હોંગકોંગઃ ઓમિક્રોન વેરિઅન્ટ કોવિડ-૧૯ના મૂળ વાઇરસ અને ડેલ્ટા વાઇરસ કરતા પણ ૭૦ ગણી ઝડપે સંક્રમણ ફેલાવે છે, પરંતુ બીમારીની ગંભીરતાનું સ્તર ખૂબ જ નીચું રહે છે. હોંગકોંગ યુનિર્વિસટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં આ હકીકત કહેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના તબીબો દ્વારા અગાઉ જે નિરીક્ષણો જાહેર થયા હતા તેને આ અભ્યાસથી પણ થોડું બળ મળે છે.
હોંગકોંગ યુનિર્વિસટીના માઇકલ ચાન ચી વાઇના નેતૃત્વમાં બનેલી સંશોધક ટીમે હાથ ધરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન વાઇરસ સંક્રમણના ૨૪ કલાકમાં જ શરીરને મોટાપાયે સંક્રમિત કરી દે છે. પરંતુ જૂના વાઇરસ વેરિઅન્ટના મુકાબલે ૧૦ ગણી ઓછી બીમારી સર્જે છે. અર્થાત મૂળ વેરિઅન્ટને મુકાબલે માનવીના ફેફસાંની ગ્રંથિઓને તે દશ ગણું ઓછું નુકસાન પહોંચાડે છે.
અભ્યાસ હાથ ધરનારા સંશોધકોનું કહેવું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ખૂબ જ ઝડપથી સંક્રમિત તો કરે છે પરંતુ ફેફસાંની ગ્રંથિઓને જૂના વેરિઅન્ટ જેટલું નુકસાન નથી પહોંચાડતો. અહેવાલની વૈજ્ઞાનિક જર્નલ માટે પ્રકાશન અર્થે સમીક્ષા થઈ રહી છે.
ઓમિક્રોન વાઇરસે દક્ષિણ આફ્રિકામાં દેખા દીધા પછીના ત્રણ જ સપ્તાહમાં ૭૭ દેશોમાં ફેલાઈ ગયો છે. તે સંજોગોમાં આ વાઇરસના જોખમો જાણવા અને નાથવા સઘન પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં હોંગકોંગ યુનિર્વિસટીના સંશોધકો દ્વારા થયેલું આ સંશોધન વાઇરસના જોખમોને સમજવામાં ખૂબ જ મહત્ત્વનું થઈ પડે તેમ છે. મોટાભાગના તબીબો પણ કહી રહ્યા છે કે ઓમિક્રોન સૌથી વધુ સંક્રમણ તો ફેલાવે છે પરંતુ તેની અસરો ગંભીર નથી અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઊભી નથી કરતો.
