‘વસુધૈવ કુટુમ્બકમ’ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ સૂત્ર હજારો વર્ષોથી ભારતના આધ્યાત્મિક વારસાનો મુદ્રાલેખ બની રહ્યું છે.
પોલેન્ડ અને ભારત વચ્ચે મહારાજાનું સેતુબંધન
પોલીશ હિસ્ટરી મ્યુઝિયમ અનુસાર દ્વિતીય વિશ્વ યુદ્ધમાં પોલેન્ડ લેનિનના રશિયા અને હિટલરના જર્મની વચ્ચે ફસાયું ત્યારે સેંકડો પોલીશ બાળકો અનાથ બની ગયાં હતાં. ભારતના ગુજરાતના જામનગર નજીક નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહજી રણજિતસિંહે તેમને આશરાની ઓફર કરી હતી. બે વર્ષથી માંડી ૧૭ વર્ષ સુધીની વયના જ્યુઈશ સહિત આશરે ૬૦૦ બાળકોએ ૧૯૪૨માં સાઈબેરિયાથી જોખમી યાત્રા આરંભી હતી. ઈરાનથી બ્રિટિશ શાસન હેઠળના મુંબઈ સહિતના તમામ બંદરોએ પ્રવેશનો ઈનકાર કરાયા પછી તેઓ નવાનગર પહોંચ્યાં ત્યારે મહારાજાએ તેમને આવકારીને કહ્યું, ‘હવે તમે અનાથ નથી. હવેથી તમે નવાનગરવાસી છો અને હું તમામ નવાનગરવાસીનો બાપુ (પિતા) છું. આથી, હું તમારો પણ પિતા છું.’
આ બાળકોને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપરાંત, સ્પોર્ટ્સ સહિત અનેક પ્રવૃત્તિઓ પૂરી પડાઈ હતી. ટાટા જેવા બિઝનેસીસ અને ઘણા પરગજુ લોકોએ બાળકલ્યાણ માટે ૬૦૦,૦૦૦થી વધુ રુપિયા એકત્ર કર્યા હતા. બાળકોની આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરવા ચેપલ અને કેથોલિક પાદરીની વ્યવસ્થા સાથે તેમના સાંસ્કૃતિક વારસાને શીખવવા ખાસ જહેમત લેવાઈ હતી.
સેંકડો બાળકોની જીવનરક્ષાની ઘટના ભારતના ઈતિહાસમાં અતિ સન્માનિત પ્રકરણ છે. પોલીશ સરકારે મહારાજા દિગ્વિજયસિંહજીને રિપબ્લિક ઓફ પોલેન્ડનો ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ મરણોત્તર એનાયત કરી સન્માન દર્શાવ્યું હતું. પોલેન્ડના વોર્સોના એક ચોકને મહારાજાનું નામ અપાયું હતું તેમજ વોર્સોના ઓશિતા વિસ્તારમાં નાનો પાર્ક પણ ‘સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા’ નામથી ઓળખાય છે. વોર્સોના ધ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા બેડનાર્સ્કા અને બાસ્ઝીનાસ્કા સ્ટ્રીટમાં સંચાલિત શાળાઓમાં ભારતમાં રહી આવેલા શરણાર્થી બાળકોની યાદમાં ભારતીય કળા અને હાથબનાવટના નમૂનાઓ રખાયા છે. આ શાળા શહેરમાં શરણાર્થીઓને નિઃશુલ્ક ભોજન પણ પુરું પાડે છે.
આ ઉપરાંત, ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર નજીક વાલિવેડમાં વૃદ્ધો માટે નિર્વાસિત સેન્ટર ખોલાયું હતું. ૧૯૪૨-૧૯૪૮ના ગાળામાં ૫,૦૦૦ પોલીશ શરણાર્થીઓ ઉપરાંત, વિવિધ રાષ્ટ્રીયતાના આશરે ૨૦,૦૦૦ શરણાર્થીઓ આ કેન્દ્રમાં આવ્યા હતા.
