ક્રિમેટોરિયમની પરવાનગી બ્રિટનની હિન્દુ કોમ્યુનિટી માટે મહત્ત્વપૂર્ણ કદમ

લોર્ડ જિતેશ ગઢિયા Wednesday 22nd December 2021 08:29 EST
 
 

ગત સપ્તાહે નોર્થ વેસ્ટ લંડનની સીમાએ આવેલા ડેનહામમાં ખાસ હેતુસરના અત્યાધુનિક હિન્દુ સ્મશાનગૃહ-ક્રિમેટોરિયમના નિર્માણની પ્લાનિંગ પરમિશન મેળવવામાં સફળતાના આવકારદાયક સમાચારને વ્યાપકપણે વધાવી લેવામાં આવ્યા છે. આ ઘણી લાંબી અને ઘણી વખત હતાશાજનક બની રહેલી યાત્રા- અરજદાર અનુપમ મિશન યુકેના નોંધપાત્ર તેમજ સમગ્ર કોમ્યુનિટીને સાંકળી લેતા પ્રયાસોનું સફળ પરિણામ છે. આપણા માટે આ સીમાચિહ્નરુપ ક્ષણ છે જેને વધાવી લેવાની તેમજ ભૂતકાળ અને ભવિષ્ય તરફની દૃષ્ટિ સાથે યોગ્ય બોધપાઠ શીખવાની કાળજીપૂર્વકની સમીક્ષા કરવાની આવશ્યકતા છે.
ઘણા દાયકાઓથી હિન્દુઓ અને વ્યાપક હિન્દુ સમુદાયની સાંસ્કૃતિક અને સામાજિક જરૂરિયાતોને પહોંચી વળવા આ પ્રકારની સ્મશાનગૃહ સુવિધાની મૂળભૂત જરૂરિયાત સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. સૌપ્રથમ વખત ૩૦ વર્ષ અગાઉ આ વિષય યુગાન્ડાના આદરણીય ઉદ્યોગપતિ અને પરોપકારી સજ્જન દિવંગત મનુભાઈ એમ. માધવાણી અને અગ્રણી આધ્યાત્મિક અગ્રણીઓના જૂથ વચ્ચેની વાતચીત દરમિયાન ઉખેળાયો હોવાનું મેં સાંભળ્યું હતું. એ કહેવું જ જોઈએ કે મનુભાઈએ આ સન્માનીય મહાનુભાવોને કોમ્યુનિટીની વ્યવહારુ જરૂરિયાતોનો ઉકેલ લાવવા પડકાર આપ્યો હતો.
ઈસ્ટ આફ્રિકા અને ભારતમાંથી સ્થળાંતરના શરૂઆતી તબક્કાઓમાં ડાયસ્પોરા સમૂહોની પ્રારંભિક પ્રાથમિકતાઓ દેખીતી રીતે જ મંદિરો, ગુરુદ્વારા અને કોમ્યુનિટી સેન્ટર્સ જેવાં લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સના નિર્માણ પર કેન્દ્રિત હતી. જોકે, આમાંથી ઘણા પ્રોજેક્ટ્સની સામે જે મુશ્કેલીઓ કે સંઘર્ષનો સામનો કરવાનો આવ્યો તે આપણે ભૂલવું ન જોઈએ.
વોટફર્ડના ISKCON મંદિર – ભક્તિવેદાંત મેનોરને હર્ટ્સમીઅર કાઉન્સિલ દ્વારા જાહેર પ્રજા માટે બંધ કરવા નિર્ણય લેવાયો ત્યારે મંદિરને બચાવવા ૧૦ વર્ષ લાંબી લડત ચલાવાઈ હતી તે આનું નોંધપાત્ર ઉદાહરણ છે. સમયાંતરે આ વિવાદને મંદિર દ્વારા સ્થાનિક લેચમોર હીથ ગામને બાય-પાસ કરતા સ્વતંત્ર પ્રવેશમાર્ગનું નિર્માણ કરીને સુલઝાવી દેવાયો હતો.
આજે, આ અને અન્ય મંદિરો અનેકગણાં બન્યાં છે, વિકસ્યાં છે અને સમગ્ર દેશમાં વ્યાપક નેટવર્ક પુરું પાડી રહ્યાં છે. હવે સતત વધી રહેલી વૃદ્ધ વસ્તી માટે અન્ય યોગ્ય સુવિધાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત યોગ્ય છે. વર્ષ ૨૦૧૫માં તત્કાલીન ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને તેમના બજેટના ભાગરુપે હિન્દુ અને ભારતીય કોમ્યુનિટીને કેવી રીતે મદદ કરી શકાય તેના સૂચનો આપવા જણાવ્યું ત્યારે આ વિષયમાં મારો રસ ઘણો વધ્યો હતો.
