રાજકોટઃ માતા-પિતા અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાં બન્યો હતો. તોફાન કરતા આઠ વર્ષના માસુમ પુત્ર સૌરભને લાકડી મારીને પિતાએ મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો. પુત્ર પડી ગયાનું જણાવીને પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ થયો હતો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મારથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું.
અહીના કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતાં અને ત્યાં ચોકીદારીનું કામ કરતાં નેપાળી સિધ્ધરાજ બીરખાભાઇ ભુલના આઠ વર્ષના માસુમ પુત્ર સૌરભને રાત્રિના બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં વહેલી સવારે તેનું મૃત્યુ થયું હતું. તે પડી જવાના કારણે બેભાન થઇ ગયાનું જણાવાયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલાતા ત્યારે માસુમના શરીર પર ઇજાના નિશાન નજરે પડયા હતાં. આથી પોલીસે તેના પિતા સિધ્ધરાજ ભુલને કડકાઈથી તેણે સમગ્ર બીના કહી હતી.
સાતેક મહિના પહેલા જ તે નેપાળથી પત્ની બીનીતા અને પુત્ર સૌરભને રાજકોટ લાવ્યો છે. પુત્ર સૌરભ તોફાની હતો. સાંજે તેને જમવા માટે બોલાવ્યો હતો. પણ તે જમવા આવતો ન હતો અને તોફાન કરતો હતો. તેથી ઉશ્કેરાઇને તેને લાકડીના પાંચ-છ ફટકા મારી દીધા હતાં. આથી તે જમવા બેસી ગયો હતો. જમી લીધા બાદ પુત્ર સૌરભે ફરી તોફાન શરૂ કર્યા હતાં. તેનો પિતા તેની પાછળ લાકડી લઇને દોડ્યો હતો. ભાગવા જતાં પુત્ર પડી ગયો હતો અને તેનું માથુ જમીન સાથે ભટકાયું હતું. તેને મુંઢ ઇજા થઇ હતી. એ પછી રાતના પુત્ર સુઇ ગયો હતો. રાતના ત્રણેક વાગ્યે પુત્રે ચીસો પાડવાનું શરૂ કર્યુ હતું અને તેને આંચકી ઉપડી હોય તેવી લાગ્યું હતું. આથી તે પુત્રને લઇને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલે લઇ ગયો હતો.' ત્યાંથી તેને સિવિલ હોસ્પિટલે લઇ જવાનું કહેતા સિવિલે આવ્યા હતાં. ત્યાં પુત્રનું
મૃત્યુ નિપજ્યું હતું. આથી પોલીસે તેના પિતા સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરીને તેની અટકાયત કરી હતી.

