મસૂદ જેવા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં પાકિસ્તાન નિષ્ફળ

Tuesday 21st December 2021 15:23 EST
 

નવીદિલ્હીઃ ભારત વિશ્વના તમામ મંચ પરથી આતંકવાદને આશરો આપી રહેલા પકિસ્તાનને બેનકાબ કરી રહ્યું છે. હવે અમેરિકાએ પણ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. અમેરિકી વિદેશ વિભાગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં કોઈ રુચિ નથી દાખવી. મસૂદ અઝહર જેવા આતંકવાદી નેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં પાકિસ્તાને કોઈ પગલાં નથી લીધા. ઉલ્લેખનીય છે કે મુંબઇની તાજ હોટેલ પર થયેલા હુમલાનો સૂત્રધાર મસૂદ અઝહર હતો.
‘કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ ૨૦૨૦’નામે બહાર પાડેલા અહેવાલમાં અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું છે કે પાકિસ્તાને જોકે ત્રાસવાદીઓને મળી રહેલા નાણાકીય ભંડોળ વિરુદ્ધ પગલાં લીધા છે અને આતંકવાદી સમૂહોને ભારત પર હુમલો કરતાં રોકી પણ દીધા છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર થયેલા આતંકવાદી અને વર્ષ ૨૦૦૮માં મુંબઇ પર થયેલા હુમલાના સૂત્રધાર મસૂદ અઝહર અને સાજિદ મીર વિરુદ્ધ કાર્યવાહી નથી કરી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને લશ્કર-એ-તોઇબાના સંસ્થાપક હાફિઝ સઇદ અને સંગઠનના જ અન્ય ચાર નેતાઓને ત્રાસવાદને નાણાકીય સહાય આપ્યાના કેસમાં દોષિત ઠેરવવા જેવા કેટલાક હકારાત્મ પગલાં લીધા છે. પાકિસ્તાને વર્ષ ૨૦૨૦માં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે સૂચવેલા એક્શન પ્લાનનો અમલ કરવામાં પ્રગતિ પણ સાધી છે. પરંતુ સૂચવેલા તમામ પગલાં ના લીધા હોવાથી પાકિસ્તાન હજી ગ્રે લિસ્ટમાં છે.


comments powered by Disqus