યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવનારા નવા AUKUS (ઓસ્ટ્રેલિયાયુકેયુએસ) ડિફેન્સ સોદાની જાહેરાત કરાઈ છે જે અનુસાર યુકે અને યુએસ પરમાણુ સંચાલિત સબમરીન્સનો કાફલો તૈયાર કરવામાં ઓસ્ટ્રેલિયાને મદદ કરવાના છે. આ ત્રિપક્ષી ભાગીદારીનો હેતુ ઈન્ડો-પાસિફિક જળક્ષેત્રમાં શાંતિ અને શક્તિ સંતુલન જાળવી રાખવાનો છે. અમેરિકા માટે આ સમજૂતીનું મહત્ત્વ એટલા માટે પણ છે, જેથી ચીન સાથે વધતા તણાવની વચ્ચે તે પોતાની સૈન્યક્ષમતાને પણ મજબૂત કરી શકે.
ઓસ્ટ્રેલિયાને આઠ અણુ સબમરીનના નિર્માણમાં મદદ કરવા અને લોન્ગ રેન્જના ટોમહોક મિસાઈલ્સ પૂરા પાડવા અમેરિકાએ સંમતિ દર્શાવ્યા પછી ચીનની ભૂરાજકીય મહત્ત્વાકાંક્ષા સામે મજબૂત પડકાર ઉભો થયો છે. ઈન્ડો-પાસિફિક ઓશન ક્ષેત્ર માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકેની સુરક્ષા ભાગીદારીથી ચીનના પેટમાં સ્વાભાવિક રીતે જ તેલ રેડાયું છે. તેણે આ ત્રણ દેશોની ભાગીદારીને ‘શીતયુદ્ધની નવી માનસિકતા’ તરીકે ઓળખાવ્યું છે. અમેરિકી પ્રમુખ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના સંયુક્ત નિવેદન અનુસાર આ પાર્ટનરશિપના પ્રયાસો ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદ કરશે.
અત્યાર સુધી તો ઈન્ડો-પાસિફિક ક્ષેત્ર અને ખાસ કરીને તાઈવાન નજીકની જળસીમાઓમાં પ્રભુત્વ સ્થાપવામાં ચીનને સંભવતઃ અમેરિકા અને જાપાનના હસ્તક્ષેપનો સામનો કરવો પડે તેવી ગણતરી હતી પરંતુ, યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયાના નવા કરાર મુજબ હવે ઓસ્ટ્રેલિયા પણ આ ક્ષેત્રમાં નવી સત્તા તરીકે ઉભરી આવશે. ચીનને લાંબા સમયથી કોઈ શક્તિશાળી ગઠબંધનનો ડર હતો અને તેની રચના ન થાય તે માટેના કાવાદાવા સફળ થયા નથી. ચીનમાં માઓ ઝેડેન્ગ પછી સૌથી શક્તિશાળી નેતા શી જિનપિંગ તેમની પેઢીના સત્તાકાળમાં જ જરૂર પડે બળથી પણ તાઈવાન પર કબજો જમાવવા ઈચ્છુક છે ત્યારે ઓસ્ટ્રેલિયાને લશ્કરી તાકાત બક્ષતી આ નવી ત્રિરાશિ તેમને માફક આવે તેવી નથી. જોકે, ચીન વિરુદ્ધ સંયુક્ત મોરચો ખોલવાની પશ્ચિમી સત્તાઓની બાજીમાં ઘણા અવરોધો પણ છે. ફ્રાન્સે પોતાની પીઠમાં ખંજર ભોંકાયાની ફરિયાદ કરી છે. યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયાના સબમરીન સોદાથી ફ્રાન્સ ભારે નારાજ થયું છે અને તેણે યુએસ અને ઓસ્ટ્રેલિયામાંથી પોતાના રાજદૂતો પાછા બોલાવી લીધા છે અને યુએસ સાથેના સંબંધોની ઉજવણીનો ભવ્ય સમારંભ પણ રદ કરી નાખ્યો છે. આ સમારંભ ૧૭૮૧ની બેટલ ઓફ કેપ્સની ૨૪૦મી વર્ષગાંઠનો હતો જ્યારે ફ્રાન્સના નૌકાદળે અમેરિકી રિવોલ્યુશનરી વોર દરમિયાન બ્રિટનના રોયલ નેવી સામે યુદ્ધ કર્યું હતું. ફ્રાન્સને પેટમાં એ દુખ્યું છે કે તેનો ઓસ્ટ્રેલિયા સાથે ૯૦ બિલિયન ડોલરનો ૧૨ પરંપરાગત સબમરીનનો ખરીદસોદો રદ થઈ જાય છે અને તે યુકે અને યુએસના હાથમાં ચાલ્યો જાય છે. ઓસ્ટ્રેલિયાએ તેની કોલિન્સ કલાસની સબમરીન્સના સ્થાને નવા સબમરીન કાફલાના નિર્માણ માટે ફ્રેન્ચ શિપબિલ્ડર નેવલ ગ્રૂપની પસંદગી કરી હતી અને ૨૦૩૦થી ફ્રેન્ચ સબમરીન મળવાની શરૂ થવાની વકી હતી પરંતુ, નવા AUKUS ડિફેન્સ સોદા હેઠળ ઓસ્ટ્રેલિયા યુએસ ટેકનોલોજીના ઉપયોગથી અણુ સબમરીન કાફલો તૈયાર કરશે.
AUKUS ડિફેન્સ સોદાથી ન્યૂ ઝીલેન્ડ અને કેનેડા પણ નારાજ છે. યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયાની સાથે આ દેશો શીતયુદ્ધ કાળના ફાઈવ આઈઝ ઈન્ટેલિજન્સ એલાયન્સમાં સંકળાયેલા છે અને તેમને સાઈડલાઈન કરી દેવાયાનો રોષ છે. યુરોપીય યુનિયને પણ યુરોપીય મહત્ત્વનો આલાપ આરંભ્યો છે. જોકે, ચીનની વધતી લશ્કરી તાકાતથી અકળાયેલા તાઈવાન અને જાપાને આ ભાગીદારીને આવકારી છે.
ગત સપ્તાહે જ પ્રેસિડેન્ટ બાઈડને આમનેસામને મુલાકાતનું ચીનના પ્રમુખને સૂચન કર્યું હતું પરંતુ, વોશિંગ્ટને તણાવગ્રસ્ત સંબંધો સુધારવાના પગલાં જાહેર કરવા જરૂરી હોવાનું ચીને જણાવ્યું હતું. હવે ભાગીદારીથી સંબંધોમાં વધુ તણાવ આવવો નિશ્ચિત છે. બીજી તરફ, અમેરિકાએ ફ્રાન્સના મનામણા સાથે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરી દીધું છે. ચીન વિરુદ્ધ સંયુક્ત મોરચામાં બધા નાટો દેશોનો સહકાર મળી રહે તે આવશ્યક છે.