ઓસ્બોર્ન ખરે યશના અધિકારી છે કે તેમણે સત્તાવાર રિવ્યૂ અને જાહેર પરામર્શની શરૂઆત કરીને ક્રીમેટોરીઆ-સ્મશાનગૃહોની અપૂરતી સવલતોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પહેલનું સમાજના અગ્રણીઓના વ્યાપક ફલક દ્વારા સ્વાગત કરાયું હતું. આ રિવ્યૂની જાહેરાત થવા સમયે જ જુલાઈ ૨૦૧૫માં એશિયન વોઈસમાં મારી ઓપિનિયન કોલમ પ્રસિદ્ધ થઈ હતી જેમાં, પરિસ્થિતિના સંદર્ભે નિમ્નલિખિત આશાઓ અને ચિંતા વ્યક્ત કરાઈ હતી. આના કેટલાક અવતરણો જોઈએઃ
• ‘ આખરે આ બહુચર્ચિત મુદ્દાને માત્ર ચર્ચાના તબક્કેથી શ્રેણીબદ્ધ નક્કર ભલામણો અને પ્રાપ્યતાના તબક્કે પહોંચાડવાની અનોખી તક છે.’ ;
• ‘આ જટિલ વિષય અનેક વિવિધ હિસ્સેદાર-સ્ટેકહોલ્ડર્સ, વપરાશકારો અને પ્રોવાઈડર્સ સુધી પ્રસરેલો છે અને સ્થાનિક સરકારી નોકરશાહી અને પ્લાનિંગ કાયદાઓની માયાજાળમાં તેને સરળતાથી ફંગોળી શકાય છે.’ ;
• ‘કેટલાક ‘પ્રારંભિક’ પ્રોજેક્ટ્સની ઓળખ કરીએ જેને ઝડપી બનાવી શકાય અને ઝડપી વાસ્તવિક પરિણામો મેળવી શકાય, જેના નમૂનાઓથી અન્યત્ર તેમનું પુનરાવર્તન તેમજ સુધારાવધારા અમલી બનાવી શકાય’; અને
• ‘હિન્દુ, શીખ અને જૈનોની મુક્ય વસ્તી ધરાવતા વિસ્તારોમાં અભૂતપૂર્વ માગ હોવાં છતાં અત્યાર સુધી આ મુદ્દાનું નિરાકરણ શા માટે લાવી શકાયું નથી તે સમજવા માટે આત્મચિંતન અને આગ્રહી બનવાની જરૂર છે.’
આ દરમિયાન, ક્રીમેટોરીઆ-સ્મશાનગૃહોની સમીક્ષાની વાત અનુપમ મિશનના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય સાહેબજી પાસે પહોંચી અને તેમને લાગ્યું કે તેમની પોતાની સંસ્થાએ બકિંગહામશાયરમાં વિશાળ ૧૫ એકરની જમીનનો લાભ લઈ આવો પ્રોજેક્ટ વિકસાવવાની તપાસ કરવી જોઈએ.
અનુપમ મિશને વૈદિક પરંપરાઓ અનુસાર મંદિર સંકુલની બાજુમાં ક્રીમેટોરીઆ-સ્મશાનગૃહ બાંધી શકાય તે કેમ તેનું ઝીણવટભર્યું સંશોધન હાથ ધરવાની સાથોસાથ ગ્રીન બેલ્ટ જમીન પર આમ કરવાની શક્યતા ચકાસવાની શરૂઆત પણ કરી હતી. ટ્રસ્ટીઓએ ‘AUM Crematorium’ નામ સાથે યોગ્ય યોજનાઓ પર કામ કરવા આર્કિટેક્ટ્સ અને કન્સલ્ટન્ટ્સની પ્રોફેશનલ ટીમ પણ એકત્ર કરી હતી.
બરહ્મિંગહામ કાઉન્સિલના પ્લનિંગ ઓફિસરો દ્વારા તેમને રચનાત્મક સહયોગ મળવાથી તેઓ પ્રોત્સાહિત થયા હતા. સમયાંતરે એક યોજના ઘડાઈ હતી જેની અધિકારીઓએ ભલામણ પણ કરી અને સપ્ટેમ્બર ૨૦૨૦માં તેને સાઉથ બકિંગહામશાયર એરિયા પ્લાનિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી. આ બધી ચર્ચાવિચારણાઓમાં સક્રિય ભાગ લીધો હતો ત્યારે ચૂંટાયેલા કાઉન્સિલરો તેમના જ પ્રોફેશનલ્સની સલાહને ફગાવી દે તે જોવાનું ભારે નિરાશાજનક બન્યું હતું. પાંચ વર્ષ અગાઉની ‘સ્થાનિક સરકારી નોકરશાહી અને પ્લાનિંગ કાયદાઓ’ સંબંધિત મારી ચિંતા દુર્ભાગ્યે સાચી પડી હતી.
