિત આયુષ્યદરમાં ખરાબ રીતે ઘટાડો થઇ રહ્યો છે.

ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ૨૦૦૨થી ૨૦૧૯ના ગાળામાં ઇંગ્લેન્ડમાં થયેલા તમામ મૃત્યુનું વિશ્લેષણ કરાયું હતું. આ વિસ્તારોમાં મૃત્યુના રેકોર્ડના આધારે વિવિધ સમુદાયો માટે અપેક્ષિત આયુષ્યદર નિર્ધારિત કરાયો હતો. અભ્યાસમાં જણાયું હતું કે ૨૦૧૦થી કેટલાક વિસ્તારોમાં આયુષ્યદર ઘટવા લાગ્યો હતો. લીડ્સ, ન્યૂકેસલ, માન્ચેસ્ટર, લિવરપૂલ અને બ્લેકપૂલના  વિસ્તારોમાં પુરુષો માટે ૭૦ અને મહિલાઓ માટે ૭૫ વર્ષથી ઓછો આયુષ્યદર છે. વર્ષ ૨૦૧૯ સુધીમાં, કેમડનમાં રહેતી (૯૫.૪ વર્ષ) મહિલાની સામે લીડ્ઝના એક વિસ્તારમાં રહેતી મહિલા (૭૪.૭ વર્ષ) વચ્ચે આયુષ્યમાં લગભગ ૨૦ વર્ષનો તફાવત હતો જયારે, પુરુષો માટે કેન્સિંગ્ટન અને ચેલ્સી વિસ્તારોમાં (૯૫.૩ વર્ષ) અને બ્લેકપૂલ (૬૮.૩ વર્ષ) વચ્ચે લગભગ ૨૭ વર્ષનો તફાવત હતો.

સંશોધકો અનુસાર ગરીબી, અસુરક્ષિત રોજગાર, વેલ્ફેર સપોર્ટ અને આરોગ્યસંભાળમાં ઘટાડાના લીધે સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાયો છે. સંશોધકોએ ઓછી આયુષ્ય ધરાવતા વિસ્તારોમાં જાહેર આરોગ્યમાં રોકાણ વધારવા સરકારને અપીલ પણ કરી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના દાજો અનુસાર યુકેમાં સરેરાશ અપેક્ષિત આયુષ્ય પુરુષો માટે ૭૯ વર્ષ અને સ્ત્રીઓ માટે ૮૩ વર્ષથી થોડું ઓછું રહ્યું છે.


    comments powered by Disqus