ઈરાનથી દમનગ્રસ્ત ઝોરોસ્ટ્રીઅન્સને ભારતમાં આવકાર
લગભગ ૮મી સદીના ગાળામાં ઈરાનમાં ધાર્મિક દમન-અત્યાચારનો ભોગ બનેલી ઝોરોસ્ટ્રીઅન (પારસી) કોમ્યુનિટીના લોકો ભારતના ગુજરાતમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. સ્થાનિક રાજાએ તેમને પોતાનો ધર્મ પાળવાની સંપૂર્ણ છૂટ આપી હતી. તેઓ આશરે ૧૩ સદીથી ભારતમાં વસી સંપૂર્ણ સ્વતંત્રતા સાથે પોતાનો ધર્મ પાળી રહ્યા છે અને બહુમતી હિન્દુઓ તરફથી તેમના પ્રત્યે કોઈ દ્વેષ અથવા ઘૃણા દર્શાવાઈ નથી. ઉદ્યોગોના અગ્રણી તરીકે સૌથી સફળ સમુદાય પારસીઓએ દેશના કેટલાક સૌથી શક્તિશાળી પદ પર વિશિષ્ટ ભૂમિકા પણ ભજવી છે.
ભારતના કેટલાક મહાન પારસીઓનો પરિચય
૧. પારસીઓમાં સૌથી અગ્રગણ્ય નામ ઈન્ડસ્ટ્રિઆલિસ્ટ માંધાતા ટાટાનું છે. બ્રિટનમાં પણ સ્ટીલ ઈન્ડસ્ટ્રી અને જેગુઆરના માલિક તરીકે તેઓ સૌથી મોટા એમ્પ્લોયર્સમાં એક છે. ગ્લોબલ IT સર્વિસીસ કન્સલ્ટન્સી અને બિઝનેસ સોલ્યુશન્સ ફર્મ ટાટા કન્સલ્ટન્સીને ૨૦૨૦માં યુકેમાં સર્વોચ્ચ એમ્પ્લોયર જાહેર કરાઈ હતી.
૨. હોમી જહાંગીર ભાભા ભારતના ન્યુક્લીઅર પ્રોગ્રામના પિતામહ હતા.
૩. ડો. હોમી સેઠના ભારતના પ્રથમ અણુવિસ્ફોટ સાધનના વિકાસમાં માર્ગદર્શક હતા.
૪. ફિલ્ડ માર્શલ સામ હોરમસજી ફરામજી જમશેદજી માણેકશા પાકિસ્તાન સાથે ૧૯૭૧ના યુદ્ધમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. તેઓ ફિલ્ડ માર્શલની રેન્કનું પ્રમોશન મેળવનારા સૌપ્રથમ ભારતીય લશ્કરી ઓફિસર હતા.
૫. ડો. સાયરસ પૂનાવાલા ઈન્ડસ્ટ્રિઆલિસ્ટ,ફાર્માકોલોજિસ્ટ અને સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સ્થાપક છે. ૧૯૬૬માં સ્થાપિત SII હાલ વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદિત અને વેચાયેલા (૧.૫ બિલિયન ડોઝથી વધુ) વેક્સિનની સૌથી મોટી ઉત્પાદક છે. મોટા ભાગના વિકાસશીલ દેશો માટે ભારત આવશ્યક મેડિસીન્સનું મુખ્ય સપ્લાયર છે. ભારતે લગભગ ૩૭ દેશને નિઃશુલ્ક કોરોના વાઈરસ વેક્સિનેશન્સ પૂરાં પાડ્યાં છે.
