આદરણીય નટુભાઇને ૯૦મી બર્થડેની શુભેચ્છા પાઠવતા ગૌરવ અને આનંદ થાય છે. જૈન સમાજમાં એમણે ચારેક દાયકાથી આપેલ અણમોલ પ્રદાનની અનુમોદના કરવા શબ્દો ઝાંખા પડે. નવયુવાનને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવતા, નિત નવા સોપાનો સર કરતા સમાજને સદ્ગુણોથી સમૃધ્ધ કરવા થનગની રહેલા નટુભાઇનું જીવન એક મિસાલ છે, દીવાદાંડી સમાન છે. એમના વિષે કંઇપણ કહેવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે.
મૂળ ડાયમન્ડ નગરી પાલનપુરના વતની ડો. નટુભાઇએ મુંબઇ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી લઇ દસેક વર્ષ ત્યાં પ્રેક્ટીસ કરી. ૧૯૫૮માં સહધર્મચારિણી ભાનુબહેન સાથે યુ.કે. આવી લેસ્ટરમાં જી.પી.તરીકે પ્રેક્ટીસ કરી. દીકરો અને દિકરીના માતા-પિતા બન્યાં.
દરમિયાનમાં જૈન સમાજ યુરોપમાં સક્રિય બની લેસ્ટરમાં જૈનોના ચારેય ફિરકાને સમાવતા પ્રથમ કલાત્મક જૈન દહેરાસર બંધવામાં એમનો સિંહફાળો રહ્યો. જૈન એકેડેમી ઓફ અહિંસાની સ્થાપના કરી. જૈન ધર્મમાં Phdકર્યું. યુ.કે.ના ઉચ્ચ રાજદ્વારી સ્તરે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. લેસ્ટરની ડી-મોન્ટ ફોર્ટ યુનિવર્સિટીમાં જૈન સ્ટડીઝ શરૂ કરવામાં, લંડનની SOAS યુનિવર્સિટીમાં, મુંબઇ યુનિવર્સિટીમાં જૈન ચેર અને એન્ટવર્પમાં જૈન સ્ટડીઝ ડીપાર્ટમેન્ટ શરૂ કરવામાં એમનું અનુદાન ચિરસ્મરણીય રહેશે. જૈન ધર્મ વિષે દળદાર પુસ્તક World of Conqueorors, સહિત અનેક પુસ્તકોના તેઓશ્રી લેખક છે. ઇન્ટરફેઇથ સાથે પચીસેક વર્ષથી સંલગ્ન છે. બધા જ ધર્મો વચ્ચે સાહચર્ય સ્થપાય એ માટે હંમેશા પ્રવૃત્ત રહે છે.
નિવૃત્ત થયા બાદ લંડન આવી ગોલ્ડર્સ ગ્રીનમાં સ્થાયી થયા છે. અત્રે આવી દેશ-વિદેશમાં જૈન ધર્મના સિધ્ધાંતોના પ્રચાર-પ્રસાર અને એક સંસ્કારી-સુદ્રઢ સમાજનું સર્જન થાય એવી ઉમદા દ્રષ્ટિથી જૈન નેટવર્કની સ્થાપના કરી. નોર્થ લંડનના કોલીન્ડલમાં એક અદ્ભૂત સેન્ટર સાકાર થઇ રહ્યું છે જેના એ સ્થાપક અને CEO છે. આ સેન્ટર બનાવવાનો મુખ્ય હેતુ જૈનોના પૂજા સ્થાનક ઉપરાંત ધર્મના અભ્યાસનું મથક અને જૈન તેમજ વિશાળ કોમ્યુનિટીના શારીરિક તેમજ આધ્યાત્મિક ગુણવત્તા સુધારવા અને એકબીજા વચ્ચે મૈત્રીભાવ જાગે એ છે. આ સેન્ટર માટે તન-મન-ધનથી સેવા આપી યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે એ માટે એમને સલામ કરવી ઘટે!
એમની સામાજિક સેવાઓની કદર રૂપે વિવિધ એવોર્ડોથી સન્માનિત કરાયા છે જેમાં ૧૯૯૧માં અમેરિકન બાયોલોજીકલ ઇન્સ્ટીટ્યુટે "મેન ઓફ ધ યર" તરીકે ઘોષિત કર્યા હતા. ૨૦૦૧માં ભારતના વડાપ્રધાને "જૈન રત્ન" એવોર્ડથી નવાજ્યા હતા. અને બ્રિટનના મહારાણીએ જૈન સમાજ અને ઇન્ટરફેઇથ રીલેશન્સમાં આપી રહેલ સેવાઓની કદરરૂપે MBE એવોર્ડ એનાયત કર્યો હતો. ૨૦૧૪માં લંડન બરો ઓફ બારનેટનો સીવીક એવોર્ડ મળ્યો હતો. ઓરગન ડોનેશન ઝૂંબેશમાં ય સક્રિય અનુદાન આપી રહ્યા છે.
કવિ પ્રીતમે ક્હયું છે એમ, “હરિનો મારગ છે શૂરાનો...નહિ કાયરનું કામ જોને, માંહી પડ્યા તે મહાસુખ માણે..."જેમ નટુભાઇએ જૈન ધર્મની ધજા ફરકતી રાખવાનો તેમજ માનવતાનો, મૈત્રીનો સંદેશો ઘરેઘરમાં પહોંચાડવાનો ભેખ ધર્યો છે. સદ્કાર્યને સમર્પિત એવા નટુભાઇને ઉમરનો બાધ નડતો નથી.
જૈન નેટવર્કના ટેમ્પરરી જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે ગુરુવાર ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ની સમી સાંજે ડો.નટુભાઇની ૯૦મી જન્મ જયંતિનું શાનદાર આયોજન સંસ્થાની યુવા સ્પોર્ટસ ટીમે કર્યું હતું. એ પ્રસંગે અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. એમની ૯૦ વર્ષની જર્નીનું વીડીયો નિદર્શન, જૈન નેટવર્કના નેજા હેઠળ તૈયાર થઇ રહેલ ભવ્યાતિભવ્ય જૈન સેન્ટરના બાંધકામની વીડીયો અને અગ્રણીઓના વક્તવ્ય તેમજ સુમધુર સંગીત અને સ્વાદિષ્ટ ભોજન સહિતની એ સાંજ અવિસ્મરણીય બની ગઇ. ધન્ય છે એમની કર્તવ્યનિષ્ઠાને. નિષ્કામ સેવા વૃત્તિને!
નટુભાઇને જીનેશ્વર ભગવંત લાંબુ, તંદુરસ્તીભર્યું જીવન આપે અને એમના આ ભગીરથ પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય એવી "ગુજરાત સમાચાર" પરિવારની પ્રાર્થના.