બોરિસ કેબિનેટમાં ફેરબદલઃ ચૂંટણીના ભણકારા

Wednesday 22nd September 2021 02:38 EDT
 

યુકેના પૂર્વ વડા પ્રધાન વિલિયમ એવાર્ટ ગ્લેડસ્ટોનનું એક વાક્ય છે કે,‘ પ્રાઈમ મિનિસ્ટર માટે પ્રથમ આવશ્યકતા સારા બુચર (કસાઈ) બનવાની હોય છે.’ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ આખરે કોરોના મહામારીના કળણમાંથી બહાર આવી કત્લેઆમ ચલાવી છે અને ડોમેસ્ટિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરી પ્રધાનમંડળમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.
કેબિનેટ ફેરબદલમાં સત્તાના ચાર પાયામાંથી બે પાયા સ્ત્રીશક્તિ એટલે કે પ્રીતિ પટેલ (હોમ) અને લિઝ ટ્રસ (ફોરેન) હસ્તક રહ્યાં છે અને બાકીના બે પાયા રિશિ સુનાક (નાણા) અને સાજિદ જાવિદ (હેલ્થ) હસ્તક યથાવત રહ્યા છે. લિઝ ટોરી પાર્ટીના પ્રથમ મહિલા ફોરેન સેક્રેટરી બન્યાં છે તેની નોંધ લેવી આવશ્યક છે. ઈંગ્લિશ ચેનલ થઈને માઈગ્રન્ટ્સની સતત ઘૂસણખોરી યુકેમાં થઈ રહી છે તેને ખાળવામાં લગભગ નિષ્ફળ પહેલાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પણ સ્થાન ગુમાવશે તેવી પણ અટકળો હતી જે સાચી પડી નથી. એક સમયે જ્હોન્સન પોતાના ચાન્સેલર સુનાકથી ખફા હતા અને તેમને હેલ્થ સેક્રેટરી બનાવી દેવાની રમૂજ પણ કરી હતી. જોકે, રમૂજને અમલમાં નહિ મૂકીને તેમણે શાણપણ દર્શાવ્યું છે કારણકે સુનાકે જ મહામારીના આતંકમાંથી દેશના અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવાની જહેમતપૂર્ણ કામગીરી બજાવી છે તેને ભૂલી શકાય નહિ. બીજી તરફ, અફઘાનિસ્તાનમાંથી બ્રિટિશ અને અફઘાન નાગરિકોના ઈવેક્યુશનમાં ભૂમિકાના પ્રતાપે ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ પણ પદ જાળવી શક્યા છે.
એક સમયે જ્હોન્સનના પક્ષના નેતા બનવાની તકમાં ખંજર હુલાવનારા માઈકલ ગોવને હાઉસિંગ સેક્રેટરી અને જ્હોન્સનના લેવલિંગ-અપ અથવા તો સુધારાઓના એજન્ડાને પરિપૂર્ણ કરવાની જવાબદારી સુપરત કરાઈ છે. આ એજન્ડા જ્હોન્સનને આગામી ચૂંટણીમાં ફરી વડા પ્રધાનપદે ગોઠવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેમ મનાય છે. દેશમાં અફઘાન શરણાર્થીઓને પણ વસાવવાના છે ત્યારે માઈકલ ગોવના હાઉસિંગ ડિપાર્ટમેન્ટનું મહત્ત્વ વધી જશે. બીજી તરફ, કોરોના વેક્સિનેશન પ્રોગ્રામને સફળ બનાવવાની જહેમત નાધીમ ઝાહાવીને ફળી છે અને શરપાવ તરીકે એજ્યુકેશન મિનિસ્ટ્રીનો કાર્યભાર સોંપાયો છે.
બોરિસની કત્લેઆમમાં તેમના જ વફાદાર કેબિનેટ મિનિસ્ટર્સ ગાવિન વિલિયમસન, રોબર્ટ જેનરિક અને રોબર્ટ બકલેન્ડને પોતાના હોદ્દા ગુમાવવા પડ્યા છે. આનું કારણ એ છે કે પદભાર સંભાળ્યા પછી કામગીરી દર્શાવવી આવશ્યક રહે છે. એજ્યુકેશન સેક્રેટરી વિલિયમસનનો દેશમાં મહામારીના કારણે કથળી ગયેલા શિક્ષણસ્તર, પરીક્ષાઓ અને શાળાઓ ફરી ખોલવાની અનિર્ણાયકતા બદલ ભોગ લેવાયો છે. અફઘાન કટોકટી વેળાએ દેશના નાગરિકોને ખાસ જરૂર હતી તેવા સમયે ક્રીટમાં વેકેશન માણી રહેલા ડોમિનિક રાબની ભારે ટીકાઓ થઈ હોવાથી તેમનું ફોરેન સેક્રેટરીપદ જવાનું નિશ્ચિત જ હતું. પરંતુ, જ્હોન્સને તેમને નીચી પાયરીએ ઉતારીને પણ કેબિનેટમાં રાખવાનું મુનાસિબ માન્યું છે. જોકે, કહેવાતા ડિમોશન પછી પણ ડોમિનિક રાબને ખાસ ગુમાવવું પડ્યું નથી. જસ્ટિસ સેક્રેટરી ઉપરાંત, તેમને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને લોર્ડ ચાન્સેલરના વધારાનાં છોગાં પણ મળી ગયા છે. કેબિનેટ રીફશલ થવા સાથે યુકેમાં વહેલી ચૂંટણી કરાશે તેવી અટકળોને વેગ મળ્યો છે. આનું કારણ એ છે કે સંસદીય પેટાચૂંટણીમાં બે પરાજય પછી ટોરી પાર્ટીના કો-ચેરમેન અમાન્ડા મિલિંગને રુખસદ આપી દેવાઈ છે અને નવનિયુક્ત ચેરમેન ઓલિવર ડાઉડેને પાર્ટીના કાર્યકરોને આગામી બે વર્ષમાં ચૂંટણી માટે તૈયાર રહેવાની શીખ આપી છે. આ ફેરબદલ મહામારી પછીના રાજકારણ અને આગામી સામાન્ય ચૂંટણી જીતવા સજ્જ બનવાની તૈયારી દર્શાવે છે. આગામી સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અથવા તેથી વહેલા થવાની છે ત્યારે જહોન્સને પરંપરાગત ટોરી મતદારો અને ૨૦૧૯માં તેમની સાથે આવી ઉભેલા લેબર મતદારોના ગઠબંધનને જાળવવું પડશે. તાજેતરના સપ્તાહોમાં વડા પ્રધાન જ્હોન્સને નિશ્ચયાત્મકતા દર્શાવી હેલ્થ અને સોશિયલ કેરને મજબૂત બનાવવા ટેક્સવધારાના કડક નિર્ણયો લીધા છે અને ૨૭ ઓક્ટોબરે રિશિ સુનાકના બજેટમાં પણ આવા નિર્ણયો આવી પડશે તેવી ધારણા સેવાય છે.


comments powered by Disqus