૬. ભીખાઈજી રુસ્તમ કામા અથવા મેડમ કામા ભારતની આઝાદીની લડતમાં અગ્રણી વ્યક્તિત્વ હતાં. તેઓ લંડનમાં વીર સાવરકર, લાલા હરદયાલ અને શ્યામજી કૃષ્ણવર્મા જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં હતાં. તેઓ ૧૯૦૯માં પેરિસમાં લાલા હરદયાલ સાથે મળી ક્રાંતિકારી અખબાર ‘બંદે માતરમ’ને લોન્ચ કર્યું હતું. જર્મનીના સ્ટુટગાર્ટમાં ૧૯૦૭ની ૨૧ ઓગસ્ટે તેઓ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ સોશિયાલિસ્ટમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવનારાં પ્રથમ ભારતીય હતાં.
૭. દાદાભાઈ નવરોજી યુકેમાં પ્રથમ ભારતીય MP હતા જેઓ ૧૮૯૨માં સેન્ટ્રલ ફિન્ચલે માટે લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ભારતની સ્વતંત્રતા માટે ઝનૂનપૂર્વકની લડત ચલાવનારા દાદાભાઈ ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાયા હતા. તેઓ ૧૮૫૬થી ૧૮૬૫ના ગાળામાં યુનિવર્સિટી કોલેજ લંડનમાં ગુજરાતીના પ્રોફેસર પણ હતા!
ભારતીય સમાજમાં ઘણા પારસી મહાનુભાવ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતની આશરે ૧.૨ બિલિયનની વસ્તીમાં પારસીઓની સંખ્યા માત્ર ૬૧,૦૦૦ જેટલી જ છે! પારસી કોમ્યુનિટીની સિદ્ધિઓ અતુલનીય છે. દેશના ડાબેરી મીડિયા, તથાકથિત ઉદારવાદીઓ અને પૂર્વગ્રહિત ભારતીય વિદ્વાનો પણ બહુમતી હિન્દુ વસ્તીએ પારસી કોમ્યુનિટીને ભારતીય સમાજના અવિભાજ્ય અંગ બનાવ્યાની હકીકત નકારી શકે તેમ નથી. માત્ર મુંબઈમાં જ આશરે એક હજાર ચેરિટી સંસ્થા સાથે પારસી કોમ્યુનિટી પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ અગ્રણી છે. ભારતમાં દાયકાઓથી પારસીઓની વસ્તી ઘટી રહી છે ત્યારે ભારત સરકારે ૨૦૦૫માં વસ્તીવૃદ્ધિ માટે ઓપરેશન જિયો પારસી હેઠળ ૧૦ મિલિયન રૂપિયા ફાળવ્યા હતા.
ભારતમાં યહુદી સમુદાયની હાજરી
ભારતમાં લગભગ ૨૦૦૦ વર્ષથી જ્યુઈશ-યહુદી સમુદાય વસે છે. યહુદીઓ સ્વીકારે છે કે તેમને ભારતમાં કદી દમનનો સામનો કરવો પડ્યો નથી. પારસીઓની માફક યહુદીઓ પણ ભારતમાં વિશિષ્ઠ ભૂમિકા ભજવે છે.
બગદાદી યહુદી ડેવિડ સેમસન (૧૭૯૨-૧૮૬૪) અને તેમનો પરિવાર ભારતમાં સૌથી મોટા મિલમાલિક હતા. મુંબઈમાં તેમની આશરે ૧૭ મિલ હતી. તેમના બિઝનેસ પ્રત્યક્ષ કે પરોક્ષપણે મુંબઈના અડધોઅડધ પરિવારોને ટેકારુપ હતા. પરોપકારમાં અગ્રણી પરિવારે ગેટવે ઓફ ઈન્ડિયા અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના નિર્માણમાં યોગદાન આપ્યું હતું.
