સ્વયંશિસ્ત જાળવવાનો સમય

Wednesday 22nd December 2021 05:27 EST
 

લંડનનું પાર્લામેન્ટ સ્ક્વેર વિરોધ પ્રદર્શનો અને દેખાવોનો પર્યાય બની ગયેલ છે. એક તરફ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ વધી રહ્યો છે દેખાવોની જાણે મોસમ આવી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ક્રિસમસને અનુલક્ષી નિયંત્રણો લાદ્યા નથી તેને વિરોધીઓ પોતાનો વિજય ગણાવી શકે પરંતુ, વાસ્તવિકતા અલગ છે. તાજેતરમાં ખોટા નિર્ણયો અને કૌભાંડોની ભરમારથી ચોતરફે ઘેરાઈ ગયેલા જ્હોન્સનને સત્તા જાળવવી પડે તેમ છે. કન્ઝર્વેટિવ પાર્ટીના લઘુમતી પણ ન કહી શકાય તેટલી સંખ્યામાં સાંસદો કોવિડ નિયંત્રણો લાદવાનો વિરોધ કરી રહ્યા છે તેનો લાભ મળી રહ્યો છે.
હજારો લોકો વેક્સિન પાસપોર્ટ અને પ્લાન બી નિયમોના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેતાઓ કેવી રીતે ઉશ્કેરણી કરે છે તેનું ઉદાહરણ પૂર્વ લેબરનેતા જેરેમી કોર્બીનના ભાઈ પિયર્સ કોર્બીને આપ્યું છે જેમણે હજારો એન્ટિ-વેક્સિન દેખાવકારોને તેમના સાંસદોની ઓફિસીસ સળગાવી દેવાની ઉશ્કેરણી કરી હોવાનું કહેવાય છે. વેક્સિન લેવાનો વિરોધ કરનારા લોકોના કારણે ઓમિક્રોન વેરિએન્ટ વાઈરસથી સંક્રમણ વધતું હોય તે શંકાનો વિષય છે. આ વિરોધીઓ માસ્ક પહેરવાનો પણ વિરોધ કરે છે. સાચી વાત છે કે લોકશાહી છે. તમને અણગમતું નહિ કરવાનો અધિકાર છે પરંતુ, જ્યારે લાખો લોકોના જીવનના અધિકારની વાત આવતી હોય ત્યારે આવા એકલદોકલ જૂથોના અધિકારોને ક્યાં સુધી સાચવી રખાય તેવો પણ પ્રશ્ન છે.
આ વિરોધીઓથી વિપરીત કેટલાક બ્રિટિશરો એવા પણ છે જેઓ સ્વયંશિસ્તમાં માને છે. કોરોના કેસીસ વધી રહ્યા છે તેવું જણાતા જ આ લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા લેવાનું બંધ કરી ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે. ક્રિસમસની ઉજવણી માચે પબ્સ અને રેસ્ટોરાંમાં નહિ જઈએ તેમજ મિત્રો અને પરિવાર સાથે સંપર્ક ઘટાડીશું‘ એવો પણ મત એક સર્વેમાં વ્યક્ત કરાયો છે. ક્રિસમસની ઉજવણી સારી રીતે કરાવી જોઈએ તેમ બધા લોકો માનતા હોય છે પરંતુ, જાનના જોખમે આવી ઉજવણી કરી શકાય નહિ તે સમજવાની જરૂર છે. કોરોના મહામારીમાં આપણે ઉજવણીઓ કરવાનું જાણે ભૂલી જ ગયા હતા. ક્રિસમસ અને ઉજવણી આવતા વર્ષે પણ આવશે પરંતુ, જાન જશે તો ફરી નહિ. આવે તે ચોક્કસ છે.


comments powered by Disqus