વિશ્વનું એક માત્ર ધૂર્ત અને ખંધિયુ રાષ્ટ્ર ચીન ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ની હાલત અનુભવી રહ્યું છે. કોવિડ મહામારીના કારણે અનેક દેશો દેવાના ભારે બોજા હેઠળ આવી ગયા છે ત્યારે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવથી આ દેશોની હાલત વધુ ખરાબ થઈ રહી છે. ચીન દ્વારા આ દેશોને અંદાજે ૩૮૫ બિલિયન ડોલરની લોન ધીરવામાં આવી છે અને એક રિપોર્ટ અનુસાર ૪૪ દેશોનું કરજ તેમના જીડીપીના ૧૦ ટકાથી પણ વધી ગયું છે.
વિશ્વના નાના દેશો વિકાસના નામે ચીનના દેવાંમાં ફસાઈ ગયા છે પરંતુ, ચીનની હાલત પણ સારી નથી. ચીનનું બાહ્ય દેવું ૧૩,૦૦૦ બિલિયન ડોલરથી પણ વધુ છે જેમાં અન્ય દેશોને કરેલી ખેરાતનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાન દેવાળું ફૂંકવાની હાલતના કારણે ચીનના દેવાના કળણમાં ધસી રહ્યું છે. ૨૦૨૦ના નાણાકીય વર્ષના અંતે પાકિસ્તાનનું કુલ બાહ્ય દેવું અને જવાબદારીઓ ૧૧૨.ચ૮ બિલિયન ડોલરના આંકે પહોંચી ગઈ છે જેમાંથી મોટો હિસ્સો ચીનનો છે. બીજી તરફ,પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ચીનના મલ્ટિ-બિલિયન ડોલરના ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોના સામૂહિક સ્થળાંતર, જીવનનિર્વાહનો અભાવ તથા પાયાની જરૂરિયાતોની તંગીના કારણોસરના વિરોધથી ૬૦ બિલિયન ડોલરના ખર્ચની ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર યોજનામાં અવરોધ સર્જાયો છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ હેઠળના મહત્ત્વાકાંક્ષી ગ્વાદર પોર્ટ પ્રોજેક્ટને પણ આ અસંતોષની અસર થઈ છે. .
આવી જ પરિસ્થિતિ ભારતના અન્ય પડોશી રાષ્ટ્ર શ્રીલંકા સાથે સર્જાઈ છે. ’શ્રીલંકાએ તેનું હંબનટોટા બંદર વિકસાવવા ચીન સાથે ૨૦૧૭માં કરાર કર્યો હતો. ચીનની કંપનીએ આ પોર્ટમાં ૧.૧૨ બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. હવે ચીન તાલિબાન શાસન હેઠળના અફઘાનિસ્તાનના વિકાસના નામે આર્થિક સહાય આપી પગદંડો જમાવવા ચાલ્યું છે.
અમેરિકા સાથે વેપારયુદ્ધના નામે ચીને વિશ્વ વ્યાપાર બજાર પર કબજો કરવાનો ખંધો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેની ચાલ ઉંધી પડી છે. ઓસ્ટ્રેલિયા સાથે રાજકીય વિવાદ ઘેરો થતાં ચીને કોલસા આયાત બંધ કરી ઇન્ડોનેશિયા પાસેથી બમણી કિંમતે કોલસાની ખરીદી કરવાથી તેના અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે અને હવે તે મંદી તરફ સરકવા લાગ્યું છે.