લેફ્ટનન્ટ જેએફઆર જેકોબ પણ બગદાદી યહુદી હતા અને ભારતીય આર્મીના ઈસ્ટ કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ તેમજ ગોવા અને પંજાબના ગવર્નર પણ હતા. પાકિસ્તાન સામે ૧૯૭૧ના યુદ્ધમાં બાંગલાદેશના ઢાકામાં પાકિસ્તાની દળોની શરણાગતિમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. ઈઝરાયેલના પૂર્વ પ્રમુખ શિમોન પેરેઝે ૨૦૦૯માં ઈઝરાયેલના નાગરિકત્વની ઓફર કરી ત્યારે જનરલ જેકોબે ઉત્તર આપ્યો હતો કે,‘હું ભારતનો સપૂત છું. હું ભારતની ધરતી પર જ મરીશ, મેં મારા દેશની સેવા કરી છે.’ ઈઝરાયેલે જનરલ જેકોબને એમ્યુનિશન હિલ વોલ ઓફ ઓનર ખાતે તક્તીથી સન્માનિત કર્યા હતા.
વાઈસ એડમિરલ બેન્જામિન અબ્રાહમ સેમસન ભારતીય નેવીના એડમિરલ ફ્લેગ ઓફિસર અને ભારતીય નૌકાકાફલાના કમાન્ડર હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમીના કમાન્ડન્ટ તરીકે સેવા આપનારા પ્રથમ નેવલ ઓફિસર હતા.
તેમની પુત્રી લીલા સેમસન ભરતનાટ્યમ નૃત્યાંગના, કોરિયોગ્રાફર, ઈન્સ્ટ્રક્ટર, લેખક અને એક્ટર તેમજ સંગીત નાટક અકાદમી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (૨૦૧૧)ના ચેરપર્સન હતાં. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીકના ઘણા એક્ટર્સ યહુદી હતા.
બહાઈ સમુદાય
ઈરાનમાં કનડગતના શિકાર બહાઈ સમુદાયને ભારતમાં સલામત સ્વર્ગ સાંપડ્યું છે. હિલ્હીની મધ્યમાં આવેલું બહાઈ લોટસ ટેમ્પલ પર્યટકો માટે આકર્ષણનું સ્થળ છે.
ભારતમાં તિબેટિયન બૌદ્ધોનો સમુદાય
ચીને ૧૯૫૯માં તિબેટ પર આક્રમણ કર્યા પછી તિબેટવાસીઓને ભારતમાં સલામત સ્વર્ગ સાંપડ્યું છે. આશરે ૧૦૦,૦૦૦ તિબેટિયનો ભારતમાં વસે છે અને સંપૂર્ણ આઝાદી સાથે પોતાનો ધર્મ પાળી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખે છે. કર્ણાટકના માયસોર જિલ્લાના બાયલાકુપ્પેમાં ભારતની સૌથી મોટી તિબેટિયન વસાહત બાયલાકુપ્પે તિબેટન સેટલમેન્ટ (BTS) ૩૦૦૦ એકર જમીનમાં ફેલાયેલી છે. હિમાચલ પ્રદેશના ધરમસાલામાં કોમ્યુનિટીનું વડુ મથક ધરાવતા દલાઈ લામા તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ છે. પોતાને ભારતના પુત્ર ગણાવતા દલાઈ લામા કહે છે કે ભારતમાં ધાર્મિક સંવાદિતા નોંધપાત્ર છે અને તેઓ હજારો વર્ષથી અનુસરાતા ભારતીય મૂલ્યો અહિંસા અને કરુણાનો પ્રસાર કરી રહ્યા છે.
તાળી પાડવામાં બે હાથની જરૂર રહે છે. લઘુમતીએ બહુમતીની લાક્ષણિકતાને આદર આપવો જોઈએ અને જે દેશમાં આવકાર મળે તેને વફાદાર રહેવું જોઈએ. ઘણી વખત લઘુમતી સમુદાય અતાર્કિક, ધમકીપૂર્ણ અને હિંસકવૃત્તિ દાખવે છે. ડાબેરી રાજકારણીઓ, લેખકો અને વિદ્વાનો દેશની મૂળ પ્રજાના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાને નકારી કોઈ પણ પરિસ્થિતિમાં લઘુમતીના બચાવમાં કૂદી પડે છે જે આખરે લઘુમતીઓના વિકાસમાં મોટો અવરોધ બની રહે છે.

