ચીની ડ્રેગનની અવળચંડાઈ

Wednesday 20th October 2021 06:11 EDT
 

ડ્રેગન ચીન કોઈ પણ હિસાબે ભારતને રંજાડવાની નીતિ છોડી રહ્યું નથી. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી તેનાથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું અને અરુણાચલ પ્રદેશને ચીનનો વિસ્તાર ગણાવી નાયડુની મુલાકાતનો વિરોધ જાહેર કર્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશને પોતે હડપી લીધેલા તિબેટનો હિસ્સો ગણાવે છે. જોકે, ભારતે તેનો સત્વરે અરુણાચલ ભારતનો એક અભિન્ન હિસ્સો હોવાનો ઉત્તર વાળી તેની બોલતી બંધ કરી દીધી છે. હકીકત એ છે કે ચીનની નીતિ ‘મારું મારું આગવું અને તારામાં મારો ભાગ’ની જ રહી છે. શાંતિવાર્તા માટે બેઠકો યોજવી અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહેવું તે આ નીતિનો હિસ્સો છે. પંડિત નહેરુથી નરેન્દ્ર મોદી સુધીના વડા પ્રધાનોએ ચીન સાથે સંબંધો સુધારવાની જહેમતો ઉઠાવી છે પરંતુ, કૂતરાની વાંકી પૂછડી કદી સીધી થતી નથી.
ચીન- ભારત સરહદનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વિવાદના નિરાકરણ માટે બન્ને દેશોના સૈન્ય દ્વારા ૧૩મી વખત બેઠક યોજાઇ હતી. જોકે ચીનની અવળચંડાઇને પગલે આ વાતચીત પણ નિષ્ફળ રહી હતી. એક તરફ સૈન્ય વચ્ચે શાંતિ માટે વાતચીત ચાલુ છે એવામાં બીજી તરફ ચીન ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યું છે. ચીનની વ્યૂહરચના ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરવાની રહી છે અને જો બીજો દેશ આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરવા સાથે નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. થોડા સમય અગાઉ, ચીનના ૨૦૦ જેટલા સૈનિકોએ ભારતના ઉત્તરાખંડના બારાહોતી પછી તિબેટ તરફથી અરુણાચલ પ્રદેશમાં પણ ઘુસણખોરી કર્યાના અહેવાલો હતા. ભારતીય સૈનિકોએ દુશ્મનોને ભગાડી દીધા હતા.
એમ પણ કહેવાય છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગ વિરુદ્ધ સામ્યવાદી પક્ષમાં જ વિરોધનો બુંગિયો વાગી રહ્યો છે. આર્થિક હાલત પણ ખરાબ થઈ રહી છે. આથી જિનપિંગ કોઈ છમકલા અથવા નાના પાયે યુદ્ધ કરવાની વૃત્તિ ધરાવતા હોય તો કહેવાય નહિ. ભારત ઉપરાંત, હોંગકોંગ અને તાઈવાન સાથે પણ ગમે ત્યારે યુદ્ધની હાલત સર્જાઈ શકે છે. આ સંજોગોમાં ભારતે વધુ સાવચેત રહેવાની આવશ્યકતા છે.


comments powered by Disqus