કુઆલાલુમ્પુર: મલેશિયામાં ભારે વરસાદના કારણે ભીષણ પૂર આવ્યું છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે, આ પૂર રાય વાવાઝોડાના કારણે આવ્યું છે. અહીં ૧૬થી વધુ રાજ્યમાં શનિવારે વિવિધ નદીઓ, બંધ, જળાશયોમાં પાણીનું સ્તર ખતરનાક સ્તરે વધી ગયું હતું. તેનાથી આગામી દિવોસમાં સ્થિતિ બગડી શકે છે. આ પૂરના કારણે અત્યાર સુધી ૩૦ હજાર લોકો બેઘર થઈ ગયા છે. અહીંનો સૌથી પૂર પ્રભાવિત રાજ્ય મલેશિયાનું સૌથી ધનવાન રાજ્ય સેલાંગોર છે. અહીં ૧૦ હજારથી વધુ લોકોએ સુરક્ષિત સ્થળે જવું પડ્યું છે.
વડાપ્રધાન ઈસ્માઈલ સાબરી યાકુબે કહ્યું છે કે, પૂરમાં ફસાયેલા લોકોને આશ્રય સ્થળો સુધી પહોંચાડવા માટે પોલીસ, સેના અને ફાયર બ્રિગેડ વિભાગના ૬૫ હજારથી વધુ જવાનો દેશભરમાં કામ કરી રહ્યા છે. આ પહેલા ક્યારેય ડિસેમ્બરમાં આવું પૂર આવ્યું નથી. શહેરના અનેક હાઈ-વે બીજા શહેરોથી કપાઈ ગયા છે, જેથી બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. દેશના બંદરો, ટ્રેન સેવા પણ જળમગ્ન હોવાથી કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.

