હિન્દુ લઘુમતીઓ પર હિંસક હુમલા ક્યાં સુધી?

Wednesday 20th October 2021 06:11 EDT
 

લઘુમતીઓ અને ખાસ કરીને હિન્દુઓ, ઐતિહાસિક રીતે અને વર્તમાનમાં પણ ધાર્મિક દમન અને સુનિયોજિત હિંસાનો શિકાર બની રહ્યા છે. પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં મંદિરો અને શૈક્ષણિક કેન્દ્રોની તોડફોડ અને અપવિત્રતા-ભ્રષ્ટ બનાવવા તેમજ બળજબરીથી ધર્માન્તરણ, સામૂહિક સંહારની બાબતો જાણે સામાન્ય બની ગઈ છે. આમાંની કેટલીક ઘટનાઓને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નિહાળવાની પણ જરૂર છે.
આપણા દેશનું ૧૯૪૭માં ધર્મના નામે વિભાજન કરાયું ત્યારે ભારત અને પાકિસ્તાન બંનેએ તેમના લઘુમતી વર્ગોનું સન્માન અને રક્ષણ કરવા સંમતિ સાધી હતી. મુસ્લિમોના મોટા હિસ્સાએ દ્વિરાષ્ટ્ર થીઅરીને નકારી ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. આ જ રીતે, હિન્દુઓ, શીખો અને અન્યધર્મી લઘુમતી પ્રજાના વિશાળ હિસ્સાએ પાકિસ્તાન અને વર્તમાન બાંગલાદેશમાં રહેવાનું પસંદ કર્યું હતું. વિભાજન સમયે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખોની વસ્તી આશરે ૧૨.૯ ટકા હતી જે આજે ઘટીને એક ટકાથી પણ ઓછી છે. બાંગલાદેશના સર્જન સમયે હિન્દુઓની વસ્તી ૩૧ ટકા હતી આજે ઘટીને માત્ર ૮ ટકા રહી છે.
પ્રશ્ન એ થાય છે કે આ દેશોમાં હિન્દુ-શીખ અને અન્ય લઘુમતી પ્રજા ક્યાં અદૃશ્ય થઈ ગઈ? આનો ઉત્તર સ્પષ્ટ છે. આ લઘુમતીઓનું ધર્માન્તરણ કરાયું હશે, સંહાર કરાયો હશે અથવા મુખ્યત્વે ભારત સહિતના સલામત દેશોમાં હિજરત કરી ગઈ હશે. પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાન હોય, નરસંહાર લગભગ ચાલતો જ રહ્યો છે. ૧૯૪૭ના વિભાજનમાં ભારે રક્તરંજિત સ્થળાંતર કરાયું હતું. ૧૪થી ૧૬ મિલિયન હિન્દુ, શીખો અને મુસ્લિમોએ પોતાના ઘરબાર છોડી સલામત સ્થળોએ નાસી જવાની ફરજ પડી હતી. આ સમયગાળામાં તેમાંથી ૬૦૦,૦૦૦ લોકોની ક્રૂર હત્યા કરાઈ હતી. આ હત્યાકાંડો પછી, પાકિસ્તાનમાં સંપત્તિ ધરાવતા હિન્દુઓનું પ્રમાણ ઘટીને ૧૨.૭ ટકા રહ્યું હતું. આ જ રીતે, ઢાકામાંથી ૯૦ ટકા હિન્દુ નાગરિકોએ ભારતમાં સ્થળાંતર કર્યું હતું.
બાંગલાદેશમાં એક હિન્દુ યુવાન દ્વારા કટ્ટરવાદી ઈસ્લામિસ્ટ જૂથ હિફાજત-એ-ઈસ્લામના નેતા મામુનુલ હકના પ્રવચનની ટીકા કરતી કથિત ફેસબૂક પોસ્ટથી રોષે ભરાયેલા કટ્ટરવાદીઓએ સિલ્હટ ડિવિઝનમાં હિન્દુઓના ૭૦થી ૮૦ ઘરોમાં ભારે તોડફોડ મચાવી અને સંખ્યાબંધ હિન્દુ ઘાયલ થયા. આ બધા હુમલાઓ પાછળનું મૂળ કારણ મતભેદ, સ્વતંત્રતા અને ધરમનિરપેક્ષતાને દબાવી દેવાનું છે. વિશ્વના કોઈ પણ ખુણામાં લઘુમતી પ્રજા પોતાની જિંદગી, સંપત્તિ અને ધાર્મિક ઓળખ ગુમાવવાના ભય હેઠળ જીવે છે. બહુમતી સમુદાય હિન્દુઓને શાંતિપ્રિય અને હેરાનગતિ સામે જવાબ નહિ વાળનારી કોમ્યુનિટી તરીકે નિહાળે છે. અન્ય દેશોમાં ૩૧ મિલિયન હિન્દુઓ સારી રીતે જીવન ગુજારે છે અને સમૃદ્ધ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં મુસ્લિમ બહુમતી દેશની લઘુમતીઓ સાથે કોઈ પણ અવાજ વિનાના ત્રીજી કક્ષાના નાગરિકો તરીકે વ્યવહાર કરે છે. એક બોધકથા અનુસાર નાગ ભલે અહિંસક રહે પરંતુ, તેણે ફૂંફાડા તો અવશ્ય મારવા જોઈએ. હિન્દુઓ સહિષ્ણુ છે, વસુધેવ કુટુમ્બકમની સંસ્કૃતિમાં માનનારા છે. ઈસુ ખ્રિસ્ત કે મહાત્મા ગાંધીના ઉપદેશ અનુસાર બે ગાલ સુધી તમાચા મારીને પણ જીવે છે પરંતુ, ત્રીજા તમાચાની વાત આવે ત્યારે તેનો સામનો કરવો જરૂરી બને છે. અન્ય બાબત પર પણ ધ્યાન દોરવું જરૂરી છે કે આજકાલ હિન્દુ દેવી-દેવતાઓના અશોભનીય ચિત્રો વેપારી ચીજવસ્તુઓ પર મૂકવાનો માર્કેટિંગ કીમિયો અપનાવાઈ રહ્યો છે. જાગૃત હિન્દુ સંગઠનો દ્વારા કરતા તીવ્ર વિરોધથી કંપનીઓને પીછેહઠ કરવાની ફરજ પડે છે. આવી જ દૃઢ નિશ્ચયાત્મકતા હિન્દુઓ વિરુદ્ધ હિંસક હુમલા પરત્વે દર્શાવવી પડશે.
બાંગલાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ તેમના દેશમાં હિન્દુવિરોધી હિંસાનો અઘટિત પ્રત્યાઘાત ન આવે તે જોવા ભારત સરકારને વિનંતી કરી છે. આપણે તેના પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈશે કારણકે કાશ્મીરમાં હતાશ થયેલા આતંકવાદીઓ નવી રણનીતિ અપનાવી રહ્યા છે. પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં વસતા હિન્દુઓ અને શીખો પર સતત હિંસક હુમલા કરવાથી ભારતના હિન્દુઓ રોષે ભરાય અને પોતાનો રોષ ત્યાંના મુસ્લિમો પર વાળે. આમ ભારતમાં હિન્દુ-મુસ્લિમને ઝઘડાવી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. કાશ્મીરમાં આતંકી સંગઠન યુનાઇટે લિબરેશન ફ્રન્ટે હિન્દુઓ કાશ્મીર છોડો નહિ તો ખતમ કરી નાખીશુંની ધમકી ઉચ્ચારી છે. બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર વધી રહેલા હુમલા પણ આ જ વ્યૂહરચનાનો હિસ્સો છે. આ હુમલાઓને પગલે કાશ્મીરમાંથી અગાઉ પંડિતો દ્વારા પલાયન કરવામાં આવ્યું હતું. હવે બિહારીઓ અને અન્ય રાજ્યના લોકો પણ કાશ્મીર છોડવા લાગ્યા છે જ્યારે કેટલાક જમ્મુ વિસ્તારમાં જઇ રહ્યા છે. ભારત સરકારે હિન્દુઓ પર કરાતા હિંસક હુમલાઓને ખાળવા સત્વરે પગલાં લેવાં પડશે જેથી નિર્દોષોના લોહી રેડાય નહિ ને દેશ-વિદેશમાં શાંતિ જળવાઈ રહે.


comments powered by Disqus