સંક્ષિપ્ત સમાચાર

Tuesday 19th October 2021 14:36 EDT
 

• દેશની સુરક્ષા તેમજ પોલીસ વ્યવસ્થા મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહની મેરેથોન મિટિંગઃ કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે દેશની આંતરિક સુરક્ષા તેમજ પોલીસ વ્યવસ્થાનાં મુદ્દે બંધબારણે મેરેથોન મિટિંગ યોજી હતી. જેમાં જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં વધેલા આતંકી હુમલા તેમજ કેટલાક રાજ્યોમાં નક્સલી હુમલા મુદ્દે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં અજિત ડોભાલ તેમજ અરવિંદ કુમાર અને રાજ્યોનાં ડિરેકટર જનરલ ઓફ પોલીસ, ઈન્સ્પેકટર જનરલ્સ ઓફ પોલીસ, તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ વડાઓ પણ હાજર રહ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં કાર્યરત ઈન્ટેલીજન્સ ર્સિવસિસનાં અધિકારીઓ તેમજ વડાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.પાકિસ્તાન, ચીન તેમજ બાંગ્લાદેશની સરહદોનાં મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી.
• સ્વિસ ખાતામાં પડેલા રૂ. ૨૭૫ કરોડ ભારતને આપવા નીરવની બહેનની ઓફરઃ તાજેતરમાં જાહેર થયેલા પેન્ડોરા પેપર્સમાં જેની વિગતો બહાર આવી હતી તે ડિપોઝિટ ટ્ર્સ્ટમાં ફરાર થઈ ગયેલા ડાયમંડ મરચન્ટ નીરવ મોદીની બહેન પૂર્વી મોદી સેટલર તરીકેનો હોદ્દો ધરાવે છે. હવે પૂર્વી મોદીએ સ્વિસ બેન્કમાં આ ટ્રસ્ટના ખાતામાં પડેલા રૂપિયા ૨૭૫ કરોડ ભારતને આપવાની ઓફર કરી છે.
• પૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત બગડતા એઈમ્સમાં કરાયા દાખલ: પૂર્વ પીએમ મનમોહન સિંહને તાવની ફરિયાદ બાદ સાંજે એઈમ્સમાં દાખલ કરાયા છે. વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી પીએમ રહી ચૂકેલા મનમોહન સિંહ આ વર્ષે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને ૧૯ એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તો સતત ચેસ્ટ કંજેશનની ફરિયાદ કરી રહ્યા હતા. તેમની ઉંમર ૮૮ વર્ષની છે. તેમને ડાયાબિટિસની ફરિયાદ પણ હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહની પહેલા પણ ૨ બાયપાસ સર્જરી થઈ છે. તેમની પહેલી સર્જરી ૧૯૯૦માં યૂનાઈટેડ કિંગડમમાં થઈ. બાદમાં ૨૦૦૯માં તેમની અન્ય બાયપાસ સર્જરી કરાઈ હતી. પીએમ મોદીએ મનમોહન સિંહની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી.
• હવે બીએસએફ સરહદની અંદર ૫૦ કિમી સુધી કાર્યવાહી કરી શકશેઃ કેન્દ્રએ આતંકવાદ અને સરહદ પારની ગુનાખોરી પર સકંજો કસવાના હેતુથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારો વધારી દીધા છે. બીએસએફ હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય ક્ષેત્રની અંદર ૫૦ કિ.મી. સુધી સર્ચ ઓપરેશન કરી શકશે.
• કેન્દ્ર સીબીઆઈ, ઈડી, એનસીબીને શસ્ત્ર બનાવી બધાને દબાવે છેઃ પવારઃ મહારાષ્ટ્રના ટોચના નેતા અને રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવારે મોદી સરકાર પર ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે ભાજપની સત્તા નથી એવા રાજ્યોમાં કેન્દ્ર સરકાર સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), આઈટી, એનસીબી જેવી કેન્દ્રીય એજન્સીઓને છૂટો દોર આપી દબાણ લાવી રહી છે.
આ સાથે શરદ પવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે અને ફરીથી સત્તા પર આવવામાં પણ સફળ થશે.