આ તબક્કે ઘણા લોકોએ કામ પડતું મૂક્યું હોત પરંતુ,સતીશ ચટવાનીની આગેવાની હેઠળ અનુપમ મિશન યુકેના ટ્રસ્ટીઓએ ધીરજ રાખી અને પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટ સમક્ષ અપીલ કરી અને કેસની રજૂઆત કરવા આ ક્ષેત્રના નિષ્ણાત બેરિસ્ટર પીટર ગોટલી QCને નિયુક્ત કર્યા. મારા પાર્લામેન્ટરી સાથીઓ સાંસદો બોબ બ્લેકમેન અને જોય મોરિસ્સી જુલાઈ ૨૦૨૧માં શરૂ થનારી પ્લાનિંગ ઈન્ક્વાયરીની પહેલા મે ૨૦૨૧માં ડેનહામમાં બ્રીફિંગમાં સામેલ થયા હતા. પબ્લિક ઈન્ક્વાયરીના આરંભે, હિન્દુ કોમ્યુનિટી વતી બોબ બ્લેકમેન અને મેં રજૂઆતો કરી હતી.
ગત સપ્તાહે પ્રસિદ્ધ કરાયેલા પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટના આખરી નિર્ણયમાં અનેક મોરચા પર સાચી સફળતાનું દર્શન થાય છેઃ
સૌપ્રથમ તો, નોર્થ વેસ્ટ લંડન તેમજ યુકેમાં હિન્દુઓની નોંધપાત્ર વસ્તી ધરાવતા આસપાસની કાઉન્ટીઝના વિશાળ કેચમેન્ટ એરિયાને આવરી લેતાં પ્રોજેક્ટ માટે તે પરવાનગી આપે છે;
બીજી બાબત એ છે કે પ્લાનિંગ ઈન્સ્પેક્ટર હિન્દુ કોમ્યુનિટીની પરિપૂર્ણ નહિ થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા આ અતિ વિશિષ્ટ સંજોગોની નોંધ લે છે તેમજ આ દૃષ્ટાંત કે ઉદાહરણથી હિન્દુ, શીખ અને જૈનોની વ્યાપક વસ્તી સાથેના વિસ્તારોમાં અન્ય સવલતોની વિચારણા કરી શકાય તેવી આશા આપે છે. સરકારે ૨૦૧૫માં જે રીવ્યૂ કાર્યાન્વિત કર્યું હતું તેણે આ મુલ્યાંકનને સમર્થન આપતો પુરાવારુપ આધાર તૈયાર કર્યો હતો અને જાહેર પરામર્શનો પ્રતિભાવ આપવો શા માટે મહત્ત્વપૂર્ણ નાગરિક ફરજ છે તેને દર્શાવે છે; અને ત્રીજી બાબત એ છે કે પ્લાનિંગ ઈન્સ્પેક્ટરે નોંધ્યું છે કે પબ્લિક સેક્ટર ઈક્વલિટી ડ્યૂટી (ઈક્વલિટી એક્ટ ૨૦૧૦ હેઠળ)નું પાલન કરાયું નથી અને તેને ગણનાપાત્ર મહત્ત્વ આપવું જોઈએ.
આના પરિણામે, સૌથી વધુ ભારતીય વસ્તી ધરાવતા લંડનના બે બરોઝ- બ્રેન્ટ અને હેરો દ્વારા તેમના જ વિસ્તારોમાં કોઈ ક્રીમેટોરીઆ સવલતો આપવા તરફ દુર્લક્ષ સેવાય છે અને પડોશના બરોઝની સવલતો પર આધાર રખાય છે તેવી સંપૂર્ણ ભૂલભરેલી પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે નિખાલસપણે કહીએ તો, આપણી કોમ્યુનિટી દ્વારા ઘણા લાંબા સમયથી કોઈ પણ ઓથોરિટીને પૂરતી રીતે ઉત્તરદાયી ગણાવાતી નથી.
ભવિષ્ય તરફ નજર માંડીએ તો, આ પ્રોજેક્ટ સીમાચિહ્નરુપ પરવાનગીને સહકારી પ્રયાસ બનાવવા માટે હિન્દુ કોમ્યુનિટીના વિવિધ સંગઠનો-સંસ્થાઓ એકજૂટ બને તેવી તક પણ પૂરી પાડે છે.
કોવિડ મહામારીએ વૃદ્ધ બની રહેલા અને બહુસાંસ્કૃતિક સમાજ માટે પૂરતાં સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાકીદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. મૃત્યુ સમયે દરેક વ્યક્તિ અને તેમના શોકાતુર પરિવારજનો અને મિત્રો માટે પોતાના ધર્મ-આસ્થા અને માન્યતાઓને સુસંગત ગૌરવપૂર્ણ આખરી વિદાય આપવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય તેમ કરવા બંધાયેલા છીએ.
હિન્દુઓ માટે વિશેષ હેતુસર નિર્મિત ક્રિમેટોરિયમ આ પાયારુપ પરંતુ, તલસ્પર્શી માનવીય જરૂરિયાતને પહોંચી વળવા મહત્ત્વપૂર્ણ પાસું બની રહેશે.


comments powered by Disqus