સતત વધતું પ્રદૂષણ, વૃક્ષો અને જંગલો આડેધડ કાપી નાખવાથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જવાના પરિણામસ્વરુપ ગ્લોબલ વોર્મિંગ અથવા ક્લાઈમેટ ચેન્જ સમગ્ર વિશ્વને સ્પર્શતી સમસ્યા છે. પર્યાવરણમાં એટલો બદલાવ આવ્યો છે કે હવામાનની પેટર્ન્સ જ બદલાઈ ગઈ છે. શિયાળામાં ભારે ગરમી અને પૂર અથવા ઉનાળામાં ભયાનક ગરમીથી પ્રસરતી આગ સામાન્ય બાબત બની છે.
ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. યુરોપના જર્મની, બેલ્જિયમ, સ્વિત્ઝર્લેન્ડ અને નેધરલેન્ડ સહિતના દેશો ભીષણ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ યુરોપ અને ખાસ કરીને જર્મનીમાં વિનાશકારી પૂરે ભારે ખાનાખરાબી સર્જી છે.
તાજેતરમાં અમેરિકા અને કેનેડામાં આ વખતે તાપમાન ખૂબ જ ઊંચું નોંધાયું છે. અમેરિકાના દક્ષિણપૂર્વીય ઓરેગોનની વિનાશક આગ દર કલાકે ૧૦૦૦ એકર જંગલમાં પ્રસરી છે જેના ધુમાડા અને પ્રચંડ ગરમીના પરિણામે ખતરનાક મહાકાય ફાયર ક્લાઉડ રચાયા છે. અગાઉ, પશ્ચિમ કેનેડાના બ્રિટિશ કોલંબિયામા માત્ર પાંચ દિવસમાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા જેનું પ્રમાણ સામાન્ય રીતે ૧૬૫ જેટલું રહે છે. જોકે, પશ્ચિમ પ્રાંતમાં છેલ્લા ૩થી ૫ વર્ષમાં ગરમીના કારણે માત્ર ૩ લોકોનાં મોત થયા હતા. એક આખું લિટ્ટોન ગામ બળીને રાખ થઈ ગયું હતું. અમેરિકાના અલાસ્કાથી છેક સાઈબેરિયા સુધીના વિસ્તારમાં સતત ત્રણ દિવસના વીજતોફાનથી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. દુનિયામાં વધી રહેલી ગરમીના કારણે આર્કટિક વિસ્તાર પણ ગરમ થવાના પરિણામે વીજતોફાનો સર્જાતા હોવાનું મનાય છે.
હવામાનમાં પલટાના કારણે લીધે પૃથ્વીનું વાતાવરણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. હિમનદી- ગ્લેસિયર્સ ઓગળી રહ્યાં હોવાથી ઘણા દેશોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આટલું ઓછું હોય તેમ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રની બદલાતી કળાઓ પણ હવામાનમાં પરિવર્તનનું કારણ હોઈ શકે તેવો દાવો કર્યો શકે છે. ક્લાઈમેટ ચેન્જના લીધે સમુદ્રના વધતા સ્તર સાથે ૨૦૩૦માં ચંદ્ર તેની ભ્રમણકક્ષાથી આગળ વધવાથી પૃથ્વી પર વિનાશક પૂર આવવાની ચેતવણી પણ નાસાએ આપી છે.
કુદરત સાથેની છેડછાડ માનવીને ભારે પડી રહી છે. વિશ્વમાં આર્થિક વિકાસના નામે સૌથી વધુ પોલ્યુશન ફેલાવનારા દેશોમાં અમેરિકા, ચીન અને રશિયા મુખ્ય છે. જો પોલ્યુશન ફેલાવવાનું ઓછું નહિ કરાય તો માનવીએ હાથના કર્યા ભોગવવા પડશે તૈ નિશ્ચિત છે.