• શ્રીલંકાએ પેટ્રોલ ખરીદવા ભારત પાસે ૫૦ કરોડ ડોલર માગ્યા: ભારતના પાડોશી દેશ શ્રીલંકા સંકટમાં આવી ગયું છે. શ્રીલંકાએ ઈંધણની ખરીદી કરવા માટે ભારત પાસેથી આર્થિક મદદની માંગ કરી છે. ઇંધણની જરૂરિયાત પૂરી કરવા માટે શ્રીલંકાએ ભારત પાસેથી ૫૦ કરોડ ડોલર (આશરે રૂ. ૩૭ અબજ)ની લોન માંગી છે. શ્રીલંકાના ઊર્જા મંત્રી ઉદય ગમ્મનપિલાની ચેતવણી બાદ શ્રીલંકન સરકારે આ પગલું ભર્યું છે. તેણે ચેતવણી ઉચ્ચારી હતી કે શ્રીલંકાનો ઇંધણનો ભંડાર તેની જરૂરિયાતોને આગામી વર્ષના જાન્યુઆરી સુધી જ પૂરી કરી શકે તેમ છે. સરકારના સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન ઉપર બે સરકારી બેન્કો બેન્ક ઓફ સિલનો અને પીપલ્સ બેન્કનું લગભગ ૩.૩ અબજ ડોલર ઋણ છે. દેશના ઓઈલ ડિસ્ટ્રિબ્યુટર મધ્યપૂર્વમાંથી ક્રૂડ ઓઈલ અને સિંગાપોર સહિત અન્ય ક્ષેત્રોમાંથી રિફાઈન્ડ પ્રોડક્ટસની આયાત કરે છે.
• ચીનના ત્રણ અવકાશયાત્રી સ્પેસ સ્ટેશન પહોંચ્યાઃ છ મહિના રહીને રેકોર્ડ બનાવશે: ચીનના ત્રણ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. એમાં એક મહિલા અવકાશયાત્રીનો પણ સમાવેશ થાય છે. ચીને પહેલી વખત અવકાશમાં મહિલા અવકાશયાત્રીને મોકલીને રેકોર્ડ બનાવ્યો હતો. એ ઉપરાંત આ અવકાશયાત્રીઓ છ મહિના સુધી રોકાઈને ચીન માટે નવો વિક્રમ સ્થાપિત કરશે.ચીને તેના નિર્માણાધીન સ્પેસ સ્ટેશનનું અધુરું કામ પૂરું કરવા માટે ત્રણ અવકાશયાત્રીઓને છ માસ માટે અંતરિક્ષમાં મોકલ્યા છે. ૫૫ વર્ષના ઝાઈ ઝીગેંગ, ૪૧ વર્ષના યી ગૂન્ગફુ અને ૪૧ વર્ષના મહિલા અંતરિક્ષ યાત્રી વાંગ યાપિંગ છ મહિના સુધી અંતરિક્ષમાં રહેશે અને સ્પેસ સ્ટેશનનું અધુરું કામ પાર પાડશે.
• અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાય આપવા PMની G-૨૦ને હાકલ: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તોળાઈ રહેલા માનવીય સંકટથી બચાવવાના ઉપાયો પર ચર્ચા કરવા ઇટલીના અધ્યક્ષ સ્થાને G-૨૦ સમૂહના દેશોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ભારત સહિત G-૨૦ સમૂહ દેશોના નેતાઓએ તેમના વિચારો વ્યકત કર્યા હતા. પીએમ મોદીએ G-૨૦ સમીટને સંબોધતાં અફઘાનિસ્તાનને કટ્ટરપંથીઓ અને આતંકવાદનો સ્ત્રોત બનતા અટકાવવા પર ભાર મૂક્યો હતો. બેઠક બાદ આ અંગે ટ્વિટ કરી પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેઓએ અફઘાન નાગરિકોને તાત્કાલિક અને વિના વિક્ષેપે માનવતાવાદી સહાય મળે માટે હાકલ કરી હતી. પીએમ મોદીએ મહિલાઓ અને લઘુમતીઓને પણ સરકારમાં યોગ્ય સ્થાન આપવા માટે હાકલ કરી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સુધારવા માટેUNSC ઠરાવ ૨૫૯૩ પર આધારીત એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ જરુરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આની સૌથી વધુ અસર ભારત જેવા પાડોશી દેશો પર પડશે. યુરોપિયન યુનિયન વતી G-૨૦માં હાજર રહેલા ઉર્સુલા વોન ડેર લેયને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનને કફોડી સ્થિતિમાંથી બહાર લાવવા માટે ઈયુ દ્વારા એક અબજ યૂરોની સહાય કરવામાં આવશે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ૨૮મા સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે, પછાતોના ગૌરવની જાળવણી અને માનવ અધિકારની સુરક્ષા માટે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


comments powered by Disqus