ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે

Wednesday 22nd December 2021 05:26 EST
 

કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર માટે લોકોની ઈચ્છા સર્વોપરી રહે છે અને લોકો પોતાની આ ઈચ્છા ચૂંટણીમાં મતદાન થકી વ્યક્ત કરે છે. આગામી વર્ષની શરૂઆતમાં ભારતના પાંચ રાજ્યો - ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના રાજકીય નગારાઓ વાગી રહ્યા છે અને પ્રચારનો આરંભ પણ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પંજાબ સિવાયના તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ સંજોગોમાં પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી દેશ અને રાજકીય પક્ષો માટે મહત્ત્વપૂર્ણ બની રહેવાની છે.
કોઈ પણ પક્ષ માટે કેન્દ્રમાં સરકાર રચવા ઉત્તર પ્રદેશમાં વધુ બેઠકો મેળવવી મહત્ત્વની ગણાય છે કારણકે ઉત્તર પ્રદેશ ૪૦૩ બેઠક ધરાવે છે. વિધાનસભા બેઠકો પર કાબુના આધારે લોકસભાની બેઠકો પણ જીતાતી હોય છે. ભાજપની યોગી આદિત્યનાથ સરકાર ઉત્તર પ્રદેશમાં સત્તા પર છે. કાશી વિશ્વનાથ કોરીડોરનું નિર્માણ ભાજપ માટે નવી લહેર ઉભી કરી શકે તેમ છે. સમાજવાદી પાર્ટીના મુલાયમપુત્ર અખિલેશ યાદવ તેમજ બહુજન સમાજ પાર્ટીના માયાવતી સરકાર રચવાની રેસમાં છે પરંતુ, તેમનો ઘોડો જીતે તેવા કોઈ ચિહ્ન અત્યારે જણાતા નથી. બીજી તરફ, કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવાં છતાં રાજ્યમાં તદ્દન હાંસિયા પર છે.
પંજાબમાં હાલમાં જ કિસાન આંદોલન સમાપ્ત થયું છે ત્યારે પાક લણી લેવા કોંગ્રેસ, આપ અને ભાજપે બીડું ઝડપ્યું છે. કોંગ્રેસની નેતાગીરી નબળી છે ત્યારે તેમાંથી અલગ થયેલા કેપ્ટન અમરિન્દર સિંહે ભાજપ સાથે હાથ મિલાવી લીધો છે. કિસાન આંદોલનના વિજયની વરમાળ પહેરી લેવા વિપક્ષ સજ્જ અવશ્ય છે પરંતુ, સત્તાની માળા કોણ પહેરશે તેની ભાંજગડમાંથી નેતાઓ ઊંચે આવી શકતા નથી.
દર વખતે ચૂંટણી આવે ત્યારે વિપક્ષી એકતાનો બૂંગિયો ફૂંકાતો હોય છે અને નવા સમીકરણો રચાતા હોય છે. આ સંદર્ભે દિવંગત વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ વિપક્ષને નારંગી સાથે સરખાવ્યો હતો જેની પેશીઓ ગમે ત્યારે છૂટી પડી શકે છે. આજે પણ માયાવતી, અખિલેશ, કેજરીવાલ, મમતા બેનરજી અને શરદ પવાર વિપક્ષી એકતાના ગાણા ગાય છે પરંતુ, સાથે ઉભાં રહી શકતા નથી. કોંગ્રેસ માટે ‘એકલો જાને રે’ ધ્રૂવપંક્તિ બની ગઈ છે ત્યારે લોકોની નાડ પારખીને આગળ વધતો ભારતીય જનતા પક્ષ વિજય મેળવી જાય છે.


comments powered by Disqus